અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/प्रस्तावना (ડોલ શબ્દની…)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


प्रस्तावना (ડોલ શબ્દની…)

લાભશંકર ઠાકર

ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે
હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે
આ આવી છલકાતી લઈને
ભરચક પાણી પાણી રે!



આસ્વાદ: કાણી ડોલથી જળાશય ભરવાની વાત – રવીન્દ્ર પારેખ

મૌન પર કવિતા ઘણી છે, પણ મૌનમાં કવિતા નથી. મૌનની કવિતા પણ શબ્દ વગર શક્ય નથી. શબ્દ છે માટે જ મૌન પણ છે. એમ લાગે છે કે શબ્દ કવિતામાં આવે છે તો તે વ્યવહાર છોડીને તહેવાર તરફ વધારે ગતિશીલ હોય છે. શબ્દ ગમે તેવો હોય, ગાંડોઘેલો કે સ્વસ્થ, તે કવિતામાં આવે છે ત્યારે એક વણલખ્યું શિસ્ત સ્વીકારી લે છે. કવિ લઘરવઘર હોય તો ચાલે, લઘરો હોય તો ચાલે, પણ શબ્દ કવિતામાં લઘરવઘર હોય તોપણ તેણે કવિતા રહેવું હોય તો તેણે શિસ્ત પાળવાનું રહે જ છે. લઘરો પણ કવિતામાં સૌંદર્યમંડિત હોવાનો. કવિતા કશામાં બંધાતી નથી, પણ તે સ્વયં અને સંપૂર્ણ શિસ્ત રચે છે ને તેની બહાર જવાનું તે સ્વીકારતી નથી. તે અરૂઢ હોઈ શકે, પણ અકુદરતી થવાનું તેને પાલવે નહિ.

શબ્દ જ કવિની સંપત્તિ છે. સોનામહોર છે. તે કસર કરીને ખર્ચે છે. કવિનો શબ્દ કસરી છે. કવિએ શબ્દ ખર્ચવાનો છે, ઉડાવવાનો નથી. તે ના ખર્ચે તોય શબ્દ વહી જવાનો છે. ખર્ચવું એ જ કવિનું ભાગ્ય છે. તેના શબ્દની ડોલ કાણી છે. પાણી ખર્ચે તોય ઘટવાનું છે ને ન ખર્ચે તોય ગળવાનું છે. ખર્ચવું એ નિયતિ છે.

લાભશંકરે શબ્દ ખર્ચ્યા છે ને એ સાથે જ ખર્ચ્યું છે મૌન. અઢળક શબ્દોના સ્વામીએ પણ શબ્દ વગર પોતાને રાંક અનુભવ્યા છે. ‘મરી જવાની મઝા’માં લાભશંકરે જ નોંધ્યું છે, ‘કેવી વાણીની ખીચોખીચ સમૃદ્ધિ! એક વાર હુંય કુબેરભંડારી હતો. ચૌદ વરસનો એ કુબેરભંડારી ગામ છોડીને નગરમાં આવ્યો. ભણ્યો-ગણ્યો, પ્રોફેસર થયો અને સાવ લૂંટાઈ ગયો.’ ગ્રામજીવનનું જે ભાથું હતું તે શહેરી સમૃદ્ધિ વચ્ચે પણ કવિને વધારે માતબર લાગે છે.

ઊંડા કૂવામાંથી પાણી ખેંચવાનું અઘરું છે. દામણ ખેંચ્યા જ કરો, પણ છેડો આવતો નથી ને ડોલ કાણી છે તે નફામાં! આ પરિચિત અધ્યાસો વચ્ચે કવિએ પોતાનો શબ્દ પાડવો હતો. એટલે તેમણે ડોલ તો કાણી રહેવા દીધી, પણ તેને શબ્દની ડોલ કરી.

ડોલ શબ્દની કાણી રે

પછી બધું એમ જ રાખ્યું છે. કૂવો ઊંડો જ છે. દામણ ખેંચાયા જ કરે છે, ખેંચનાર લઘરો જ છે. પણ પરિણામની હવે બે શક્યતાઓ ઊભી થઈ છે. એક તો એ જ પરંપરિત પરિણામ. દામણ ખેંચ્યા જ કરો ને ડોલ ભરાય જ નહિ! ડોલ કાણી હોય તો આ જ થાય, પણ આ ડોલ શબ્દની છે. કવિની છે. તે દામણ ખેંચે ને પાણી છલકાય નહિ એ તો બને જ કેમ? કવિએ પોતે કહ્યું છે, ‘ના. લઘરો, સર્જક ચેતનાને ત્યજીને જતો નથી. એ ‘મીથ’ બનીને સર્જકને એની નાગચૂડમાં, હા, દાર્શનિક નાગચૂડમાં નષ્ટપ્રાય કરી નાખે તે પહેલાં સર્જકતા ડી-મીથિફિકેશનની પ્રતિકાર-પ્રક્રિયામાં મુકાય છે.’

કાણી ડોલમાં પાણી ખેંચવાનો હરખ ન હોય, પણ આ કાણી ડોલ શબ્દની છે. એટલે કવિ લઘરાને હરખાતો બતાવે છે, ‘હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે’

હરખાવાનું કારણ પછી મળે છે,

‘આ આવી છલકાતી લઈને ભરચક પાણી પાણી રે!’

કાણી ડોલ ભરાઈને આવે છે. તે છલોછલ નથી, ‘ભરચક’ છે. પાણી ઓછું નથી, તો વધારેય નથી. વધારાનું તો નથી જ! બલકે ગળાઈ, ચળાઈને, માપનું જ આવ્યું છે. ખપનું જ આવ્યું છે. કવિનો શબ્દ વધારાનો તો ન જ હોય ને! ડોલ કાણી ચાલશે, શબ્દ કાણોકોચરો નહિ ચાલે.

આ કાવ્ય ઉપરાંત પણ લા૰ઠા૰ની કવિતામાં શબ્દ પ્રવાહી થઈને વહે છે. સર્જક ચેતનાનો પણ જાણે એ જ પ્રવાહ છે. એમ વહેતાં વહેતાં જ જે બદલાવ આવે છે તેને સાંપ્રત સમયની અભિજ્ઞા સાથે જ જુદા જુદા, પણ, એકબીજામાં લય પ્રવાહ સાથે જ, ભળી, વહી જવા દે છે. શબ્દ દ્વારા જ મૌનને પ્રગટાવવાની આ રમત છે.

એક પ્રકારનો નકાર એમાંથી જન્મે છે. આય નથી ગમતું ને તેય નથી ગમતું. પણ શોધ કશાક હકારની છે.

‘હું ઈશ્વરને ભજી પણ શકતો નથી તજી પણ શકતો નથી.’ બિલકુલ એમ જ જેમ, ‘હિટલરને હું ધિક્કારી શકતો નથી અને ગાંધીને હું ચાહી શકતો નથી,’

લા૰ઠા૰ શબ્દસાધક નથી, શોધક છે. એક નરવા શબ્દની શોધ એમની છેવટ સુધી રહી. આ શબ્દ વડે જ એમણે અવાજને ખોદવા કર્યો છે ને મૌનને ઊંચકવા ધાર્યું છે. લા૰ઠા૰એ ઠાલાપણું પ્રમાણ્યું હતું, તેની આ આટલી — ‘પ્રસ્તાવના!’ (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)