અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/અને હિટલરને મેં જન્મતાં જોયો છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અને હિટલરને મેં જન્મતાં જોયો છે

લાભશંકર ઠાકર

અને હિટલરને મેં જન્મતાં જોયો છે.
એક મનુષ્ય સ્ત્રીના પેટેથી
મેં એને અવતરતાં જોયો
ત્યારે હું
શિરીષના સુકોમલ ફૂલની મત્ત ગંધથી
બેભાન બનીને
આંખ વગરની ઇયળની ઊંઘમાં ડૂબતો જતો હતો.
હું ઝબકીને જાગી ગયો.
સ્વપ્નની વાતને સ્વપ્ન તરીકે
કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ!
અને હું ઊંઘમાં પણ ઊંઘી શકતો નથી.
હિટલરને હું ધિક્કારી શકતો નથી
અને ગાંધીને હું ચાહી શકતો નથી.
અને તેમ છતાં હું કેટલું બધું છું!
ભઠિયાર ગલીની ચાંપો ખાતાં ખાતાં
ભિખારીના છોકરાને
ગજવામાંથી પાંચિયું કાઢીને આપું છું.
બારા હાંડીના પાયાની ચીકાશ
માણસને બેસૂધ ન બનાવી શકે?
પ્રબોધ!
મદ્યનું સરોવર ન હોઈ શકે?
અથવા મારા માથામાં
પાણીમાંથી બરફ બનાવવાનું
કારખાનું ન બનાવી શકાય?
તને મને સતત ગાળો દઈને
શબ્દોના ચણતરથી ગૂંગળાવી દઈ શકો છો.
હિટલર બોબડો નહોતો
અને આપણે ભાષા-બાજ છીએ, પ્રબોધ.
તું તારા ન્હોરોને તીક્ષ્ણ કરી રહ્યો છે તે માટે અભિનંદન;
કેમ કે
મેં તો હિટલરને જન્મતાં જોયો છે.



આસ્વાદ: અને એબ્સર્ડ કવિતાને સાર્થક થવા ખપ લાગ્યો વ્યાજસ્તુતિ અલંકાર – નીરવ પટેલ

કવિતા મને ગમે છે, કારણ કે અંતતોગત્વા એ માનવકલ્યાણ અને માનવપ્રગતિની વાત કરતી હોય છે. હા, પાશ્ચાત્ય વિવેચકો જેને એસ્થેટિક પ્લેઝર કહે છે અને ભારતીય વિવેચકો જેને આધ્યાત્મિક આનંદ કે બ્રહ્માનંદ કે નિજાનંદ કહે છે તે સૌનો સમાવેશ પણ હું તો માનવ- કલ્યાણમાં જ કરી લઉં છું. એટલે જ જેણે મર્ડરની વ્યાખ્યામાં આવે તેવા ૧, ૨, ૩ નહિ, બલકે માસેકર–જીનોસાઇડની વ્યાખ્યામાં આવે તેવા ૬૦ લાખ યહૂદીઓ સમેત સામ્યવાદીઓ, યુદ્ધકેદીઓ, શારીરિક વિકલાંગો–મનોરોગીઓ, રોમા–જીપ્સીઓ, આદિવાસી મૂળ નિવાસીઓ વગેરે જેવા બીજા ૫૦ લાખ લોકોને મોતને ઘાટ ઉતાર્યા એવા માનવધિક્કારની પરાકાષ્ઠાનો પર્યાય બની ગયેલા હિટલર વિશેની આ કવિતા વાંચવા માટે માનવપ્રેમી એવો હું ખાસ આકર્ષાયો છું.

માનવજાતને સાવધાન કરતા હોય તેમ કવિએ જાણે શરૂઆત જ ભારોભાર ભયસૂચક લાલબત્તી જેવું શીર્ષક બાંધીને કરી છે : ‘અને હિટલરને મેં જન્મતાં જોયો છે.’

વ્યાકરણ થકી આપણે સૌ જાણીએ છીએ કે ‘અને’ તો એક ઉભયાન્વયી અવ્યય છે જે બે શબ્દો અથવા બે વાક્યોને જોડે છે. હવે આ કવિતાની ઉઘાડપંક્તિને જોઈએ : ‘અને હિટલરને મેં જન્મતાં જોયો છે.’ શું કવિને વ્યાકરણ નથી આવડતું કે એની કશી સરતચૂક થઈ છે કે એણે જાણીજોઈને કે ઇરાદાપૂર્વક અધ્યાહાર રાખી દીધું છે ‘અને’ સાથે અનિવાર્ય રીતે જોડવું જોઈતું આગળનું વાક્ય? કદાચ કવિનો આશય છે કે હર કોઈ પોતાની મેળે એ જાણવાનો પ્રયત્ન કરે, અને તો જ એની કવિતાનું કવિને અપેક્ષિત એવું પ્રત્યાયન થઈ શકશે ભાવકને.

