અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/જલસ્ત્રોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જલસ્ત્રોત

સિતાંશુ યશશ્ચંદ્ર

૦.

હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના,
તરસ-નદીને તીરે, પાગલ, મરુભોમે મરણોત્સવ માંડ્યો
વારો, મરણ નિવારો, દેખા દો,એનેજલ-બોલ કહોના!
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના!

૧. કૃતક નીરનું કડવક

તમે નથી વહેતાં તે પટમાં કૃતક નીર બે કાંઠે વહે છે.
દારુણ શોષ પડ્યો છે કંઠે, એ લોચનને સપનાં દે છે.

તરસે પીડ્યા રણે ઘણા યે મારગ ગોત્યા હશે,
કૂવા વાવ તળાવ વીરડા કૈં ફંફોસ્યા હશે.

વંટોળે દાટો મેલીને ક્યાં ક્યાં દોડ્યું હશે,
ડમરીની ફૂદડિયે થાકી જ્યાં ત્યાં પોઢ્યું હશે.

જળ નહિ તો જળ જેવું કૈં, કૈં કૈં એ દીધું હશે,
‘હજી, હજી આપો, બાપા’ — કૈં એવું કીધું હશે.

દીન બનાવ્યું હશે પરાણે. હુલવી-હુલવી હણી
સરસ્વતી, આવો તો ઓવારે બેસી તમને એની વાતો કરવી છે ઘણી.

લૂલાં ભૂલાં અટૂલિયાં ને અપંગ અંધ બધિર
દીર્ઘ દુઃખથી સ્તબ્ધ બન્યાં જન વસતાં તારે તીર.

દિવસા’ખો હાકોટા કરતો સૂરજ-દારોગો ધુત્તો ઘોળાય,
રાત પડ્યે રણ માથે, ઊંચા આભને ભરતો ઝેર-ઝબકતો વીંછુડો તોળાય.

ભોંભાતરથી મરણાબ્ધિ ખારા પંજા લંબાવે છે,
લીલીકુંડર વાડીના સેંજળ કૂવા અંબાવે છે.

છેવટ હતાશ થૈ એણે તરસનું શરણું સાધ્યું છે,
જૂઠે જીવણ મત્ત બની એણે મરણને અભિવાંદ્યું છે.

આવો, એની બાંહ્ય ગ્રહો ના!
હવે, સરસ્વતી ગુપ્ત વહો ના.

૨. કામદ્રહનું કડવડ

તમે નેથી વહેતાં તે પટમાં ભૂરું ભમ્મર ખપુષ્પ ખીલ્યું,
મૂળ નહીં, થડ નહિ, નહિ શાખા, ખર્યું નહીં ને સહુએ ઝીલ્યું.

બધા બંધ ખોલી નાખ્યા, ઇચ્છાનું ઘોડાપૂર વહે છે,
વમળ નૃત્ય, ઘુઘવાટ ગીત, ફીણોટાને અહીં કાવ્ય કહે છે.

કંદુક, ગેડી, ગાય, ગોપિકા ગળી જતો, આ વગર-નાથિયો
ઇચ્છાનાગ ફૂંફવતો સહસ્ર ફેણ ચડાવી, જેમ હાથિયો.

સૂની કોઈ કરાડે ઊભી ડૂબેલાંની માતા રોતી,
ઘેરી મહુવર ક્યાંય ન વાગે, મેઘકાંતિ ક્યહીં જડે ન ગોતી.

ઉપરવાસ, બે યે તટ, મોટા લાખ-મ્હેલ લાલચ લસલસતા,
જલ-થલ-વત્ બહુ હેત ધરી ત્યાં કૌરવપાંડવ ભેળા વસતા.

કામદ્રહન કાળી સહુને માથે ધરાર છત્તર ધરતો,
અને ચાહ્ય ત્યાં લાંબી ડોકે મનભાવન કૈં ભોજન કરતો.

એની ફરતે ખેલકૂદ સંગીત નૃત્ય ચલચિત્ર બને છે.
કામોત્સવમાં યક્ષ-રક્ષ-નર-નાગ-સુરાસુર મિત્ર બને છે.

સુખાળવી ને ભુખાળવી ગોચર-વંટેલી સરિતા સરતી,
– મધમીઠા વખવ્હેણે સહસા કઈ ચીદ આ આવે તરતી?

