અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મંગલમ્/દમિયલ લોકલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દમિયલ લોકલ

હરીશ મંગલમ્

વર્ષો થ્યૉ
મારું ગૉમ છોડ્યા ’લ્યા, કૉનિયા!
ઑના કરતૉ તો ભલું મારું કુંડ
ને, ભલો મારો નખલો.
મનં ન’તો આ શ્હૅરનો વિશ્વાસ
નથી ફડાક દૈ કઈ દીધું’તું મારા બાપ ખેમાને :
‘પરાંણે હું કૉમ ધકલૉ સૉ?’
‘પણ, નૅનર! હું ખાહૉ માહૉ ખાહરૉ?’
— જેવું વળતું હણહણતું તીર ભોંકાયું’તું મારા કૉને
તેથી જ
ઘેંશનો ડૂવો અનં બાજરાનો રોટલો છોડી
આયો’તો આંય અમદા’દમૉ, રૉળ કમાવા!
અનં જોતરાઈ જ્યો’તો મિલના હૉચામૉ
પછં, રાક્ષસી હૉચાની સ્પીડ વધતી જ ગઈ
વધતી જ ગઈ...
તાર તૂટતા ગયા
તૂટતા જ ગયા...
એકડીબગડી-તગડીચોગડી, છગડી ને,
બાકી રૈ જતું’તું તે ઇંમ ઉમેરાઈ આઠડી!
અવ પગ જ્યા પાટણ,
હાથ જ્યા હાથીજણ;
— નં બંધઈ જઈ મારી ઠાઠડી...
ત્યાં એકાએક બંધ ભૂંગળાંનું બિહામણું મૌન
ને રૂના ફોદા ચોંટી જ્યા કફની જેમ — છાતીના પાટિયામાં...
આ શ્હૅરના કૉન બ્હેર મારી જ્યા છ
કોઈ હોંભળ ઇંમ નથી.
જે લોકલમાંથી ઊતર્યો હતો
એ લોકલના પ્લૅટફૉર્મ પર
સ્મરણો વીંટળી વળ્યાં, ખામોશ...
એમાં નજરે ચડ્યા શેઠિયા
ગાંધીજીના તૈંણ વાંદરામાં :
પહેલો શેઠિયો : જૂઠું બોલી — શોષણ કરી છેતર્યાં છે તમને.
“મિલનાં ભૂંગળાં કેમ બંધ?” એવું પૂછશો નહિ.
મને, મહાજનને ખબર છે. (તેથી જ સ્તો મારા મોં
ઉપર મેં મૂકી દીધો છે પોલિસ્ટરનો તાકો!)

બીજો શેઠિયો : તમારી ચીંથરેહાલ ભડભડ સળગતી કાયાને મારે
નથી જોવી. એ તો મેં જ પેટ્રોલ છાંટી,
દીવાસળી... (તેથી જ સ્તો, હાંચાનાં ચક્રો ચડાવી
દીધાં છે મેં મારી આંખો આડે!)

ત્રીજો શેઠિયો : તમારી ચીસાચીસ — “બંધ મિલો ચાલુ કરો”
“શાંતિમાં નથી ક્રાંતિ” — આ બધું મારે નથી
સાંભળવું. (લ્યો, તેથી જ સ્તો, મારા કાનમાં ખોસી
દીધાં છે બંધ મિલોનાં ભૂંગળાં!)

ત્યાં તો—
લોકલના સમયના સથવારે તીણી ચીસ
ને, કૉનિયો બબડી ઊઠ્યો :
“...ભલું મારું કુંડ
ને, ભલો મારો નખલો.”