તો ચાલો, પ્રયત્ન કરીએ. કદાચ આપણે જેટલા ગાંધીના નામથી પરિચિત છીએ એટલા જ હિટલરના નામથી. ૧૮૮૯માં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ‘હિટલર’ પાડવામાં આવ્યું હતું. તો પછી સવાલ એ થાય છે કે ૧૯૩૫માં, એટલે કે ખાસ્સાં ૪૫ વર્ષ બાદ જન્મેલ આપણા આ કવિએ કેવી રીતે ‘હિટલરને જન્મતાં જોયો’ હોય? એના વિશે સાંભળ્યું કે વાંચ્યું તો એના સમકાલીન ના હોય તેવા આપણે સૌ હોઈ શકીએ? અલબત્ત, એક શક્યતા બચે છે જેને કવિએ પોતે જ આ પંક્તિઓમાં ઇંગિત કરી છે :

‘હું ઝબકીને જાગી ગયો. સ્વપ્નની વાતને સ્વપ્ન તરીકે કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ!’

ઠીક, કવિએ હિટલરને જન્મતાં જોયો છે પણ સપનામાં.

ભલે એનું નામ હિટલર પડ્યું હોય, પણ એ જન્મ્યો ત્યારે તો ‘હિટલર’ હતો જ નહિ, બલકે એ પણ હર કોઈ નવજાત બાળકના જેવો ‘પ્રભુનો પયગંબર’ જ હતો! આપણે જે ‘હિટલર’ને ઓળખીએ છીએ એનો જન્મ તો કદાચ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન (૧૯૩૯-૧૯૪૫) થયો. એટલે કે હિટલરનો જન્મ કોઈ જનેતા સ્ત્રીની કૂખે નહિ, બલકે એન્ટી-હ્યુમન વિચારધારાની કૂખે થતો હોય છે. આ ઉઘાડપંક્તિનો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ કદાચ આ રીતે બંધ બેસે.

ચાલો, આગળ વધીએ. કવિએ એને ‘એક મનુષ્ય સ્ત્રીના પેટેથી’ અવતરતો જોયો છે. આપણે પણ જાણીએ છીએ કે હિટલર કોઈ ઘાતકી પ્રાણીની કૂખેથી નહિ, કોઈ લેડી ડ્રેકુલાની કૂખેથી નહિ, બલકે એક જેન્ટલ લેડી અને મમતાળુ માતા એવી ‘મનુષ્ય સ્ત્રીના પેટેથી’ અવતર્યો હતો. માણસ ‘જન્મતો’ હોય છે, ને ભગવાન ‘અવતાર’ લેતા હોય છે. કવિએ કશી સભાનતાથી આવાં બે ક્રિયાપદો અહીં વાપર્યાં હશે? આ કવિતામાં જેમનો ઉલ્લેખ થયો છે તે કવિમિત્ર પ્રબોધ પરીખે ‘રે મઠ’ના વિશેષાંકમાં જે ઢંઢેરો લખ્યો હતો એનું શીર્ષક હતું : ‘હિટલર, ધ ઓન્લી ગોડ’! હિટલર ‘અવતરતો’ હતો ત્યારે કવિ શું કરતા હતા? તેઓ તો ‘શિરીષનાં સુકોમળ ફૂલની મત્ત ગંધથી બેભાન બનીને આંખ વગરની ઇયળની જેમ’ ઊંઘમાં ડૂબતા જતા હતા!

આ જાણીને હવે તો કવિની જેમ આપણે ભાવકો પણ અપરાધબોધ અનુભવીને કહી શકીએ કે ‘મનુષ્ય સ્ત્રીના પેટેથી’ જ જન્મ પામતા આપણા સાંપ્રત સમયના હિટલરોને આપણે જોયા છે અને ત્યારે કવિની જેમ આપણે પણ માનવી મટી જઈને નરી ‘ઇયળ’ની જેમ કશીક ‘ગંધ’ માણવામાં મસ્ત, બલકે ‘બેભાન’ બની રહીને આપણા સમયના હિટલરોને જન્મતા જોઈ રહીએ છીએ!