આથમતા સૂરજના તેજે આંખ આંજતો કરંડિયો કોઈ
તરતો સરતો ફાળો ભરતો આરો આવેઃ લિયો લિયો કોઈ.

ઝટ આવો, છે શું ય, લહો ના!
—હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના!

૩. મૃત્યુદ્રહનું કડવક

કૈંક એવું છે એમાં કે આ ધાક ખાય છે કામ-દેશ પણ,
શિશુ છે કે શવ છે એમાં, એ કળી શકાતું નથી લેશ પણ.

આ તે કોનું તુખમ? તેજ કે અંધકાર ધગધગતો આ?
મેલી વિદ્યાને વહેણ કોનો કરંડિયો વધતો આ?

શવશિશુ ખિલખિલ હસે, અમે સહિયારા એના બાપ સહુએ,
સરે અપ્સરા જૂઠા જળની, ભીના આપોઆપ સહુએ.

અતિશ-કામણી, અતિશ-પ્રસૂતા, અતિશય રંગિત સ્વપ્નવતી આ,
જ્ઞાનક્રૂર, વિજ્ઞાપન-ઘેલી, સંમોહન-શિશુ-માત નદી આ.

વમળ હીંચોળ્યો, ધોધ હૂલવ્યો, ઘોડાપૂરે ચઢ્યો,
એકમેકને ગળી જતાં મત્સ્યોએ જેને ઘડ્યો.

એ, આ કામકરંડે ઝૂલે, સુખપીડાની નાખે રાડ,
આંખ નહીં, ના કાન, નાક નહિ, ઠેરઠેર એને મોંફાડ.

વહેતાં જલને, કૂર્મકમલને, કરંડને ય કરડતો,
બે ય પગે દશદશ અંગૂઠા, ચશચશ મુખમાં ધરતો.

તરુ તરુ એને કલ્પતરુ છે, ધેન ધેન એને કામધેન છે,
નરી કામના, નરી કલ્પના, તથ્ય-વછોયું નર્યું ઘેન છે.

કોઈ ન જાણે, એ ય ન જાણે, શુંનું શું આ કરશે.
કોઈ ન જાણે, એ ય ન જાણે, આમ કેટલું તરશે.

આ ખોલે મુખ મૃત્યુ-દ્રહોનાં,
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

4. વિદૂષકનું કડવક


તમે નથી વહેતાં તે પટમાં ક્રૂર વિદૂષક ડેરા ડાલે,
એને હુકમ સ્થપાય શાંતિ, એની સંજ્ઞાએ સૈન્યો ચાલે.

આ ન રંગલો, મરમ માત્રમાં સત્તામદને ટપારનારો,
આ તો છે ખધો ખેલાડી, રાજતંત્રને રમાડનારો.

આંખે ગીધ, ઝરખ પંજે, મનનો શિયાળ, લજ્જા મેલેલો,
કર તલ સોનું, લોચન લોઢું, ફુમતાળી ટોપી પહેરેલો.

રાજદંડને મરડી વકરાવીને એણે હાથ ધર્યો છે,
વામ કરે એને તોળી, તોડ્યો મયંક-મોદક મુખે ભર્યો છે.

કોટિ કોટિ જન-મન-ગગને અવ અંધકાર કેવો અફાટ છે,
વિષ-લીલો વૃશ્ચિક નભ, નીચે વિખવાદીનાં રાજપાટ છે.

ત્યાં એકેક કરી ભેળવતો તારકગણ, વૃશ્ચિક નિજ ડંખે,
ને નીચે આ રાજરંગલો નવી નવી રંગતને ઝંખે.

ખાદ્યાખાદ્ય ભેદ ભૂલેલો અકરાંતિયો ન અટકી શકતો,
સચોટ એવી ઝાપટ મારે એકે ભોગ ન છટકી શકતો.

સૂકા તારા પટમાં પતરાવળીઓની એ હાર માંડતો,
નાતીલાને જમાડતો; જો ટાંપે ભૂખ્યું લોક, ભાંડતો.

સ્વજન-વૃત્તિ-સૂના શાસક આ, સગપણના શા કરે ઝમેલા,
સમરાંગણસાથી ખરીદવા મેલા ધનના ખોલે થેલા.

