અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/એક સન્ધ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક સન્ધ્યા

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

(મિશ્રોપજાતિ)


સન્ધ્યા હતી, અસ્ત રવિ ગયો’તો,
ને ઘેર જાવાનું હતું અમારે
આ ઊતરી શાન્ત નદી સુનીરા.
અન્ધારું એકાન્ત રચી રહ્યું’તું
છતાં હતી દર્શન પૂરતી દ્યુતિ,
પ્રહર્ષિણી] ને પ્રીતિ દ્યુતિ વિણ ક્યાં ન દેખતી જે!

‘સામાન્ય આરો તજી’ મેં કહ્યુંઃ ‘સખી!
આજે જિંયે ઉપરવાસ ઊતરી.’
‘પાણી હશે ઝાઝું ઊંડું ખરું ત્યાં?
તેનું કંઈ ન્હૈં, પણ.’ બેઉ ચાલ્યાં.
એકાન્ત ત્યાં એ નદીને કિનારે
સંકોરિયાં વસ્ત્ર, અને સખીએ
શાલિની] પાસે આવી ઝાલિયો હાથ મારો.
ચાલ્યાં અમે પાણી ભણી ધીમેથી.
જરા પછી સ્પર્શ થતાં જ પાણીનો,
દશે દિશા સ્તબ્ધ થઈ રહેલાં
આકાશના તારક વૃક્ષ તીરનાં
ધ્રૂજી રહ્યાં, ઘૂમરીઓ ઘૂમી રહ્યાં
પાણીપટે, એક તણાં અનેક થૈ!
ને મારુંયે બાલ્યનું જાગ્યું ચેતન!
— ન પ્રેમમાં સ્થાન શું બાલ્યનું એ? —
પછાડીને પાય ઉડાડ્યું પાણી,
થઈ રહ્યો ઘુમટ શીકરોનો!
‘ના’ ના કહી, હાથથી હાથ દાબી,
જરા જ કીધી મુજ પેર દૃષ્ટિ,
અનુo] અંધારામાં દ્યુતિ જેની થકી બાલ્ય શમી ગયું.
ગંભીરતાથી કહ્યુંઃ ‘પાણી ઊંડે
જતી ન છાંટા ઊડશે હવે કૈં?’
પાણી પછી ઘૂંટણપૂર આવ્યે
સંકેલી સાડી સખીએ કહ્યું મેં
‘મારે ખભે મૂક’ ‘ખભે તમારે?’
‘હં આં! હુંય ઘડીક કાં ન બનું અર્ધનારીશ્વર!’
ને અર્ધનારીશ્વર થૈ હું ચાલ્યો.
ચાલ્યાં ધીમેઃ ગૂઢ જમીન કેરા
કુતૂહલે, કાંઈ ભયે નદીમાં.
સન્ધ્યા હતી ગાઢ થતી જતી ને,
દૂરે રહ્યાં તીરની વ્યોમરેખા,
ધીમા ીમા પાણીતણા અવાજો,
અપીડકારીય છળાવનારા
વિચિત્ર સ્પર્શો મૃદુ માછલીના,
કો સ્વપ્નમાંહી ‘નુભવન્તી જાણે
જતી’તી રાખી દૃગ પાણીમાં તે,
ને ભાવ તેના મન સંચરન્તા
હું હાથમાં હાથથી લક્ષતો’તો —
રુચિરા] નિહાળતો વન સખીનું મુગ્ધ થૈ!

પૃથ્વી] સહુ સુભગ દર્શનો મહીં ન અલ્પ એને ગણુંઃ
બીજે નજર એની, એનું મુખ હું નિહાળ્યા કરું!
ચાલ્યાં અમે આગળ એમ પાણીમાં!
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે!
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને!
ખંડિત પ્રહર્ષિણી] રમાય, પીવાય, ન્હવાય, જેમાં
બાહ્યાંતર્, ઉભયની શુદ્ધિ તાજગી!

પછી જતાં આગળ, હાથ મારો
સીત્કારની સાથ જરા દબાતાં,
હજી હું જાણું, નવ જાણું, ત્યાં તો
દીઠી સખી કંઠ સુધીય વારિમાં,
આડી ફરી, સંમુખ મારી થૈને,
બીજે કરે હાથ બીજોય ઝાલતી.
કિન્તુ હસી એ ક્ષણ બીજીએ જ.
અને જરા નિર્ભયતા પ્રતીતિથી,
ને કૈંક વિશ્રમ્ભથી પ્રેમ કેરા,
જરા વળી સંનિધિના પ્રમોદે,
ફરી દૃઢાલિંગનના પ્રતીક શા
દબાવિયા હાથથી હાથ મારા.
દેહો હતા એક જ વારિમગ્ન,
ન જીવને એક જ કેમ જાણે,
વહી રહ્યું હાથથી સોંસરું ને
અન્યોન્ય એકાગ્ર થઈ દૃગોમાં!
આવ્યાં હતાં કૈંક વિશેષ પાસે
ને પાણીના મન્દ અવાજ શું કહ્યુંઃ
‘સખે, વહ્યું જાય અનન્ત વારિ,
અને મહીં આપણ બેઉ એકલાં!’
ન જાણું કે એ સખી દોરતી’તી
કે ચાલતો હું જ ચલાવતો’તો,
કે પાણીનો વેગ લઈ જતો’તો,
જતાં હતાં આગળ એમ ચાલ્યાં!
ઊંડાણ પાણીનું પૂરું થતાં ત્યાં,
ઓચિંતી એ સંમુખ મારી ઊઠી,
વીનસ ડ મીલો સમ ઊર્ધ્વ પાણીમાં!
અનુo] ને એક તેજનો અર્ઘ્ય સન્ધ્યા યે અર્પતી રહી.

તારા અને દૂરની ટેકરી શો,
હું સ્તબ્ધ એ દર્શનથી થઈ રહ્યો,
ઝાલી રહ્યો હાથથી બેઉ હાથ
છોડાવવા એક જતી સખીનો.
કિન્તુ હલાવી, મુજને જગાડી
જરા બળે છોડવી એક હાથ,
બીજાથી એ દોરતી, ખેંચતી મને,
ચાલી. ઘડીમાં તટ આવી ઊભાં!
ન જાણું ક્યારે મુજ હાથ છોડ્યો,
ક્યારે હુંથી એ અળગી થઈ ઊભી!
મેં માત્ર ત્યાં જોઈ નદીકિનારે
કો શિલ્પીની અદ્ભુત પૂતળી સમી!
તેનાં નદીદર્શન નૈક આજનાં
એક ક્ષણે મૂર્ત હું નીરખી રહ્યો!
જેવી સુધા વ્હેંચણીકાળ મોહિની
દેખી સુરો અસુરો મુગ્ધ થૈ રહ્યા,
તેવી બધી ગૂઢ અગૂઢ વૃત્તિઓ
ઉન્મત્ત ને મૂર્ચ્છિત મારી થૈ ર્‌હૈ,
વરતી હસી મન્દ સખી. કહ્યું મેંઃ

ખંડિત પ્રહર્ષિણી] ‘સદા સખી મોહક અંગ તારાં,
ને હું તો ક્વચિત જ મુગ્ધ થાઉં છું!’
ગીતિ] ‘આપો હવે ઈ ઈ દો, મારો સાળુ, ન આવશો નિકટ.’
અનુo] ખભેથી લૈ ઉકેલી મેં, ઓઢાડ્યો ત્યાં સરિત્તટ,
ઓઢાડે જેમ આકાશ પૃથ્વીને રજનીપટ!

(શેષનાં કાવ્યો)