અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે

લાભશંકર ઠાકર

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ
ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા?



આસ્વાદ: મૃત્યુના માર્દવનું ગાન – દર્શના ધોળકિયા

લાભશંકર ગયા. આ સમાચારે રહેલા સૌના જીવનનો એક અંશ જાણે ખૂંચવી લીધો. કેવા લાભશંકર ગયા? જેવા નકર તેવા. વર્ષો પહેલાં, સ્મૃતિદોષ ન થતો હોય તો ‘ફાર્બસ’માં ‘મરમી માનવગુરુ મીરાં’ વિશે મારો લેખ પ્રસિદ્ધ થયેલો. ને એ પછી પરિષદના અધિવેશનમાં અચાનક લાભશંકર મને પ્રત્યક્ષ થયા! બંને પહેલી જ વાર મળીએ. ને તેમના ચહેરા પર પ્રસન્નતા લીંપાઈ ગઈ. અમારા પરિચયનો તાર સાંધવામાં મીરાં ને મંજુબહેન ઝવેરી નિમિત્ત બન્યાં. ને એ ક્ષણથી માંડીને પૃથ્વીના જણ ન લાગે તેવા લાભશંકરે આ પૃથ્વી પરથી મુકામ ઉઠાવ્યો ત્યાં લગણ મારાં લગભગ દરેક લખાણ નિમિત્તે એમનો રણકદાર સાદ મારા ટેલિફોન પર રણકતો રહીને મને સાદ પાડતો રહ્યો, વિદ્યાતપ તપવા પ્રેરતો રહ્યો, નવું નવું વિચારવા પડકારતો રહ્યો ને સચવાતો રહ્યો મારા કર્ણપટલમાં કાયમને માટે. આ સાદનો નાશ થઈ ન શકે. હા, કહેવું હોય તો લાભશંકર ઠાકરને માટે કહી શકાય કે, એ ઠરી શકે. મૃત્યુએ લાભશંકરને ઠાર્યા છે. લાભશંકરનું ઠરવાનું ઠામ એટલે મૃત્યુ.

લાભશંકરનો ચહેરો જેમના સાથે મળતો આવે એવા કેટલાક જણે જીવતાંજીવત જ મૃત્યુનો પરિચય મેળવી લીધો છે. ‘મરતાં પહેલાં જા ને મરી’ કે ‘મૃત્યુ નામ પરપોટો મરે’ કહેતા અખાએ જીવતેજીવ મૃત્યુનું અતિક્રમણ કર્યું. અખાના ચાહક ને લાભશંકરના ગુરુ ઉમાશંકરે ધબકતા શ્વાસની વચાળે ‘મૃત્યુ સાથે હાથ મિલાવવા’ની ચેષ્ટા કરી છે. અખો અને ઉમાશંકરની લગોલગ લાભશંકરની શોધ પણ રહી છે ‘મૃત્યુ નામ પરપોટા’ની ચકાસણીની.

તા. ૬-૧-૨૦૧૬ની સવારે મૃત્યુમાં ઠરેલા લાભશંકરની ૧૯૮૪માં બરોબર બત્રીસ વર્ષ પહેલાંની ધખના છે અંદર ઊતરવાની. અર્થાત્ મરવાની. ‘(મરી જવાની મઝા’ શીર્ષક આમ જ આવ્યું હશે?) ‘સર્જકની આંતરકથા’માં પોતાની આ ધખના વ્યક્ત કરતા લાભશંકર ધખતાં ધખતાં નોંધે છે : ‘‘વળી એક નિર્મમ, બિનંગત, સાક્ષી જેવું, જલકમલવત્ પ્રાણી અનુભવાય છે અંદર, અનિદ્રિત, નિષ્પલક; તગતગતી આંખોવાળું, જેને આમ શબ્દમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયા છે? ધડ્ ધડ્ ધડ્ ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનનાં અને પ્રવેશતા જવાનું છે અંદર — નિસરણી મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૃપ સરકતાં, સાવધાન, નકશા વિના, છેક મૂળિયાં સુધી… કામે લાગી ગયા છીએ. કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ…’’ ‘(સર્જકની આંતરકથા’ આવૃત્તિ પ્રથમ, પૃ. ૭)

જીવનના પાંચમે દાયકે જે જણ મૂળિયાંની શોધ કરવા નિસરણી મૂકીને અંદરનું દ્વાર ખોલવા અવતરણ કરે એવી શોધ જીવતરનાં કેન્દ્રની જ હોય ને? એનું એક નામ જો જીવન હોય તો એની લગોલગ બીજું નામ મૃત્યુનું જ હોય ને? ને આ તો ભાઈ, લાભશંકરનું મૃત્યુ. એ બિહામણું તો ક્યાંથી જ હોય? એ તો છે મા જેવું મધુર, માર્દવયુક્ત, સ્મિતસભર, પ્રસન્ન, અલૌકિક.

