અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/વ્હાલેશરીનાં પદો ૪ (જળથી ભરેલા...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્હાલેશરીનાં પદો ૪ (જળથી ભરેલા...)

હરીશ મીનાશ્રુ

જળથી ભરેલા ફૂલપડિયા રે લોલ
અધપડિયાળાં નેણાં દડિયાં રે લોલ
દડ દડ મેહુલાની ધાર
મારા વ્હાલેશરી હો! સગપણનું વાળી દઉં સૈડકું રે લોલ

ગુંજાફળ જેવાં દુઃખ જડિયાં રે લોલ
મનનાં તે હોય ના ઓસડિયાં રે લોલ
ટીખળી છે મોર ને મલ્હાર
મારા વ્હાલેશરી હો! ટેંહૂકા કરે તો ચડે ટૈડકું રે લોલ

સકળ ભુવનનાં લોકડિયાં રે લોલ
અમે રે લગન લીધાં ઘડિયાં રે લોલ
ઉરે તારી બાંહ્યડીનો હાર
મારા વ્હાલેશરી હો! હાંવા હું જમાડું ભવનું ભૈડકું રે લોલ