‘અને’ આગળ જે અધ્યાહર હતું તે જાણે હવે પ્રગટ થાય છે : માનવીમાંથી પતિત થઈ ઇયળ જેવા જંતુમાં પરિવતિર્ત થતા, નાનામોટા અનેક હિટલરોના જન્મસમયના મૂક સાક્ષી બની રહેતા આપણ સૌ ભાવકોને આવો અપરાધબોધ કરાવવાનો જ કવિનો આશય હતો કદાચ.

કવિને હજી આગળ કહેવું છે : એ આ દુ:સ્વપ્નમાંથી જાણે ઝબકીને જાગી ગયો છે. એ મિત્ર આગળ પોતાની કરુણ લાચારી લઈને આવે છે : સ્વપ્નની વાતને હકીકત તરીકે કોઈ ન સ્વીકારે એ તો સમજ્યા, પણ ‘સ્વપ્નની વાતને સ્વપ્ન તરીકે કોઈ સ્વીકારતું નથી, પ્રબોધ.’ સ્વપ્ન ક્યારેક વાસ્તવિકતાઓને અવળસવળ પણ કરી કાઢે છે, એક અગોચારના પ્રદેશમાં, એક સર્રિયાલિઝમના પ્રદેશમાં પણ લઈ જાય છે. અને ગુજરાતી કવિતામાં કોઈએ હિંમત નહિ કરી હોય તેવી બોલ્ડ પંક્તિઓ અચાનક જ ગુજરાતી ભાવકને વીંધી નાખે છે : ‘હિટલરને હું ધિક્કારી શકતો નથી અને ગાંધીને હું ચાહી શકતો નથી.’ ગાંધીની હત્યા કરી શકાતી હોય કે ગોડસેનું મંદિર બનાવી શકાતું હોય, એ દેશમાં એબ્સર્ડ કવિતાના કવિને આવું કહેવાનો પણ અધિકાર હોય! બને કે એબ્સર્ડ કવિતાને સાર્થક થવા ખપમાં આવ્યો હોય આ વ્યાજસ્તુતિ અલંકાર!

કોઈને થાય કે ‘કવિ’ શબ્દને એક વિશિષ્ટ આભા પ્રાપ્ત થઈ છે, એટલે વિવેચકો પણ ક્યારેક મેજર પોએટની શેહમાં આવી જઈને લાચાર ન્યાયાધીશની જેમ બેનિફિટ ઓફ ડાઉટ આપીને એને બાઇજ્જત બરી કરતા હોય છે.

કોઈને એવુંય લાગે કે કવિતામાંથી, સવિશેષ એબ્સર્ડ કવિતામાંથી કશું પણ નિષ્પન્ન થાય છે કે કેમ એ શોધી કાઢવાની સઘળી જવાબદારી વાચકને શિરે મૂકીને કવિ તો માત્ર કાવ્યપાઠ આપીને અલોપ થઈ જાય છે. અને પાઠમાં શું હોય છે? શબ્દો. અટૂલા કે એકબીજા સાથે વ્યાકરણીય અંતર રાખીને ગોઠવાયેલા. અર્થ સમેતના સૌંદર્યથી આભૂષિત. હા, કવિતાને થોડી વધારે સજ્જતાની અપેક્ષા હોય છે એના વાચક કે શ્રોતા પાસેથી. ભાષાનો વારસો તો બેઉનો એકસરખો પણ હોઈ શકે, પણ કવિ પોતાની આગવી રીતે કામ લેતો હોય છે એ સહિયારી ભાષા પાસેથી અને ત્યારે એ પોતાના હમજુબાન ભાવકનેય અચંબિત કરી મૂકતો હોય છે.

ગઝલ કે ગીતની અડધીપડધી પંક્તિ સાંભળી નથી કે વાહવાહી કરવા ટેવાયેલા ગુજરાતી ભાવકને તો તમ્મર આવી જાય એવી આ કંડિકાને સમજવા સવિશેષ આયાસ કરવો પડે તેમ છે : ‘I do not see why man should not be as cruel as nature.’માં માનતા અને હેવાનિયતભરી હિંસાનું બીજું નામ બની ગયેલા ‘હિટલર’ માટે અપરાધબોધ કરાવ્યા પછી આવી પંક્તિઓ? માની લઈએ કે કદાચ કવિને ગાંધીવિચાર અને ગાંધીઆચારમાં કશી ત્રુટિઓ જણાઈ હોય. પણ તેમ છતાં ઓવરઓલ પ્રદાનને લઈ કવિ આનાથી ઊલટી અભિવ્યક્તિ આપી શક્યા હોત તો ભદ્ર ગુજરાતી વાચકને માટે એ કદાચ સહ્ય બની રહેત : ‘ગાંધીને હું ધિક્કારી શકતો નથી અને હિટલરને હું ચાહી શકતો નથી’? ગાંધીભક્ત ગુજરાતી ભાવકને આવો ક્રૂર આંચકો આપવાની શી જરૂર પડી કવિને?

