અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/ટગલી ડાળ
યોગેશ જોષી
શિયાળો ગાળવા
આવેલો પંખી
વતન પરત જવા
ડાળ ડાળ પરથી
આ...ઊડ્યાં
પાંખો ફફડાવતાં
ફડ ફડ ફડ ફડ...
સાથે થોડો તડકો
થોડું આકાશ લઈ...
ડાળ ડાળ
હલતી રહી,
જાણે
‘આવજો’
કહેતી રહી...
ટગલી ડાળ
જરી ગરદન ઊંચી કરી
જોઈ રહી –
વિદાય થતાં પંખીઓની
પંક્તિઓની પંક્તિઓ
ક્ષિતિજમાં દેખાતી
બંધ થઈ
ત્યાં લગી
અપલક...
કોઈ પંખીએ
જોયું નહીં
પાછું ફરીને...
પછી ટગલી ડાળ
સાધતી રહી
કશોક સંવાદ
મૂળ સાથે...
(નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬)
‘ડાયસ્પોરા સર્જકોને અર્પણ’ – આ કૃતિની કળાત્મક લાક્ષણિકતા એ છે કે તે સ્વેચ્છાએ કે અનિચ્છાએ સ્વદેશ છોડી વિદેશ જતા રહેલા સમુદાયને નિશાન બનાવવાને બદલે અહીંની પ્રકૃતિનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરતી વસ ‘ટગલી દાળ’ની સંવેદના કરુણાભાવ સાથે શબ્દાંકિત થઈ છે.
સામાન્યપણે પરદેશ પહોંચી પોતાના વતન માટે ઝુરાપાભર્યો નૉસ્ટેલ્જિયા વ્યક્ત કરતાં પાત્રો મોટે ભાગે ત્યાંનાં સર્જનો પ્રસ્તુત કરે છે.
જ્યારે ‘ટગલી દાળ’ના કવિશ્રીએ એમનો કૅમેરા, સામેના અન્ય છેડે મૂકી ડાળને છોડી જતાં રહેલાં પંખીઓની ઉડાનગતિ ઉપર ફોકસ કર્યો છે.
નોંધપાત્ર એ છે કે માત્ર શિયાળો ગાળવા પૂરતાં જ વૃક્ષો ઉપર ઉતરી આવેલાં પંખીઓનું વતન હવે સ્વદેશ નહિ પણ પર–દેશ છે. પંક્તિ સૂચક છે:
‘વતન પરત જવા / ડાળ ડાળ પરથી / આ…ઊડ્યાં’
‘આ’ પછી ત્રણેક ડૅશ ટપકાં સર્જકની આહનો મૂક ધ્વનિ છે! ઊડ્યાં તો ખરાં પંખીઓ, પાંખો ફફડાવતાં એના ગતિનાદ ‘ફડ ફડ ફડ ફડ’ સાથે–પણ પાથેય કયું?
‘સાથે થોડો તડકો
થોડું આકાશ લઈ’
પંખીઓનું ગજું કેટલું, લઈ જવા માટે? કર્તાના ધ્યાન બહાર નથી, તેથી ‘થોડો તડકો, થોડું આકાશ લઈ.’ થોડામાં ઘણું વર્ણવ્યું. પાંખ પર સ્વદેશનો તડકો-આકાશ થોડોય લઈ ગયા સિવાય ચેન પડે?
કવિનો કૅમેરા ક્લોઝઅપ ઍન્ગલમાં ‘ડાળ ડાળ હલતી રહીઝડપી ફ્રીઝ શૉટ નથી થતો, ડાળમાં માનવભાવ આરોપે છે: ‘જાણે ‘આવજો’ કહેતી રહી…’
‘આવજો’માં પરત જતાં રહેતાં પંખીઓ પ્રત્યે પણ હેતભરી સહાનુભૂતિ છે. રચનાના ચોથા ગુચ્છમાં કાવ્યશીર્ષક ‘ટગલી ડાળ’ પ્રવેશી છે.
ગુજરાતી ભાષાની કાવ્યકૃતિઓમાં ડાળ સાથે ‘ટગલી’ વિશેષણનો ઉપયોગ અહીં કદાચ પહેલી વાર થયો.
