અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/તીર્થધામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તીર્થધામ

રુસ્વા મઝલૂમી

દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે,
જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે.

રહેમતની આવી શાન હતી ક્યારે આ પ્રથમ?
આપો દુઆ ગુનાહને કે આ દમામ છે.

દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઇન્તેજાર;
એવું જીવન શું! એવું મરણ પણ હરામ છે!

યાત્રા તરી લે આવી અહીં ચારે ધામની;
ઓ સંત! મયકદામાં બધાં તીર્થધામ છે!

મસ્તાનનું શું પૂછવું રુસ્વા થયા પછી;
મિત્રોમાં આજ મોખરે એનું જ નામ છે.

(મદિરા, પૃ. ૪૮)