અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ઘડું છું મને પણ હજી ઘડાયો નથી
લાભશંકર ઠાકર
ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.
મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે.
ક્યાં?
જીવનસરિતામાં.
શા માટે?
તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.
વ્હાય?
ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.
કોણ?
મારેય તે જાણવું છે કે
સામા કાંઠે કોણ અને શા માટેકોઈ
મારી પ્રતીક્ષા કરે છે.
પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ?
ઘડતાં ઘડતાં
હું
મને એ જ પૂછું છું:
રે હું ક્યારે ઘડાઈ રહીશ?
સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન આદિ આ જગતને, માણસને, જાતને ઓળખવાના, સમજવાના પ્રયત્નો કરે છે પણ એક સીમાથી આગળ એ જોઈ શકતો નથી. પરિણામે ભંગુરતાનો અનુભવ થાય છે. લાભશંકર ઠાકરની કાવ્યસૃષ્ટિમાં ભંગુરતાનો અનુભવ જાતઉપાલંભ, વેદના, વ્યથા, વિરતિ, વિડંબના, વિફળતા જેવાં અનેક રૂપોમાં પ્રબળ આવિષ્કાર પામે છે.
ઉત્તર લાભશંકર પાસેથી કશુંક નવું કરવાના અભિનિવેશ કરતાં વધુ તો સાદગીપૂર્ણ ભાષામાં અર્થસમૃદ્ધ રચનાઓ મળે છે. તેમના પ્રત્યેક કાવ્યમાં નિજી મથામણનો આલેખ મળે છે. શબ્દ અને સંવેદનને નવેસરથી સાથે મૂકીને જોવાનો તેઓ પ્રયત્ન કરે છે. છેલ્લે સુધી લખતા રહેલા આ કવિનો દરેક કાવ્યસંગ્રહ કવિનો આગવો અવાજ લઈને આવે છે.
૨૦૦૯માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘કૅમેરા ઓન છે’માં એક પણ કાવ્યને શીર્ષક નથી. કૅમેરા ઓન કરીને કવિએ જે ઝીલ્યું છે એ માત્ર બાહ્ય જગત જ નથી, જે દેખાય છે એ જ નથી પરંતુ અસ્તિત્વપરક ઊંડી સંવેદનાથી રસાયેલું ચંતિન પણ છે જે વિવિધ કલ્પનોમાં અને પ્રતીકાત્મક સંદર્ભોમાં પ્રગટ થયું છે.
આ સંગ્રહનું અહીં પસંદ કરેલ ૯૩ નંબરનું આ કાવ્ય અસ્તિત્વના એક મૂળભૂત પ્રશ્નને સ્પર્શે છે. જન્મથી મૃત્યુ સુધી મનુષ્ય સતત પોતાને ઘડવાનો પ્રયત્ન કરતો રહે છે, એટલું જ નહીં, ક્યારેક તો એવું માનવા પ્રેરાય છે કે પોતે હવે ઘડાઈ ચૂક્યો છે, પૂર્ણ છે. પણ અહીંયાં તો કવિ પહેલી પંક્તિમાં જ પોતાની નિષ્ફળતાનો એકરાર કરે છે. કાવ્યની પહેલી પંક્તિ છે :
‘ઘડું છું મને પણ હજી ઘડાયો નથી.’
ઘડાવાની પ્રક્રિયા છે અહીંયાં અને હજી એ પૂરી નથી થઈ. ચાલુ જ છે. આમેય કશોક ઘાટ ઘડવા માટે જ તેઓ ભાષા સાથે ને જાત સાથે જીવનભર તોડફોડ કરતા રહ્યા છે. શા માટે ઘડાવું છે અથવા તો ઘડાઈને શું કરવું છે એવો પ્રશ્ન આપણને સહજ થાય. બીજી પંક્તિમાં કવિ એનો ઉત્તર આમ આપે છે :
‘મારે મને ઘડીને ઘટ રૂપે તરવું છે. ક્યાં? જીવનસરિતામાં.’
‘ઘટરૂપે તરવું’ — માટીમાંથી ઘડો બનવાની આ પ્રક્રિયા દેખાય છે એટલી સીદીસાધી નથી. પહેલાં તો ચાકડે ચડવું પડે, પછી નિંભાડામાં શેકાવું પડે અને ટકોરાબંધ પાકા થવું પડે. અહીંયાં તો જાતઘડામણની વાત છે. કંઈ-કેટલાય નિંભાડામાંથી પસાર થવાનું છે. એટલું જ નહીં, તરવા માટે અંદરથી ખાલી પણ હોવું પડે. અને આ ખાલી થવાનું ક્યાં એટલું સહેલું છે. જીવનસરિતામાં ઘટ રૂપે તરવાની ઇચ્છા, આકાંક્ષા તો બધાંને હોય છે. કોઈને ડૂબવું હોતું નથી પણ એ માટે વેઠવાની તૈયારી કેટલાની હોય છે? કવિ પ્રશ્નો પૂછતા જાય છે અને ઉત્તરો પણ આપતા જાય છે :
‘શા માટે? તરતાં તરતાં મારે સામા કાંઠે જવું છે.’
