અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/ભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાષા

સિતાંશુ યશશ્ચંદ્ર

મને તો ગમી ગઈ છે આપડી ગુજરાતી ભાષા.

સુખદુઃખીની વાતો કરતા હોઈએ, સ્કૂલોમાં
એડ્‌મિસનનો સવાલ, મંગલ મહૂડીથી ગોધરે જતી
એશટીના ટેમ, વિટામિન અને પ્રજીવકો, આપણા
જીબૉણાણંદો દાશની બૉનૉલૉતાર કાબ્યેર સૌંદર્ય,
મંત્રીશ્રી અને અરજી, કાળુભાની ગગીએ મૉળાકાત કર્યાં
એની વાત્યૂં, ને આઈ લવ યુ સુરેખા સાચે જ — સુધી
અને એં હજી તો અપરંપાર સુરાવટમાં એનું સંગીત
સાંભળ્યું છે મેં.

એક વાર, પૂર્વાલાપ લઈને બેઠેલો, કાન્ત પ્રિય કવિ.
થયું કે આખી બપોર આજે તો વાંચ્યા કરીશું
ખંડકાવ્યો, કવ્વાલીઓ, અંજનીગીતો, લિરિકો, વૉટ નૉટ?
આકાશે એની એ તારા વાંચ્યું ને પછી, જોજો હોં,
કવિવર કાન્તનીયે ફિલમ કેવી ઉતારે છે આપડી
તોફાની ગુજરાતી ભાષા, તે. ભગવાનની
અસીમ કૃપાથી ગદ્ગદ થઈને કવિશ્રી એમનો આભાર માનવા
ચાહતા હતા; પણ બોલી ઊઠ્યા ઇન્સ્ટેડ કે —
આપે મને ન્હવરાવ્યો, ઓ તાતજી! આપે મને ન્હવરાવ્યો.
પૂરું,
પૂર્વાલાપનું આપડું વાચન પૂરું.
ને અંદરથી દૂંટી પાસેથી ઊભરાયા કરે હાસ્યના પરપોટા
રહી રહીને.
મને તો ગમી ગઈ છે આ આપડી ભાષા,
જે એના વહાલમાં વહાલા દીકરાનીયે મશ્કરી કરી લે.
તે કોણ હશે એનું સહુથી વહાલું સંતાન?
— કોઈ મૂંગી છોકરી, સોળેકની?
એની સહેજ પાસે બેસીને એના વાળ પંપાળતી હશે,
કોઈક એકાન્ત સાંજે, મૂંગી મૂંગી જ, આ ગુજરાતી ભાષા.
એનું વાત્સલ્ય જોઈતું હોય તો મૂંગા બનજો.
કઈ રીતે જન્મી હશે એ પોતે?

વાયસુ ઉડ્ડાવન્તિયએ પિઉ દિઠ્ઠઉ સહસત્તિ…
— પણ પછી
ભલ્લા હુઆ જ મારિઆ બહિણિ મહારા કન્તુ
— જન્મી જ નબાપી?

પણ આ તો અનાદિ.
ઉલ્લાસ અને વિષાદ,
આ વાતો સુખની ને દુઃખની અનાદિ.
અનાદિ એ પણ — ગુજરાતી ભાષા. ભાષા માત્ર.

એક અખંડ વહેણ, અમરતનું
મંદાકિની કહો, કહો ગંગા, હૂગલીયે કહો.
ચિત્ત ચમક્યું તો કહો દરિયો.

અનંત પણ એ — ગુજરાતી ભાષા. માત્ર ભાષા.

અનાદિ, અખંડ, અનંત સુખદુઃખની વાત,
સાંજુકના ઓટલે બેસી એકમેકને કરીએ આપણે; કે રેસ્ટોરાંમાં.
ભાષા — કહે જેટલું તેટલું ગોપવે.
છૂપવે છૂપવે ને ક્યાંક સૂચવી દે એક અણસારે…

માડીની આંખ્યોના અણસારે, બાપની બોલાશે…
બોલછા જ તો છે ભાષા.
એકમેક શબ્દોચ્ચાર સાથે આખેઆખો માણસ.
‘ગર્ભમાં રહેલા બાળકની આંખો માતાના ચહેરામાં ચમકે’
એમ તમે ડોકાતી જોઈ છે આખી એ હયાતી કોઈની
અડધાએક શબ્દોચ્ચારમાં એના?

