અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક સોમેશ્વર/અવાવરુ ઊંડાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અવાવરુ ઊંડાણે

રમણીક સોમેશ્વર

પડ ખોદું
પળપળ ખોદું
તળ ખોદું
વિહ્વળ ખોદું
જળ ખોદું
ઝળહળ ખોદું
સ્થળ ખોદું

ખોદું
બસ, ખોદ્યા જ કરું
પરસેવે નીતરતો
પરશે હવા
ઘડીભર હા...શ કરીને
ઘચ્ચ્ચ...
ફરીથી ખોદું

ખોદું ખોદું
ત્યાં તો નીકળે
અચરજ અપરંપાર
રાતી કીડીની હાર
કરોળિયાનાં જાળાં
ભમરીનાં દર
કંકાલ
કાલનું
અકબંધ
માટીની ભેજલ ગંધ

ખોદું
ખોતરું
ઊતરું ઊંડે
ગૂંગળાતો
મૂંઝાતો
હાંફતો
એક પછી એક
અચંબાનાં પડ ઉકેલતો
અચંબા સાથે અચંબો થઈ જતો.

હું જ ત્રીકમ, કોદાળી ને પાવડો
હું જ ભીતરથી માટી
હું જ
અંદર ને અંદર કહોવાઈ ગયેલાં
વૃક્ષોનાં મૂળ
ધૂળ ચોમેર ધૂળ
ક્યાં છે કુળ કે મૂળ માણસનું!
માટીનો આ દેહ
દેહની ચેહ સુધીની ગતિ
(વચ્ચે રતિ, મતિ ને યતિ...)

ગૂંદું માટી
ભીની માટી
અગ્નિની જ્વાળાઓ વચ્ચે
ભડભડ બળતી માટી
વાયુ સાથે વહી જતી
ખેતરક્યારે મૂળ નાખતી
અને પછી
આકાશ આંબતી માટી
કોણ મનુ
ને
હવ્વાઆદમ કોણ
સફરજન કોણે ખાધું!
કોણ પાંસળીમાં ઘુઘવાટા નાખે!
કોણે લથબથ કીધી ધરતી
કણે નીંભાડે મૂકીને આપ્યો ઘાટ
મૂક્યો થોડો
ચાંદાનો રઘવાટ
વહેતા મેલ્યા
નદીયુંના આવેગ
ભરીને દેગ
ઊકળવું કોણે મૂક્યું!

ખોદું ઊની હવાની આંચ
ખોદું તરડાયેલું સાચ
ખોદું ત્યાં છાતીમાં ખૂંપે
વીતેલી સદીઓના
ઝીણા કચ્ચર કચ્ચર કાચ

હાંફું
અટકું
હાંફું
ખોદું
ફરીફરીને ખોદું
ખચ્ ખચ્ ખચ્ચાક
જોયા કરું
આશ્ચર્યવત્

ઊછળે મારી આંખોમાં સાગર
સાગરને અંકોરે ભેરવેલી નદીઓ
અને
નદીના મૂળ લગી જતાંજતાંમાં
તરફડતી સદીઓની સદીઓ.

ખોદું
પડ
તળ
જળ
છળ
વિહ્વળ
ખોદું ખોદું
ને
ખદબદે છે બધું!
એતદ્, જાન્યુઆરી-માર્ચ, પૃ. ૨૯-૩૨