કદાચ, એ સમજવા માટે આ કાવ્યપાઠમાંથી બહાર નીકળી આપણે કવિસમયમાં જવું પડશે. કારણ કે કવિ પણ એના સમયનું ફરજંદ હોય છે.

આપણે સૌ જાણીએ છીએ કે લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી, ચિનુ મોદી, મનહર મોદી, સુભાષ શાહ, રાજેન્દ્ર શુક્લ, મુકુન્દ પરીખ, અબ્દુલ કરીમ શેખ, પ્રબોધ પરીખ અને રાવજી પટેલ જેવા મિત્રો પ્રસ્થાપિત કાવ્યપરંપરાની, એની પ્રચલિત વિભાવનાની સામે ઉગ્ર ચળવળ ચલાવતા હતા. વિષય અને અભિવ્યક્તિ એમ બેઉ બાબતે કંઈક નવું થવું જોઈએ એનો એ સંઘર્ષ હતો. અછાંદસ, ગીત અને ગઝલ જેવાં કાવ્યસ્વરૂપો નવાં કલેવર ધારણ કરી રહ્યાં હતાં. લાભશંકર પરંપરાના ઈશ્વરમાં માનતા નહોતા, અને કહેતા કે ‘મારા માટે ગુડનેસ ઇસ ગોડ… ધિક્કાર એ પણ હિંસા છે, મનુષ્યને ધિક્કારવો એ મારો ધર્મ નથી. મનુષ્ય માટે મારી પાસે એક જ ભાષા છે તે પ્રેમની ભાષા છે.’

કાવ્યપાઠ બહારની, આ માહિતી સાથે રાખીને આપણે પુન: પાઠમાં પ્રવેશીએ :

શું હિટલર ‘મનુષ્ય’ હતો? શું એ હિંસ્ર પ્રાણીઓથીય વધારે હિંસક ‘જાનવર’ નહોતો?

કે આગળ કહ્યું તેમ હિટલર પણ જન્મ્યો ત્યારે તો એક માનવબાળ જ હતો, એને ‘હિટલર’ એટલે કે જાનવર તો બનાવ્યો સમાજે જ, એ સમાજે જેણે એક માનવસમૂહને બીજા માનવસમૂહથી નીચો-હલકો-પશુતુલ્ય ગણ્યો? એ સમજે કે જેણે એક માનવસમૂહને સુપર હ્યુમન ગણ્યો ને બીજાને લેસર હ્યુમન? કે જેણે એકને બ્લૂ બ્લડનો ને બીજાને બ્લૅક બ્લડનો માન્યો? કે જેણે એકને વર્ણશ્રેષ્ઠ માન્યો ને બીજાને વર્ણસંકર?

અપાર માનવપ્રેમ, અપ્રતિમ સહિષ્ણુતા, નિસ્સીમ કરુણા અને પારાવાર પ્રબુદ્ધતાને લઈ જન્મેલી ઉદારતાને કારણે માનવીના દુરીતનેય ધિક્કારી ન શકતો અને શ્રેયસ-પ્રેયસનેય પૂર્ણપણે ચાહી ન શકવાની દ્વિધામાં અટવાતો આ એબ્સર્ડનો કવિ ‘અને તેમ છતાં હું કેટલું બધું છું’ પંક્તિ સાથે જાણે લઘરાની લવરી પર ચઢી ગયો હોય તેમ લાગે. કે આ પણ ભદ્ર-શિષ્ટ કવિતામાં માનતા અહિંસામાં માનતા શિષ્ટ-ભદ્ર ગુજ્જુ વાચકને આંચકો આપવા માટે જ? એ ભઠીયાર ગલીની મટનચાંપો ખાતાં ખાતાં ભિખારીના છોકરાને પાંચિયું આપે છે. પોતાના મિત્રને પૂછે છે કે બારા હાંડીના પાયાની ચીકાશ માણસને બેસૂધ ન બનાવી શકે? અને મદ્યનું સરોવર ન હોઈ શકે? મારા માથામાં બરફ બનાવવાનું કારખાનું ન બનાવી શકાય? શું આ ભાષા, આ વિચાર, આ કલ્પન, આ અભિવ્યક્તિ કવિસમયની ભદ્રવર્ગીય શિષ્ટ કવિતા સામેના પ્રયોગલક્ષી બળવા રૂપે તો નથી આવી?

