અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/બસ, તે દિવસથી...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બસ, તે દિવસથી...

યોગેશ જોષી

બસ, તે દિવસથી હું
પીપળો બનીને ખોડાઈ ગયો છું તારે આંગણે.
પગના તળિયે ફૂટતાં મૂળિયાં
પ્રસરતાં જાય છે ધરતીના હૃદયમાં.
અસંખ્ય પંખીઓએ
માળા બાંધ્યાં છે મારી ભીતર
રોજ સવારે સૂરજ
મારાં પાંદડાંઓને પહેરાવે છે સોનાનાં ઘરેણાં.
ચંદ્ર પણ
ચંદનનો લેપ કરે છે મારા દેહ પર.
તાંબાના લોટામાં જળ લઈને આવતી વર્ષાય
અભિષેક કરે છે.
ગ્રીષ્મ પણ
હમેશાં આપ્યા કરે છે મને ઉષ્મા;
જાણે હું ગુલમહોર ન હોઉં!
મારી પાસે
આખુંય આકાશ છે, ધરતી છે,
સહસ્ર પાંદડાં છે, અસંખ્ય પંખીઓ છે:
સઘળી ઋતુઓ છે... ...
કોણે કહ્યું
કે હું
સાવ એકલો છું?
(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૭૭)