ટગલીનો અર્થ પાતળી ઊંચી ડાળ.
એ તો બરાબર, પણ પંખીની અંગડાઈની મુદ્રા બક્ષી ડાળને પક્ષીમાં પલટવાનો પ્રયોગ રસપ્રદ છે: ટગલી ડાળ / જરી ગરદન ઊંચી કરી / જોઈ રહી – અહીં ડૅશનું ચિહ્ન ભાવકો માટે છે. પાતળી ડાળ શું જોઈ રહી?
‘વિદાય થતાં પંખીઓની
પંક્તિઓની પંક્તિઓ
ક્ષિતિજમાં દેખાતી
બંધ થઈ
ત્યાં ગલી
અપલક…’
જાણે કે – વતન તજી વિદેશ ભણી ઊડી જતાં વિમાનો ક્ષિતિજનાં ગુમ થઈ જતાં અપલક આંખે નીરખી રહી છે ટગલી ડાળ!
‘આવજો’ના બોલની વાચા બાદ ‘અપલક’ દૃષ્ટિનો ઑડિયો–વિઝુઅલ વિનિયોગ, ભાવકને રચનાનો આર્દ્ર અન્ત તરફ લાવી મૂકે છે:
‘કોઈ પંખીએ
જોયું નહીં
પાછું ફરીને.’
ડાળનું ‘અપલક’ જોવું સૂચવતું હતું કે કોઈ પંખી તો મારા તરફ પાછું ફરી વળીને જોશે.
એવું તો લગારે કાંઈ કહેતાં કાંઈ ના બન્યું.
કોઈ હતાશ થઈ કિંકર્તવ્યમૂઢ થઈ થીજી જાય.
ભાવક રસિકનેય થાય હવે પછી શું? તો ત્યાં સર્જક યોગેશનો માસ્ટર સ્ટ્રોક સમો અણધાર્યો વિધેયાત્મક વળાંક છે:
‘પછી
ટગલી દાળ
સાધતી રહી
કશોક સંવાદ
મૂળ સાથે….’
કશોક સંવાદ ટગલી ડાળ કોની સાથે સાથી સાંધી રહી છે અહીં?
— ‘મૂળ’ સાથે! ‘કશોક’ શબ્દ પાડી, બોલકો ફોડ ના આપી કળાનું રહસ્ય અકબંધ રાખવાનો સંયમ નોંધપાત્ર છે.
ઊડી ચૂકેલાં પંખીઓએ તો કૃશ પાતળી ડાળ સાથે ભલે વિસંવાદ નથી કર્યો, પણ સંવાદેય સાધ્યો નથી. તે સૌ તો ઉન્મૂલિત મૂળ(રૂટલેસ)ના સ્તરે રહી ગયાં.
તો એ સંવાદ સાધતા રહેવાનો પ્રેમપરિશ્રમ પાતળી ડાળી હજુય સાધતી રહી છે.
રચના આસ્વાદ્ય એટલા માટે છે કે –
(અ) ‘ટગલી દાળ.’ એક પ્રાતિનિધિક પ્રતીક રૂપે વિકસી, વિલસ્યું છે.
(બ) વતનનો તડકો–આકાશ અપહરી ઊડી ગયેલાં પંખીઓ પ્રત્યે સૉડિસ્ટિક પરદોષદર્શન કે મન્યુપ્રલાપ નથી.
(ક) રચનાનું પ્રકાશિત મુદ્રણ એકવિધ સળંગ નથી, પણ પંખીઓના અત્રતત્ર આડાઅવળા ઊંચાનીચા ગગનગામી ઉડ્ડયનની ચિત્રકૃતિ સમું છે!
ઇ. ઇ. કમિંઝનું ચિત્રાત્મક કૃતિમુદ્રણ અને ‘રૂટ્સ’ જેવી નવલકથાની નેરેટિવ થીમ સુજ્ઞોને સાંભરે.
આવી યાદગાર સહજ સ્ફુરિત કૃતિ માટે કવિશ્રી યોગેશ જોષીને પ્રચલિત ‘અભિનંદન’ શબ્દથી આગળ ધન્યવાદ… (રચનાને રસ્તે)