હા, કવિને અમર્યાદ પોએટિક લાયસન્સ જરૂર હોય છે, પણ એક કેવિયટ સાથે. એ કોઈ પણ ભૌગોલિક કે ઐતિહાસિક કે વૈજ્ઞાનિક સત્ય અને તથ્યથી વિરુદ્ધ જરૂર જઈ શકે છે, પણ એણે એમ કરવા પાછળનું પોએટિક જસ્ટિફિકેશન તો પૂરું પાડવું જ પડે. પૂર્વમાં ઊગતા સૂર્યને ભલે પશ્ચિમમાં ઉગાડે કવિ, કે સદાય પ્રકાશમાન સૂરજને કાળો સૂરજ ભલે કહે કવિ, પણ એ દેખીતી વિસંગતતાઓને એણે પોતાની કવિતા થકી જ વાજબી તો ઠેરવવાં જ રહ્યાં. કવિતા પણ એક પ્રમેયની જેમ જ ‘ઇતિ સિદ્ધમ’ થવી જોઈએ. મને આશ્ચર્ય થાય છે કે નવલકથા, ટૂંકી વાર્તા, નાટક વગેરેના વિવેચન ટાણે ઇરરેશનલ કે અનરીઝનેબલને વખોડતો ગુજરાતી વિવેચક કવિતાના વિવેચન ટાણે લય-પ્રાસ-છંદ-ગેયતા-પદલાલિત્ય વગેરેની કેવી મોહિનીમાં સરી પડે છે કે એને ઇંગિત પણ નથી કરી શકતો!

સાહિત્યકારોને સલાહ આપતાં સાર્ત્રએ પણ કહ્યું જ છે કે અન્યાયો-દુરીતો પ્રત્યે આપણા આ કવિની આંખ વગરની ‘ઇયળ’ની જેમ ઊંઘણશી ના બની રહો, તમારા શબ્દોના પાવક અગ્નિથી, તમારા અંતરાત્માના પુણ્યપ્રકોપથી એમને સળગાવી દો, નેસ્તનાબૂદ કરો, માનવજાતને શોષણ-દમન-અત્યાચારથી મુક્ત કરો.

અંતિમ પંક્તિમાં કવિનાયક આપણા ‘ભાષા-બાજ’ સાથી કવિઓને યાદ કરી, જાણે અનિષ્ટો સામેના કવિધર્મની યાદ અપાવતો હોય તેમ કહે છે : ‘તું તારા ન્હોરોને તીક્ષ્ણ કરી રહ્યો છે તે માટે અભિનંદન, કેમ કે મેં તો હિટલરને જન્મતાં પણ જોયો છે અને અવતરતાં પણ જોયો છે.’ હિટલર પણ બોબડો નહોતો, પોતાના ખેપાની એજન્ડાને કાર્યાન્વિત કરવા માટે એણે તો આખું પ્રોપેગેન્ડા ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું ભાષા થકી જ. એટલે કવિએ પ્રયોજેલા ભાષા-બાજ શબ્દ સાથે ભાષણબાજ-ચાલબાજ-દગાબાજ-શકરાબાજ-રંડીબાજ-ચૂલબાજ જેવા નેગેટિવ અર્થછાયાવાળા શબ્દો પણ વાચકને સહજ યાદ આવે, ને તે પણ ભાષાનો બેજવાબદાર ઉપયોગ કરતાં આ કવિ સમેત સૌ કવિઓ માટે આ ક્રુદ્ધ કવિનું ભાષાકરતબ લાગે.

એબ્સર્ડ હોય કે સર્રિયલ, લઘરા કવિની લવારીનેય વાચકે કદી નિરર્થક નહીં માનવી જોઈએ. કપરા વાસ્તવે એની સંવેદના અને વિચારોને એવાં તો છિન્નભિન્ન કરી કાઢ્યા હોય છે કે એની અભિવ્યક્તિ ટાણે બીટવીન ધ લાઇન્સ વાંચવાથી જ ‘કવિતા’ જેવું કશુંક મળે છે વાચકને. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)