અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ફાંસ જરા શી વાગી ગઈ (અંદર અંદર)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફાંસ જરા શી વાગી ગઈ (અંદર અંદર)

વિનોદ જોશી

ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
ખટકે છે કંઈ અંદર અંદર,
પરબારું લે, હડી કાઢતું હાંફી જઈને
અટકે છે કંઈ અંદર અંદર.

મોરપિચ્છને બોલ, હતું ક્યાં ભાન કે રાધા
સાન કરી છેતરશે એને
ભરચોમાસે હવે રઝળતા ટહુકા જેવું
ભટકે છે કંઈ અંદર અંદર.

ધૂળમાં ચકલી ન્હાય ને એને થાય કે આલ્લે...
દરિયાદરિયા ઊમટ્યા છે કંઈ,
પછી હવાથી ડિલ લૂછીને છટકે એવું
છટકે છે કંઈ અંદર અંદર.

રાજકુંવરી હિંડોળામાં ઝૂલે રે... કાંઈ
તૂટે ઘરનો મોભ સામટો,
કહું છું મારા સમ, જરા શી ઠેસ વાગતાં
બટકે છે કંઈ અંદર અંદર.

બારસાખમાં આસોપાલવ ‘કોક’ બનીને મ્હોરે,
શ્રીફળ પછી વધેરો,
લખી ‘લાભ’ ને ‘શુભ’ ઉઘાડી સાંકળ થઈને
લટકે છે કંઈ અંદર અંદર.