પ્રજાસંઘને શાસિત સમુદાયોમાં પલટી નાખનાર, ઉપહાસ — અરે
અપહાસ-નરકના નરકાસુરને હવે સહો ના.

હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૫. સાર્થવાહનું કડવક


તમે નથી વહેતાં તે પટમાં સાર્થવાહ પોઠો લઈ આવે,
ચરુઓ મૂકે, ઢાંકણ ખોલે, માલ પાથરે, ધૂમ મચાવે.

શીંગા પોઠી સાંઢ બરાડે, હય-ગજને હાકલ-પડકારા,
સૈન્ય-શબ્દ લૈ, શબ્દ-સૈન્ય લૈ સાર્થવાહ આ કરે ધસારા.

ક્યાં ઘેરો, ઊંડો, જલભર રવ, સરસ્વતી, તારા વહેવાનો,
ક્યાં આ છલ-બલ કપટ-લપટ રવ સહુસહુનાં સત્યો કહેવાનો.

પુરા કહ્યું’તું ઇન્દ્રે, પણિઓ! શબ્દ તમારા સૈન્ય વગરના,
સાર્થવાહના શબ્દો સશસ્ત્ર, શાસક એ સહુ નગરનગરના.

પ્રથમ લોભમધુ લઈ અંગુલી પર હળવેક ચટાડે,
વશ ન થાઓ તો ડંખીલી મધમાખ શાં અસ્ત્ર ઉડાડે.

પણિ બાહુ તે લોભ, ઇન્દ્ર બાહુ ભય, ડાબા જમણી,
ધૃતરાષ્ટ્રે ધર્યું રાષ્ટ્ર, ચૂડ એની શી ઘાતક નમણી.

ક્રૂર વિદૂષક પણીન્દ્ર સત્તાસન આરૂઢ થયો છે,
ખડાં સૈન્ય સંયુક્ત સાબદાં, જનગણ મૂઢ થયો છે.

મૂર્તિને નહિ, પ્રજા દેહને મરણચૂડનાં લાડ,
હવે ફરક ના પડે, મારશે આ આલિંગન ગાઢ.

એક ફરક છે, એક માત્ર, છે એક માત્ર આશા એ,
જે તૈયાર મારવા, એ તૈયાર ન મરવા કાજે.

કુરબાનીનો મંત્ર કહો અવઢવને અવ અવકાશ રહો ના,
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૬. તીરખગોરનું કડવક

તમે નથી વહેતાં જ્યાં ત્યાં કોઈ અસલ તમારા જેવું વહે છે,
એના તીરથગોરો લગભગ તીર્થંકરની જેવું કહે છે.

કથા કરે છે. કાવ્ય રચે છે, આકર્ષક ઉપદેશો દે છે.
જાતે જીવવું ભૂલી ગયેલા લાખો લોકને શરણે લે છે.

નકલ-નદીને બે તટ શિબિરોમાં માણસ વહેંચાતું ચાલ્યુંઃ
આ ગમ ઘરડાં, ડાહ્યાં, બોખાં; ત્યાં બાળક, મુખ-અંગુલી-ઘાલ્યું.

લટુડાપટુડા ગદ્ગદ પંડ્યા, ચતુર વિનોદે બાળ હસાવે,
મીઠી પોચી શબદલાપસી બોખા લોકોને બહુ ભાવે.

લોકચિત્તના માળી જાણે, હાથે જળઝારા લઈ ફરતા,
જુઓ, તળે જઈ, તો બાગાયત તેજ તજારાની આ કરતા.

પોતાની પેદાશોથી લાખોને પાડે પાકી ટેવ,
નિજનિજ બજારના મોટા ખેલાડી, રુખ પકડે તતખેવ.

શરણભાવના વેચવાલ આ ચરણભાવ લેવાલ
અંતરધનના રમે હવાલા, હમેશ માલામાલ.

કૃતક નદીને કાઢ, સત્યવતી, બે કાંઠે છલકા ભરપૂર,
પ્રજાસંઘ તુજ થાય એકઠોઃ પગભર, પુખ્ત, પ્રયત્ની, શૂર.

તારાં પય, મા, પીએ જે, તેનાં અસ્થિ ય ગજવેલ બને છે.
જાતે જીવવું હક્ક બને છે. સ્વેચ્છા મરવું સ્હેલ બને છે.