લાભશંકરના બાલ્યકાળથી આ બે જણ એમની આંગળી પકડીને એમની સાથે ચાલતાં રહ્યાં છે. મા અને મૃત્યુ. ‘મ’ માનો ને ‘મ’ મૃત્યુનો. મૃત્યુમાં માતાને નિહાળતા લાભશંકર પોતાનાં મૂળિયાં ફંફોસતાં જોઈ શક્યા છે તેમ, ‘પોષાયો છું લયના અવિરત સિંચનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. વ્રત-પ્રસંગોનાં અઢળક ગીતો એને કંઠસ્થ. ક્યારેક પરોઢિયે ઘંટી દળતાં ગાય. મારું માથું નિરાંતે જોતી હોય, પાંથીએ પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાવું.’ (સર્જકની આંતરકથા, આવૃત્તિ પ્રથમ, પૃ. ૧)

માતા ને લય લાભશંકરનો રગેરગમાં લોહી બનીને વહેતાં રહ્યાં. મૃત્યુને બાથમાં સમાવવાની આગલી ક્ષણે મૃત્યુએ કવિને કંઠે લંબાવેલા હાથને અપલક નેત્રે તાકી રહેલા લાભશંકરની સ્વગતોક્તિ છે આ કાવ્ય :

‘મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે.’

માતા જો જીવનનો આરંભ તો મૃત્યુ જીવનનો અંતિમ વિરામ. આરંભે પણ પ્રસન્નતા ને અંતે પણ સ્મિતનો ઉજાસ. જન્મ આપનાર પણ મા ને જન્મ પૂરો કરનાર મૃત્યુનું રૂપ પણ મખમલી નજાકતથી સભર, સહાસ્ય, સુકોમળ, મસૃણ. માની જેમ દોડી આવેલું આ મૃત્યુ માત્ર સ્મિત કરીને જ અટક્યું નથી. કવિને ગોદમાં લઈને માની જેમ જ અમને થપથપાવીને એને પોતામાં ભેળવવા, એકાકાર કરવા એ પલાંઠી લગાવીને બેસી ગયું છે :

‘અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ’. વિલય થવાની ક્ષણનો આ લય છે. અથવા તો કહો કે વિલય થવાની અનુભૂતિ. કવિને માટે તો આ થનગનાટ એક આદિમ અનુભૂતિ છે. કંઈ આજકાલની નહીં; મા, રામનવમીને દિવસે ઊછળતું-ગાતું ખેડૂતવૃંદ, ગામનો ચીંથરેહાલ ગાંડો, ગામનો છોકરો દામલો આ બધાંને અનિમેષ આંખે એક-કાને જોઈ-સાંભળી રહેલા કવિ કહે છે તેમ : ‘એમના શબ્દલયોના તંતુએ તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે… આવું આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં બાના વહાલભર્યા મીઠા કંઠથી…’ (સર્જકની આંતરકથા, પૃ. ૨)

અંદર ઊતરીને ચેતનાના પ્રદેશને ફંફોસતા કવિ માટે માતા ને લય મૃત્યુ સાથે ક્રમશ: ભળતાં રહ્યાં, કવિને થપથપાવતાં રહ્યાં. જુઓ તો ખરા — કેવી રીતે? ‘અરવ મૃદુતાથી.’ બિલકુલ અવાજ કર્યા વિના, પુષ્પ-શી કોમળતાથી.

