અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ વ્યાસ ‘મિસ્કીન’/મંદિર-કબાટ-ચૂલો
Jump to navigation
Jump to search
મંદિર-કબાટ-ચૂલો
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
મંદિર-કબાટ, ચૂલો ખુરશી-પલંગ જેવું,
ઘર એ જ મહેલ બનવા, ઝંખે પ્રસંગ જેવું,
ક્યારેક દેહ સાથે ઘરનો દરેક ખૂણો,
વરસાદમાં વગાડે કૈં જલતરંગ જેવું
ક્યારેક પણ ફળ્યું ના જે વૃક્ષ આંગણાનું,
સુખ આપતું ઉનાળે કોઈ ઉમંગ જેવું;
કટકા કરે હજારો, આવે ન ખ્યાલ રહેજે,
કૈં જીવવું મળ્યું છે અમને સળંગ જેવું,
છેટું પડ્યું પછીથી જન્મોનું-જોજનનું,
લાગ્યું અહીં જીવનમાં જે અંતરંગ જેવું,
દોરી-હવા બધુંયે પાસે ઘણું છતાંયે,
પરવશ હૃદય કપાયેલ કોઈ પતંગ જેવું.
(‘ગઝલવિશ્વ’ ૨૮, ૨૦૧૩)