ડૂબવું નથી આ નાયકને, તરવું છે. સામે કાંઠે પહોંચવું છે. સામે કાંઠે પહોંચવાની ઉત્કંઠા છે, આતુરતા છે કારણ કે એ જાણે છે કે સામે કાંઠે કોઈ પ્રતીક્ષા કરે છે.
‘વ્હાય? ત્યાં કોઈ મારી પ્રતીક્ષા કરે છે.’
અહીંયાં સુધી તો બરાબર છે. પરંપરાગત માન્યતા તો એવી છે કે સામે કાંઠે જે રાહ જુએ છે તે ઈશ્વર છે, પરમતત્ત્વ છે ત્યાં સુધી પહોંચવાનું છે અથવા તો મૃત્યુ છે, જીવનનો અંત છે. પણ આ કવિ એવા કોઈ ભ્રમમાં નથી. સામે કાંઠે કોણ પ્રતીક્ષા કરે છે? પ્રશ્નોત્તરની સીધી સાદી પ્રક્રિયા અહીં નથી એ ‘આ કોણ?’ ના ઉત્તરમાં સમજાય છે. આ ‘કોણ?’નો ઉત્તર અપેક્ષિત નથી. કવિને તો મૂંઝવણ છે, દ્વિધા છે, પ્રશ્ન છે તે આ પંક્તિઓમાં વ્યક્ત થાય છે.
‘મારેય તે જાણવું છે કે સામા કાંઠે કોણ અને શા માટે કોઈ મારી પ્રતીક્ષા કરે છે.’
અહીં ઉડ્ડયન છે વિચારનું, ચંતિનનું, અસ્તિત્વપરક સમસ્યાનું. ઘડાઈને, ઘટ રૂપે જીવનસરિતામાં તરતાં તરતાં સામે કાંઠે જવું છે કારણ કે ત્યાં કોઈ રાહ જુએ છે. પણ કોણ રાહ જુએ છે, શા માટે રાહ જુએ છે, કોને મળવાનું છે એ કવિને ખબર નથી. પ્રતીક્ષાનો ભાવ લાભશંકર ઠાકરનાં કાવ્યોમાં અનેક રૂપે અને અનેક રીતે ડોકાતો રહ્યો છે. આપણને ‘વેઇટિંગ ફોર ગોદો’નાં પાત્રો તરત યાદ આવી જાય. પણ એના કરતાં અહીં જુદી વાત છે. ત્યાં કોઈની રાહ જોવાય છે અને કોઈ આવતું નથી. અહીંયાં કોઈ રાહ જુએ છે પણ ત્યાં જવાતું નથી. વળી, એ સામે કાંઠે રહેલા શા માટે રાહ જુએ છે એની પણ કવિને ખબર નથી. એટલે જ ભંગુરતાનો અનુભવ અહીં પ્રશ્ન રૂપે આવે છે. કાવ્યના અંતમાં પ્રશ્ન પુનરાવતિર્ત થઈને ભાવકચેતનાને સંક્ષુબ્ધ કરી દે છે.
‘પણ રે તું ક્યારે ઘડાઈ રહીશ? ઘડતાં ઘડતાં હું મને એ જ પૂછું છું રે હું ક્યારે ઘડાઈ રહીશ?’
ક્યાં? શા માટે? કોણ? જેવા પ્રશ્નો દ્વારા કવિ આ કાવ્યમાં મનુષ્યની મથામણ અને એની નિયતિને તાકે છે. ‘ઘડું છું મને’થી આરંભાયેલું આ કાવ્ય ‘ક્યારે ઘડાઈ રહીશ?’ સુધી પહોંચે છે અને દર્શાવે છે કે ઘડાવાની પ્રક્રિયા અવિરત ચાલતા રહેવાની છે. જે કોઈ રાહ જુએ છે તેના સુધી પહોંચવાનું નથી કારણ કે સામે કાંઠે જે પ્રતીક્ષા કરે છે તે તો પૂરેપૂરા ઘડાયેલાની પ્રતીક્ષા કરે છે. પ્રશ્નોત્તરમાં ચાલતા આ કાવ્યમાં છેલ્લે તો પ્રશ્ન જ રહે છે. જાતઘડામણની આ પ્રક્રિયા ક્યારે પૂરી થશે એ ખબર નથી. લક્ષ પ્રાપ્ત ન કરી શકવાની આ પીડા કવિ સાથે ભાવકની પણ બની જાય છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)