અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/વખાર : ૬. એક સજેસન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વખાર : ૬. એક સજેસન

સિતાંશુ યશશ્ચંદ્ર

ના સાહેબસ્રી, કોઈ નવી લપ લઈને નથી આયા, નાંમદાર; એ જ રજૂઆત છે, જૂની,
વખારવારી.

આપ તૈણ માસ પેલાં જ્યોં પધારેલા એ જ મ્હોલ્લાની.
હા એ જ વખાર, મોટાસા’બ,
ચાપડાવારી.

એનું, નાંમદારસ્રી, એટલું જ છેકે એ હજુ ત્યોંની ત્યોં જછે, ને,
નામદારસ્રી, ત્રાસ બહુ વધી જ્યો છે ને વેઠાતો નથી તેમોં આયા છીએ.
અમોને આ પોંચને અંદર આવ્વા દીધા છે, મોટા સા’બ, આપની રૂબરૂ;
ને બીજા બધાય આપને અરજીએ આયા છે, બાર ઓસરીમાં સોન્તીથી ઊભા છે, ચુપચાપ.

ટૂંકમાં જ નાંમદાર, ટૂંકમાં જ. ટૂંકમાં એ કે
રે’ણાક જગો છે, મંદવાડ ફેલાય છે, ચાર મૈણાં આ છેલ્લા એક
માસમાં થઈ જ્યાં, મે’રબાન. કંઈક મે’રબાની કરો; દૈ જાણે સુંનું સું ભરે છે વખારમાં?

ઘૈડા નો’તા, નાંમદાર, એકે મૈયતઘેડી નો’તી;
જુવાનજોધ ફાટી પડ્યા બૈ, ને બે તો બચ્ચાં હતાં; આ ડોહાનો તો
એકનો એક પાછો થયો, વી-એકવીનો, કોને કૈયે?
છાપાવારાને?

આપ નાંમદારને ધમકી આપનારા અમે કોણ, સાયેબ?
પણ છાપાવારા પાછર પડે છે,
તોપણ અમો તો મોં ખોલતા નથી, નાંમદારસ્રી.
આ એક આપની આગર બોલવાનું ઠેકાણું રાખ્યું છે
તે રવા દેજો, માઈબાપ.
તે, સાયેબ, આ વખારમાંથી થોડીક ચીજો ડિછપોજ ના કરી દેવાય?

બીયેસેફમાં હોંભળેલો સાયેબ, ડિછપોજ ને ડિછપોજલ.
બોડર પારથી દોંણચોરીમાં જે આવેને પકડાય તેની બાબત.

ના-ના, મોટા સા’બ, વખારમાં ક્યોં બોડર પારની વાત આયી?
મારો એ મતલબ નો’તો. ઓમોં તો બધુ અઈંનું જ લાગે છે.

પણ, સરકાર, ગૂણોની ગૂણો આજ કેટલાય ટેમથી ત્યોંની ત્યોં જ છે,

ને નરી ગંધાય છે, નાંમદાર; જીવાત-જીવાત થઈ ગઈ છે, માઈબાપ, ને
નેકરી નેકરીને ઘરાંમાં ભરાય છે અમારાં ને ચટકે છે ને ચોમડીમાં
પેહી જાય છે, નાંમદાર.

વખાર આખીમાં સું સું છે એ અમોને બાર રયે કેમનું કળાય, સાયેબ?
અમારાં તો છૈયાં ને ભાંડુ આમ ટપોટપ મરી જ્યાં એટલી જ અમારી જાણ.

હવે, માઈબાપ, વેઠાતું નથી.
સડ્યું સાચવેને જીવતું મારે, એવી તે કેવી વખાર
આ આપની, નાંમદાર?