અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૉલિડ મહેતા/એક ક્ષણમાં…

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક ક્ષણમાં…

સૉલિડ મહેતા

સમય છળશે એક ક્ષણમાં…
અભાવોનું વાતાવરણ મળશે એક ક્ષણમાં…

મને ઘેરી ઊભી સકલ જગની કૈંક ભ્રમણા,
અને રાત્રે જોઉં પ્રણયરસનાં બે'ક સમણાં.
સવારે ઊગી સૂર્ય પણ ઢળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…

ઉદાસી વચ્ચે કેવળ ભય અને ક્ષોભ અથવા
વહેતા શ્વાસોમાં છળ-કપટ કે મોહ અથવા
કદી પંખી જેવું મન પલળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…

વિચારોમાં ડૂબે અવિરતપણે ઓટ-ભરતી,
નિહાળું બારીમાં કુસુમવત્ આકાશ-ધરતી.
અહીંથી સૌ પાછાં સ્વજન વળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…
(અંતરિયાળ, ૧૯૮૨, પૃ. ૧૭)