અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સરૂપ ધ્રુવ/ઇચ્છાકુંવરીનું વિસર્જન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇચ્છાકુંવરીનું વિસર્જન

સરૂપ ધ્રુવ

રસ્તા પર છુટ્ટી જો મૂકી દોં જાતને તો ખોટ ના રહે કશી વાતની,
મોટર નૈં, સ્કૂટર નૈં, બે પગની જાતરા; ને મનની સવારી ઘોડા સાતની!

મૂડ ને મિજાજ નથી મળતાં બજારે
એ તો કૂવાહવાડાની વાયકા,
શબ્દો થૈ અવતરતી લાગણીના સંમ
અમે લોહીભીના જીવ્યા કૈં દાયકા;

ઘટના, દુર્ઘટના ને હોનારત, આયખું કે આલબેલ આગામી ઘાતની!

આજુબાજુમાં રોજ રજવાડી તાયફા
ને અલગારી ભેખ અમે લીધો,
પગલે પગલે પછી તો પારખાં છે પંડનાં;
કે અક્ષરનો મારગ નહીં સીધો!

ઝબ્બક અણસાર કાંઈ પામ્યા પછીથી અમે પડતી મેલી છ્ વાત જાતની!

અરગટ પરગટ નવા અરથોની આશકા
ને માટી ભરભર ભુક્કો ભાળું,
લગભગ કડડભુસ્સ હચમચ આ માંચડો,
ને મૂરતને તૂટતી નહિ ખાળું;

માનવ મહેરામણમાં મૂકી દઉં તરતી પછી જાય બોલો ઇચ્છા તે માતની!
(સળગતી હવાઓ, ૧૯૯૫, પૃ. ૮૫)