અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/આજ તો મને સોળમું બેઠું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજ તો મને સોળમું બેઠું

યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું...
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું!

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ!
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું!
આજ તો મને સોળમું બેઠું...

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ!
મેઘ-ધનુ આ પણછ ખેંચી; હૈયે પેઠું!
આજ તો મને સોળમું બેઠું...

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ખબકારાયે મેઘની માફક
આજ તો વાગે!
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું?
આજ તો મને સોળમું બેઠું...
(ગુજરાત, દીપોત્સવી, ૨૦૬૦)