થાનક તારાં હોય જાગતાં, સંતાનો તુજ સુપ્ત રહો ના;
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૭. બે કાંઠાનું કડવક

તમે નથી વહેતાં તે પટમાં એક મરેલી નદી જડે છે.
જમણે તટ સોનાનું રણ છે, ને ડાબે તટ રાખ ઊડે છે.

સોનાના રણમાં સુવર્ણ મૃગપતિનું રાજ ટકોરાબંધ,
લલનાઓનાં સ્તનનિતંબભર નાચે નિર્મુખ રમ્ય કબંધ.

પોતાનાં મુખ તો સહુ સહુએ સોંપી દીધ દશાનનને,
જઘન-જઠર-ભર લોક હર્ષથી ભરતું અશોક કાનનને.

તિમિર-મખમલી અશોકવનમાં એક રૌપ્યપટ સહુનો સાથી,
જોવા જેવું હોય તે દેખાડાય રમ્ય ઉપકરણોમાંથી.

કરણોની સહુ કડાકૂટમાંથી ઉપકરણો મુક્તિ અપાવે,
અંતઃકરણ ન હોય એટલે રણરમતોની ગમ્મત આવે.

રોનકદાર આ ભક્ષ્યલોકમાં બહુ આનંદપ્રમોદ થાય છે,
સીતા જેવી કૈં સામગ્રી સાથે કાંઠેથી લવાય છે.

સામે કાંઠે, ભસ્મલોકમાં, કંઈનું કંઈ છો થયા કરે, ભૈ,
વાંકદેખલા હોય વિભીષણ, તેઓ જે-તે કહ્યા કરે, ભૈ.

હશે, જવા દો, એ બધાંયનું ધ્યાન રાખનારું છે એક જણ,
સુવર્ણરણનો શિલ્પી, રાષ્ટ્રવિધાયક, મહાન નેતા રાવણ.

‘દોના તટ પર, શુદ્ધ પેય જલ, ઘરઘર હમ પહોંચાયેંગે!
સરિતા-હત્યા-ઉચ્ચ-જાંચ-આયોગ ભી શીઘ્ર બિઠાયેંગે!!

કોઈ આદમી તૃષિત રહો ના!!!’
— હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૮. સૂના ઓવારાનું કડવક

સૂના, સુકા ઓવારે બેઠેલો કૈંક વિચારું છું,
ત્રિપથા જેમ તમે સ્વર્ગેથી નહિ આવો, એમ ધારું છું.

એક-પંથ સંચરે સરસ્વતી, અનેક ઘરની સોંસરવાં,
અભિહિત અન્વય પામે, અન્વિતનાં અભિધાનો ઉચ્ચરવાં.

તમે આવશો આ જ ભોંયના જળરાશિ કોઈ પુરાણમાંથી,
તમે આવશો આ જમીનના ખડકોના કોઈ દબાણમાંથી.

ક્યાં છે? ક્યાં છે? અબીહાલ ઊઘડેલ આજના પરોઢ જેવું નવું નવાણ?
છે તે આ છે — નગે કોરડા, ભર્યા ઓરડા જલનાં; અમને હજી અજાણ.

પુરાણ પાણી, નવાણ નવલાં, ને કોરધાકોડ પહાડ,
નિર્જળતાનો મેઘ ગરજતો, કોરી રણકેસરિયા ત્રાડ.

સંધાં જલ કઈ પ્રજાપ્હાડની ગુપ્ત ગુહામાં ગયાં હશે?
કયો દીર્ઘ અપરાધ અમારો, આવાં ઓઝલ થયાં હશે?

બને? — બને કે સન્મુખ તું સાક્ષાત્ ખડી છો, અને
લોચન જેવું કશુંક અમે બીડી રાખ્યું છે, — બને?

પછી, નેત્રથી કોઈક નાની નસમાં પરોઢ ફાટે,
રતાશ પડતું તેજ થાય, તમને જોવાને માટે.

હું તૂટું જે, તે તરાડમાંથી તું પ્રગટી શકે,
હવે જાણ્યુંઃ હું અંડ-કોચલું, તું મુજ શાવક, હંકે!
વિગત-અનાગત-એકાકારી, સકલ શક્યતાભરી નજરથી.

