અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/તો જાણું!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તો જાણું!

સુરેશ દલાલ

મારી ગાગર ઉતારો તો જાણું
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!
હું તો ઘરે ઘરે જઈને વખાણું
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

આખો દી વાંસળીને હાથમાં રમાડો ક્‌હાન!
         એમાં શા હોય ઝાઝા વેતા?
કાંટાળી કેડી પર ગાગર લઈને અમે
         આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી
         ને છાંય મહીં ખાઈ લેવો પોરો.
ચપટીમાં આવું તો કામ કરી નાખે
         અહીં નાનકડો ગોકુળનો છોરો.
ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું,
         કે રાજ, તમે ઊંચક્યો’તો પ્હાડને!

(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૪)