અઘરી છે પળ એ ઉચ્ચાર સાંભળવાની પણ.
— ગજું જોઈએ, જોઈએ માણસાઈ જીવનભરની.

ભાષા માણસની માણસાઈ છે.
પશુઓ બોલી નથી શકતાં, માણસ જ સાર્થ શબ્દ ઉચ્ચારી શકે છે,
એમ ભાષાશાસ્ત્રી કહે, એની આ વાત નથી.
ભાષા બોલવી એમાં માણસાઈ હશે,
માણસાઈ છે બોલેલું સાંભળવામાં,
— ને ન બોલેલું પણ,
કેટકેટલું રહી ગયું છે બોલ્યા વિનાનું તારી ભીતર,
મારા ભાઈ, મારી બહેન,
તે જાણું છું.
તારા વતી બોલવાનો ઇજારો ધરાવનાર ‘કવિઓ’ તે જુદા.
ચુપચાપ સાંભળું છું હું તો તારા ન બોલાયેલા બોલ.
મને આદર છે તારા મૂંગાપણા માટે,
ને સ્નેહ તારી માણસાઈ માટે.
સાચો માણસ
કૂતરાં ગાય બિલાડાં ઘોડા ને ઝાડપાનની માફક
ભાષા સાંભળી શકતું પ્રાણી છે.
ને મૂંગું રહી શકતું.
કઈ રીતે ઊછરી હશે આ ગુજરાતી ભાષા?

કેદખાનામાં ગઈ હશે નરસિંહની આંગળી પકડીને એ.
એ કોટડીના અંધારમાં ઘૂંટાયો હશે એનો ક.
ને પછી, બીજે દિવસે,
ભગવાનના કંઠમાંથી માણસના ગળામાં એણે સ્થળાંતર કર્યું હશે.
સોનાના હારનું સ્વરૂપ લીધું એણે,
ગળાની બહારના ભાગ માટે,
એ તો મિથ.
— વાત બની હતી ભીતર.
પછી
હફતે
હફતે
હાર ફરી બુતની ગરદન પર પહોંચી ગયો.
ઝીણી આંખે જોઉં છું.
સરવે કાને સાંભળું છું.
પણ માણસનો કંઠ ખાલી છે, માણસનો અવાજ ચૂપ છે.

અરે કોણ બોલે છે આ ગુજરાતી ભાષા?
પ્રિન્ટિંગ મશીનો? યાંત્રિકપણે ધ્રૂજતા રેડિયોના વાલ્વ?
ટેલિવિઝનનાં ટપકાંથી બનેલા ચહેરા — જે મારી સાવ સામે છે
ને ખુલ્લી આંખે સહેજ પણ દેખતા નથી મને?
એમની નજર સામે મારું હાર્ટફેલ થાય
તોયે ‘અરે’ એટલુંયે નહીં બોલે એ, બોલ્યે જશે
કશીક કવિતા કે વાર્તાલાપ કે નાટક.

અરે કોણ બોલે છે આજે આ ગુજરાતી ભાષા?

હૃદય બંધ પડી ગયું છે.
મશીન ચાલુ થઈ ગયું છે.
હાર પહોંચી ગયો છે પાછો બુતની ગરદન પર
ને વળી નવા આવેલા સુરતાણની ડરામણી ને મેલી નજર પણ
પડી છે એના પર.

હેમાળા પટેલની દીકરી!
મારી બેન, મારી મા! ભાષા ગુજરાતી!
તીર વાગે ને જ્યમ ગાય હીંસે, એમ
હીંસે છે તું,
ઘા બહુ દુખે છે તારા?
ઊંડું પેસી ગયું છે એ ઝેરી તીર?
ખમ. ધીરી બાપો ધીરી. આ આવ્યો,
આ આવ્યો તરગાળો, કવિ,
માણસ.
પ્રિન્ટિંગ મશીનો માણસને નાત બહાર મૂકશે,
તો છો મૂકે : બોલ,

માણસ! માણસ! બોલ,
ફરીને ગુજરાતી ભાષા બોલ,
ફરી ફરીને ગુજરાતી ભાષા બોલ,
બોલ માણસ, માણસની ભાષા બોલ.
(જટાયુ, પૃ. ૬૯-૭૩)