અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/કોઈને કંઈ પૂછવું છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કોઈને કંઈ પૂછવું છે?

હસમુખ પાઠક

મંદ વેગે ચાલતો
(તેથી જ તો ચાબુકના ફટકારથી)
દોરાઈને, બપ્પોરમાં
ઉત્તર થકી દક્ષિણ જતા રસ્તા ઉપર
નંબર લગાવેલો જતો પાડો;

અને ત્યાં કાટખૂણે, છેક આડા
પૂર્વથી પશ્ચિમ જતા આસ્ફાલ્ટના રસ્તા ઉપર
ચિક્કાર બસ(માં માણસો માટે હવે જગ્યા નથી!)
ચાલી જતી પુરજોશમાં ધૂંધવાઈને! —
ને ક્રૉસ પર જે થાય છે તે થઈ ગયું.

લોહીના ખાબોચિયામાં માંસના લચકા
અને બે શીંગના ટુકડા —
(બધું ભેગું કરીને સાંધવા મથતી નજર) — ને
ફાટી આંખે શૂન્યમાં જોતો હવે ડચકાં ભરે!
(યમરાજ પણ છેવટ, પછી, આવ્યા ખરેખર!)
ખાલ મુડદાની (અહીંથી લઈ જઈ આઘે)
ઉતરડે ના ઉતરડે ત્યાં સુધીમાં
આ ગરમ આબોહવામાં લોહી તો જલદી સુકાયું.

બસ (ફરી ચિક્કાર; ચ્હેરા છે નવા)
પાછી વળી પશ્ચિમથી પુરવેગમાં.
એક આ ડાઘો રહ્યો,
એના વિશે, ક્‌હો
કોઈને કંઈ પૂછવું છે?

(સાયુજ્ય, પૃ. ૯-૧૦)