અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/આજની રાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આજની રાત

હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક
                                    એ સામો આવે,

વૃક્ષોને કહો કે એનાં પર્ણોમાં એ કોઈ અજબની રાગિણી વગાડે,
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય —
આજની રાત હું ઉદાસ છું
         અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.

બ્રહ્માંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
         મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં નેપુર સાંભળવાં છે;
મધદરિયે મોજાંને પહેરાવેલાં વલય મારે ઉતારી લેવાં છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
         બે હાથ લંબાવી માપી લેવા છે;
આજની રાત હું ઉદાસ છું અને મારી
         ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.

મિલનાં ઊંચાં ભૂંગળાંઓને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો;
સિમેન્ટ-કૉંક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;
આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;
આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.