અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’/રૂપાંતર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપાંતર

રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’

સામ
લ્હેરે કદમ્બનું વૃક્ષ
એનાં પાંદ પાંદ બનીને ઝૂલે,
ખૂલે મહેક...
એમાં એક ખિસકોલી રમે,
ચઢે-ઊતરે...
ને છેક જમીન પર આવીને એ કશુંક ઠોલે,
ફોલે.
મને થયું
લાવ, દાણા નાખું દાડમના.
પછી તો
એ દાણો દાણો પકડી ખાતી ખાતી
આવતી રહી નજીક...
ન બીક,
ત્યાં થયો કશોક ધભાકો ધબ...
ઝબ ઝબકી
ઝણઝણીને ઉતાવળી દોડતી એ ચડી ગઈ
મારા શરીર પર,
ઘડી વારમાં તો
આંખોમાં થઈને સીધી ઈતરી ગઈ છેક કલેજામાં.
નાડી નાડી
રણકી ઊઠ્યાં બુન્દ બુન્દ,
હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!