કવિને મૃદુતાથી થપથપાવવા પાછળનો મૃત્યુનો આશય શો છે? ‘મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવવાનો.’ મૃત્યુનું જાણે કવિને ચુંબકીય આકર્ષણ રહ્યું છે. કવિ જીવનની ધરી પર મૃત્યુની આસપાસ ફરતા રહ્યા છે. જીવતાં જીવતાં મૃત્યુને આરાધતા રહ્યા છે. કવિને મન મૃત્યુ જીવનનો અંત નથી. એ તો છે એક વર્તુળાકાર ભ્રમણ. મૃત્યુ એક ભૂમિકા પૂરી કરાવે છે ને તત્ક્ષણ આરંભાય છે બીજી ભૂમિકા. પુનર્જન્મ નહીં, પણ નવસર્જનની ભૂમિકા. જર્જરિતનું ખંડન ને નૂતનનાં મંડાણ. જીવનની નિત્યનૂતનતા અખંડ, અવિરત, અવિરામ ચાલતી રહે છે ને એની લગોલગ માતૃત્વની નિત્યતા સંકળાતી રહે છે.

સ્વાભાવિક રીતે જ અહીં પુનરપિ જનનં, પુનરપિ મરણંની વેદના નથી, જન્મોજન્મ અવતારની ધન્યતા છે, જેનાં મૂળમાં જીવનના અખંડત્વને પામવાની મથામણ ને પ્રસન્નતા બંને પડેલાં છે.

આવાં મેગ્નેટિક રોટેશન પૂર્વની આવશ્યક શરત છે ઊંડી, ગાઢ નિદ્રા. સ્વસ્થ જાગરણ માટેની આ પૂર્વશરત છે. સમય પાક્યે જ આ ગાઢ ઊંઘમાંથી બહાર અવાય. ત્યાં સુધી તો લાંબો વિરામ. એટલે જ મૃત્યુ વિશેના એક બીજા કાવ્યમાં કવિ કહે છે :

‘‘મૃત્યુ લપાઈને સૂતું છે ઘસઘસાટ ઊંઘતું મારી ઊંઘના પડખામાં. ના – નથી જાગવું એય ભલે ઊઘતું ઘસઘસાટ.’

(‘પરબ’, એપ્રિલ, ૨૦૧૩)

એ મૃત્યુ જ્યારે કવિના પડખામાંથી જાગ્યું ત્યારે એનું થયું માના પડખામાં રૂપાંતરણ. જાગીને એણે કવિને હાથમાં નહીં, ગોદમાં લીધા ને માતાની ગોદમાં તો શું હોય? નિર્ભયતાપૂર્ણ નિરાંત. જીવનભરના થાકથી હાશકારો. આ હાશકારો છુટકારાનો ન જ હોઈ શકે. જીવતરની વિભિન્ન ભૂમિકાઓ પસાર કર્યા પછીની પ્રસન્નતાનો. અથક ચાલ્યા પછી અટકવાનો. શ્વાસ છોડતી વેળાએ ખાલી થઈ જઈને નિરાંતનો શ્વાસ લેવાનો.

મૃત્યુએ મા બનીને કવિને આપી છે આવી નિરાંત. તેથી જ આ મૃત્યુ એ જીવનનો અંત નથી. અન્ય રમતોની જેમ આ પણ એક રમત છે. જેમ જાગવાની રમત તેમ સૂવાનીય રમત. સૂઈને જાગવાનું, જાગીને સૂવાનું. આ રમત રમતાં મૃત્યુ ને કવિ બંનેને પડી ગયેલી મજા અહીં લયનો હિલ્લોળ બનીને સહૃદયને ઝુલાવતી રહે છે.

એક સમયે લાભશંકરનાં માતાએ આ પુત્રને પારણામાં ઝુલાવતાં ગાયેલું :

‘હલુલુલુ હાલમાલ રે ભઈ પારણિયામાં પોઢ્યો, ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.’

પુત્રને વાત્સલ્યથી પોઢાડતી માતાની જગા જીવતરના વર્તુળાકારના કેન્દ્રબિંદુએ પહોંચતી વેળાએ મૃત્યુએ લીધી ને સૂતાં સૂતાં, લયને અવિરત ઝીલતા રહેલા કવિ જાગતા ગયા, જાગતા રહ્યા ને’ અગોચર આંતરિકમાં ઊતરવાની એમની ઉત્કંઠા પરિતૃપ્ત થઈને ઠરી મૃત્યુરૂપી જીવતરના અંકમાં. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)