અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/વરસાદી રાતે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વરસાદી રાતે

રાવજી પટેલ

ઈશાની પવન મારા છાપરાના નળિયાને ઊંચું-નીચું કર્યા કરે.
નળિયાંની નીચે મારી ઊંઘ પણ પીંછાં જેવી
આઘીપાછી થયા કરે.
નાનો ભાઈ બચ બચ ધાવે,
બચકારે બચકારે અંધારાનો મોલ હલે.
સ્હેજ વળી ફણગાની જેમ કૂંણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યા કરે.
એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે.
આખો દહડો ઢેફાઈ કુટાઈ —
મા
પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.
મારા બાવડામાં દિવસ, બળદ, હળ; બારે મેઘ પોઢ્યાં
અને
નળિયાંની નીચે મારી ઊંઘ
પીંછાં જેવી આઘીપાછી થયા કરે…
(અંગત, પૃ. ૩૨)