અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/વર્ષો થયાં પડતી નથી દીવાલ
લાભશંકર ઠાકર
વર્ષો થયાં પડતી નથી દીવાલ
પણ
છત ખરે છે રોજ
એના છિદ્રમાંથી ગોળ ચાંદરડાં
ગ
રે
ની
ચે
અને એ હલબલ્યાં કરતાં બપોરે ઊંઘમાં
ને, ગાડી નદીના પુલને ઓળંગતી
છુક છુકા છુક જાય છે ચાલી.
હું ભીંતને ટેકે ઊભો રહું
ભીંત :
મારી વૃત્તિઓ
આ વૃક્ષ
પથ્થર
ટેકરી
પાણી
હવામાં ઊડતાં પંખી
ટગરનાં ફૂલ
બત્તી
કાચબાની પીઠ જેવી સાંજ
મારી ભીંત
મારી ભીંતને આંખો નથી
ને આંખમાં ઊભી રહી છે ભીંત
મારી ચામડી થીજી ગયેલી ભીંત છે.
જે મને દેખાય તે પણ ભીંત છે.
મારું નામ-ગામ — તમામ
મારું – તમારું – તેમનું જે કંઈ બધું તે ભીંત
આ બધાં તે ભીંતના દૃશ્યો
આ બધાં તે ભીંતનાં
ગુણો
કર્મો
સંખ્યા
વિશેષણ
નામ
અવ્યય
અ અને વ્યયને વિશે અવકાશ તે પણ ભીંત
ભીંતનું ચણતર ચણે તે હાથ મારા ભીંત.
તારતમ્યોનાં કબૂતર
ભીંત પર બેસી કરે છે પ્રેમ તે જોયા કરું છું.
ભીંતને પણ પાંખ, જે ફફડે કદાચિત્.
તારતમ્યોની વચ્ચે
ફફડતી પાંખની વચ્ચે
પ્રણયનું એક તે ઈંડું
હજુ સેવી શકાયું ના
અને આ વીંઝણી ભીંતો
સુપનામાં સ્તન્યપાન કરાવતી
કોને?
હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો
હજુ શોધી રહી કોને?
હરાયાં ઢોર જેવી દોડતી ભીંતો
હજુ અટકી નથી
અટક્યું નથી મારી નજરનું આ નદીપૂર
મારી નજરનું આંધળુંભીંત આ નદીપૂર
દોડતું અટક્યું નથી;
તો હવે
જે કંઈ નદીનું નામ
તે ચંચળ છતાં
અસ્થિર છતાં
દોડ્યે જતા ઊંડાણમાં તો
ઊંઘમાં પથ્થર સમું ઊભું રહ્યું છે.
ને ચરબીની ભીંતોમાં
ઝીણું ઝીણું સળગતી નજરોથી
હું તાક્યા કરું છું.
મારી ઝીણી આંખોના પહોળા પ્રકાશમાં
રઝળતા શબ્દોને
મારી ચરબીની ચીકાશમાં ભીંજવીને
પેટાવવાનું કામ મને કોણે સોંપ્યું છે?
ધૂળના ઢગલા મેં કર્યા હતા તે ભૂંસી નાખવા.
સવારે આંખ ઉઘાડી હતી તે રાત્રે મીંચી દેવા.
ઊંચાંનીચાં મકાનોની
વાંકીચૂંકી શેરીઓમાં
ગાયબકરીની સાથે અથડાતા
ને પછડાતા
એ પડછાયાને હું યાદ કરું છું
ઊઘડતી સવારોને હું સાદ કરું છું
પણ ચરબીની દીવાલોમાં
ઝીણું ઝીણું સળગતી
નજરોના પહોળા પ્રકાશમાં
બધું બેસૂધ અને બહેરું જણાય છે.
પવન તો વાય છે,
શબ્દોના પડછાયા પણ હલે છે
ઊંઘણશી દીવાલોનાં નસકોરાંનો અવાજ પણ
સંભળાય છે
પણ જાણે બધું
બેસૂધ અને બહેરું બહેરું લાગ્યા કરે છે.
હરણફાળે દોડતા પગોના પડછાયા
બોરડીમાં ભરાતા છતાં ચિરાયા નહોતા.
સાપની કાંચળીમાં સરકી શકેલો વિસ્મય
કમળની શય્યા પર આંખો બીડીને
એક પલક પણ
ઊંઘી શકશે હવે?
મારા પ્રકાશની દશે ધારાઓ
અવિરત કંપ્યા કરે છે.
અને કંપ્યા કરે છે મારાં ક્રિયાપદોનાં
પૂર્ણવિરામો.
વિરામ એ તો વિશ્વની પીઠ
અને વિશ્વાધારના અવિશ્વાસનું
અંધારું
મારી ચરબીને પોષ્યાં કરે છે.
હું ગતિશૂન્ય.
મતિશૂન્ય મહારથીઓની વજ્રમુઠ્ઠીઓ
મારી રાત્રિઓને હચમચાવે છે.
તમરાંઓ! તમારું પાંડિત્ય મારી ગોખણપટ્ટીનાં
ખંડેરોમાં
ચામાચીડિયાં બની અથડાય છે;
પછડાય છે.