માતા! શિશુ થઈ આમ લહો ના!
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૯. જલાગ્નિ કડવક

છેવટ અસિ લે હાથ યુધિષ્ઠિર, દુર્નિવાર એમ આવો,
અશ્વત્થામા ગજ થઈ હર્ષિત કહીશું ‘સ્વગત’, આવો.

ખરબચડે કસવટ્ટ અમારું પરખો કૌવત, આવો
ધારદાર છીપર છોલ્યાં યે કહીશું ‘સ્વાગત’, આવો.

અગ્નિધવલ જલજ્વાલાઓની છોળ ઉછાળત આવો,
અમે ડૂબતાં બળતાં મરતાં કહીશું ‘સ્વાગત’ આવો.

જલાગ્નિ સભર સરસ્વતી! છોળે છોળે ભડકા થાય,
મીંઢા ખડકો મારગ રૂંધે, તું કેવી તણખાય!

ટીપાં છે કે તણખા છે કે ગગન-વિખેર્યા તારા,
શતનેત્રે, દશમુખે વૃશ્ચિકો જોતા રહે બિચારા.

અસ્મિ-અસ્મિ કરતા પરવારો, વંશો, વળી કબીલા,
જાતજલે ડૂબ્યાંને અગ્નિજલે ડુબાડો, વહેલા.

પ્રજાપ્રાણનાં પાતાળોનાં ગહ્વરમાંથી આવો,
કાલિય દમતી, લીલા રમતી, મહુવરને પણ લાવો.

પછી ક્યાંક નારા-તટ, ખારા પવનને એકલડો, કાલિન્દી-ત્રાણ,
મત્ત સ્વકુળને સ્વયં વિખેરી શો સ્વીકારે જીવનચરણે મરણ-વંદના-બાણ.

ઇચ્છામૃત્યુ વિનાનું ક્યાં છે કાલજથી કોઈ જીવન?
અગન-અગન જે નથી બન્યું એ કયું પાણી છે પાવન?

પ્રજાદેહ બલ મત્ત બનો ના, પ્રજાપ્રાણબલ સુપ્ત રહો ના,
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.

૧૦. નિત્યનૂતન રાસનું કડવક

અમે ના પહોળા ઘાટ, ધમકતાં તીર્થ, ન શિલ્પિત તટ, સરિતા!
અછિદ્ર, ઊંડો, એકમાર્ગ, ઘન, અમે તમારો પટ, સરિતા!

તમને ધારણ કરી, તમારા વહેણે થઈએ અમે અદૃશ્ય,
અમે-ધર્યો, તમ-ઘડ્યો હર કંકર શિલ્પિત શંકર બને અવશ્ય.

મુક્ત આગમન રૂપે આવો, વિશદ દૃષ્ટિ રૂપે દેખાવ,
કુતૂહલી ગોચરતાના તારે તટ બહુ ગોચર પથરાવ.

સકલ ઇંદ્રિયો શ્વેત, શ્યામ, રાતુંચટાક ગોધણ થઈ ફરે,
પાંગરતા પરમાત્મા ભેળી પાંગરતી હરિયાળી ચરે.

લીલો ચારો, શ્વેત દુગ્ધ, રાતાં કપોલ, રૂપેરી રાખ,
કાળી માટી, લીલો ચારોઃ રાસ રમે તું, હું દઉ સાખ.

પ્રજ્ઞા સુસ્થિર, કુતૂહલી મન, શ્રમઘડાયેલાં અંગેઅંગ
બે યે કાંઠે વસો એક સ્વાયત્ત પ્રજાનો ઉદ્યત સંઘ.

સાહસનાં પથ પાય સરસ્વતી, પરાક્રમે તનનાં-મનનાં,
હૃદય-બુદ્ધિ કાર્યો કરતાં રહે સીમાંકન-ઉલ્લંઘનનાં.

ઋતશાપિત પૂર્વજ કૈં ભસ્મિત સ્થગિત — વહો અવ તવ સંગતમાં,
ત્રિપથા-ટાળ્યા કૈંક ભગીરથ-લોક ભળો નભલા ભારતમાં.

મહાપુરાતન, સદા સનાતન, અવલનવલ ને કાલજયી,
સમયસોબતી લોકસંસ્કૃતિ ઇચ્છામરણે અમૃતમયી.

સદા અમારી સંગ રહોના!
હવે, સરસ્વતી, ગુપ્ત વહો ના.
(૧૯૯૬)