અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/એક પ્રશ્નગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક પ્રશ્નગીત

રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…

પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો ક્હેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…
(છ અક્ષરનું નામ, પૃ. ૧૬૬-૧૬૭)





રમેશ પારેખ • દરિયામાં હોય એને મોતી કહેવાય છે • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: અમર ભટ્ટ