અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/હસ્તાયણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હસ્તાયણ

રમેશ પારેખ

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે;
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું,
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે.

રેશમી વસ્ત્રની માફક ઢળી પડ્યા નીચે,
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?

અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને,
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે.

આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ,
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે.

કોઈના હાથને પસવારે હાથ કોઈનો,
તો થાય : મારા હાથ આ જ છે કે પેલા છે?

એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે.

આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો,
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે.

આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા,
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે.

ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ,
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે.

હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે

આ હાથ સૌથી ખતરનાક બૉમ્બ છે તોપણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે

રમેશ, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.
(છ અક્ષરનું નામ, પૃ. ૩૪૧-૩૪૨)