અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/ગઝલ
સૈફ પાલનપુરી
નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે?
ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુઃખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક,
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે?
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે!
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?
જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?
લાગે છે કે સર્જક પોતે પણ કંઈ શોધી રહ્યો છે દુનિયામાં,
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે?
છે હોઠ ઉપર એક સ્મિત સતત, ને આંખ હસે છે સૈફ સદા,
દિલને તો ઘણાં દુઃખ કહેવાં છે, પણ દિલનું નિવેદન કોણ કરે?
સૈફ પાલનપુરી • નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન... • સ્વરનિયોજન: શ્યામલ સૌમિલ • સ્વર: શ્યામલ સૌમિલ
રવીન્દ્રનાથ ટાગોરે એક ગીતમાં કહ્યું છે : પ્રથમ ઘરના દીપ બુઝાવો, પછી જ ગગનના દીપ દેખાશે. સૈફ પાલનપુરી ટાગોરને જાણે જવાબ આપે છે :
નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે? ઘર-દીપ બુઝાવી નાખીને, નભ-દીપને રોશન કોણ કરે?
તુકારામને તેડવા સ્વર્ગનું વિમાન આવ્યું ત્યારે તેમનાં પત્નીએ નનૈયો ભણ્યો હતો, ‘હું નહીં આવું. થોડા જ દિવસોમાં ભેંસ વિયાવાની છે.’ ‘કોણ કરે’ માંનો નફિકરાઈનો રણકાર સાંભળ્યો? તારું સ્વર્ગ રાખ તારી પાસે! સ્વર્ગ હશે કે કેમ પણ આ ધરતી તો હાજરાહજૂર છે.
‘જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુઃખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક’ દુઃખ સ્વીકારવું એક વાત છે, તેનું અનુમોદન કરવું બીજી વાત છે અને તેનું સુંદર અનુમોદન કરવું ત્રીજી વાત છે. ‘અનુમોદન’ શબ્દના મૂળમાં છે ‘મુદ્’ જેનો અર્થ થાય ‘હરખાવું’. કવિ વિપદાને વધાવે છે, અને પીડાને પોંખે છે. પોતાની વાતને ‘જ્યાં જ્યાં’ અને ‘ત્યાં ત્યાં’થી બેવડાવીને દૃઢાવે છે. આડકતરી રીતે કબૂલે છે કે કિસ્મતમાં દુઃખ જ દુઃખ છે.
‘વીખરેલ લટોને ગાલો પર રહેવા દે પવન, તું રહેવા દે!’ વેરવિખેર કેશ ઊડ્યા… આ ઊડ્યા… ગુલાબી તે મોસમ કે ગાલ? ઘટા તે ગગનની કે કેશની? સૈફ ગઝલ ‘લખતા’ નથી, પણ ‘સંભળાવે’ છે.
‘આ વિરહની રાતે હસનારા તારાઓ…’ કોઈ લવરમૂછિયાએ શાહબુદ્દીન રાઠોડને ફરિયાદ કરી, ‘પ્રેમિકા મને છોડી ગઈ તોયે સિતારા કેમ ખરતા નથી? ઉલ્કા કેમ પડતી નથી? સાગર કેમ સુકાતો નથી? ધરતીકંપ કેમ થતો નથી?’ શાહબુદ્દીને કહ્યું, ‘એનાં કારણો ભૌગોલિક હોય. તમારી પ્રેમિકા જવાથી સિતારા ન ખરે.’ તારાઓ તો હસવાના. જોકે જુદાઈ કાયમની નથી. સવાર થતામાં તો મેળાપ થવાનો.
‘જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ’. — ગ્રીક રાજા ઈડિપસ પાછલી વયે ખૂબ દુઃખી થયા હતા. ‘રાજા ઈડિપસ’ નાટકમાં સોફોક્લિસે લખ્યું, Call no man happy, till he is dead. જીવન તો અધૂરું પુસ્તક છે, એનો અંત કરુણ હોઈ શકે.
સૈફ ગુજરાતી ગઝલો ઉર્દૂ લિપિમાં લખતા, અનેે છતાં ‘અનુમોદન, વિસર્જન, વિવેચન, નિવેદન’, જેવા સંસ્કૃતગંધી કાફિયા પ્રયોજીને તેમણે આ ગઝલનું ભાષાગૌરવ વધાર્યું છે.
સૈફનું ખરું નામ હતું સૈફુદ્દીન ખારાવાલા. સૈફ એટલે તલવાર. તમે જ નક્કી કરો — આ ગઝલ તલવારથી લખાઈ છે કે મોરપિચ્છથી?
(‘હસ્તધૂનન’)