અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેન ઠાકર `મેહુલ' /આંગણું, પરસાળ ને
Jump to navigation
Jump to search
આંગણું, પરસાળ ને
સુરેન ઠાકર `મેહુલ'
આંગણું, પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં!
ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.
એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જોકે મૂળ તો ઈશ્વર હતાં.
ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં!
એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
એ પછીથી મોરનાં પીંછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં
(ગીતિકા, સંપા. સુરેશ દલાલ, પૃ. ૨૦૨)