અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/સપનાંને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સપનાંને

રાજેન્દ્ર પટેલ

(વસંતતિ લકા; સૉનેટ)

યુગો સુધી સરી જતાં સપનાં વિરામો,
ઊભા રહો ઘડીક, પાસ અહીં નિરાંતે,
ખોયું અમે નજીક જે સઘળું હતું તે.
જોયાં હતાં સહજ સ્વપ્ન સરી જતાં, ને
સંભારણાં ઊકલતાં હળવે હજુ તો,
ત્યાં કાળના લસરકા કરતાં વિશીર્ણ,
પાસે રહ્યા, રઝળતા દિવસો ધખેલા.
બાકી રહી ફક્ત રાત ઉજાગરાની,
થાકેલ કેવળ રહે સૂનકાર સૂનો,
અંધારની અકળ ગાંઠ જરાક ખોલું
ડુબાડતું સ્મરણનું જળ સાવ ઊંડે.
સાથે નથી નજીક ને દૂરનું કશુંયે
તારો જરાક સહવાસ, બને વિસામો.