અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/ગઢને હોંકારો તો…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગઢને હોંકારો તો…

રમેશ પારેખ

ગઢને હોંકારો તો કાંગરાય દેશે
પણ ગઢમાં હોંકારો કોણ દેશે?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?
આઘે આઘેથી એને આવ્યાં છે કહેણ, જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને મીરાં કાળું મલીર એક ઓઢશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ
મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ, રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે…
(છ અક્ષરનું નામ, પૃ. ૪૩૫-૪૩૬)