અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/રૂપાન્તર કરી નાખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપાન્તર કરી નાખો

યોગેશ જોષી

પૂનમનો ચંદ્ર
તો ખીલ્યો છે સોળે કળાએ
પણ
દરિયામાં ભરતી ક્યાં?!
સ્થગિત છે બધાંય મોજાં!
જાણે કોઈએ
કહ્યું ન હોય ‘સ્ટૅચ્યૂ’!
પવન તો ઘણુંયે વાય છે
પણ જરીકે હાલતું નથી
એકેય વૃક્ષનું એકેય પાન!
બીજ તો રોપાયાં છે અસંખ્ય
ખાતર-પાણીનીય કમી નથી રહી
છતાં
અંકુરાતું નથી કશુંય!
વીજ
તો ચમકે છે અવારનવાર
પણ
ક્યાં કોઈ નવરું છે જરીકે
મોતી પરોવવા?
વરસાદ તો
વરસે છે મુશળધાર
પણ
ક્યાં કશુંયે
ભીંજાય છે જરીકે?!
અગ્નિ તો પ્રગટે તો છે
પણ ભડભડતા અગ્નિમાં
બળતું નથી
સૂકું તણખલુંય!
કોઈ આવીને
અહલ્યાની જેમ
મારુંય
રૂપાન્તર કરી નાખો
પથ્થરમાં...
મારે
કવિ નથી થવું.