અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/તું મારો જનક, હું તારી જનેતા
લાભશંકર ઠાકર
‘આ પ્રભાત શિર અશ્વનું–
ને સૂર્ય તેની આંખ.
પવન શ્વાસ; અશ્વનું ઊઘડેલું મુખ તે અગ્નિ.
સંવત્સર તેનું શરીર અને આકાશ પીઠ.
આકાશથી પૃથ્વી વચ્ચેનું અંતરિક્ષ અશ્વનું ઉદર’
‘અૅન્ડ વૉટ આર ધિઝ સિઝન્સ?’
‘અશ્વનાં અંગો, મામ.
માસ-પક્ષો અંગોના સાંધા,
દિવસ-રાત અશ્વના પગ
તારકો અસ્થિ
મેઘો શરીરની માંસધાતુ
આ રેતી મામ, અર્ધું પચેલું અન્ન
‘અને રેતીમાં આમ રેખાઓ દોરતી આંગળીઓ?’
‘મારી–’
‘અને તું?’
‘આઈ ડોન્ટ નો મામ. આઈ ડોન્ટ નો હૂ ઍમ આઈ?
મામ ટેલ મી : હુ ઍમ આઈ?’
‘માય સન, મારો બચુડો.’
‘અૅન્ડ હૂ આર યૂ?’
‘તને અવિરત ધવરાવતી ધાત્રી’
‘અૅન્ડ વ્હાય આર વી?’
તારું પ્રયોજન આમ ધાવવું. હું તારી ધાવ.
‘હું ધાવણો નથી.’
‘અરે મારા સાત ખોટના માણસ—
તું છે તો હું છું —
તું મારો જનક, હું તારી જનેતા.’
‘અને આ ગતિમાન અશ્વ, મા?
નદીઓ જેની શિરાઓ છે —
અને બગાસું વિદ્યુત.
આ — તેનું શરીર કંપતા—મેઘગર્જના થઈ!
અને અશ્વની મેહધારામાં વર્ષા.
મા, કહે કોણ છે આ અશ્વ?’
‘આપણું સંતાન’
‘મા, આ દિવસ ઊગ્યો જાણે —
અશ્વના મુખ પાસે મૂકેલું સુવર્ણપાત્ર’
‘અને રાત્રિ તે અશ્વના પાછલા પગને અથડાતું ચાંદીનું પાત્ર’
‘રાઇટ મામ, પણ મારે તને જોવી છે.’
‘રે કોઈ ક્ષણે હું તારાથી અલગ નથી, પિતા!’
‘પણ તું પ્રત્યક્ષ નથી થતી—’
‘તારા આશ્લેષમાં છું પુરુષ, ગાઢ આશ્લેષમાં.
તારી પ્રત્યક્ષતાના તંતુ તંતુમાં વીંટળાયેલી છું પુરુષ —’
‘મારું પૌરુષ ફગાવી દઉં તને જોવા —’
‘તો તું મારી મીરાં દાસી જનમ જનમ કી —’
‘અને તું?’
‘તારો ગિરિધર ગોપાલ’
‘ના, ના. હું નથી પુરુષ, નથી સ્ત્રી.’
‘તો હું તારી મા ભવાની —
તારા તાબોટાના તાલમાં—
અંતરિક્ષમાં લહેરાય મારી નવરંગ ચૂંદડી —
મૈં ચીજ બડી હૂં મસ્ત મસ્ત —’
‘ક્યાં?’
‘રે તારા મનમાં, તારી સંવિત્-ધારામાં.
ચઢ રે ચઢ—
પાવા તે ગઢનાં પગથિયાં ચઢ —’
‘તું ક્યાં મળીશ મને?’
‘તારી પ્રતીક્ષાના કૉરીડોરમાં—’
‘છલનામયી! તેં મને ઢાંકી દીધો છે. આઈ ઍમ રેસ્ટલેસ. મારે મને જોવો છે —’
‘આપણે અલગ નથી, પુત્ર.
એક જ છીએ. તું હાંફે છે તો —
પર્વતોના શિખર જેવાં મારાં પયોધરો, ઊંચાંનીચાં થાય છે.
તું છે તો હું છું.
હું છું તેથી તો તું તું છે.
તું મારો જનક. હું તારી જનેતા.’