અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/વાવ : ૧. ભીતર એક નાવ લઈને...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાવ : ૧. ભીતર એક નાવ લઈને...

યોગેશ જોષી

નિરુદ્દેશે
ગાઢ વનમાં વિહરતાં વિહરતાં
જડી આવી
એક અવાવરું વાવ!
વાવમાંનું જળ થીજેલું!
થીજેલી
વાવમાંની હવા!
થીજેલી
હવડ ગંધ!

જાણું છું —
વાવના આંધળા-બહેરા જળમાં
મુકાય નહિ
એકેય નાવ!
આમ છતાં
ભીતર એક નાવ લઈને
વાવનાં ખંડિત પગથિયાં
ઊતરતો રહ્યો



તો

રહ્યો...

નથી કળાતું પાણી
કે
નથી આવતું
છેલ્લું પગથિયું!
ક્યાં સુધી
ઊતર્યાં જ કરવાનાં

જૂનાં-પુરાણાં પગથિયાં?!