અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/બાળકોના વૉર્ડમાં એક માતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બાળકોના વૉર્ડમાં એક માતા

વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.

કૂણા શ્વાસોચ્છ્‌વાસ સાંભળતા
વિહ્‌વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.

(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)