અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમન્ત દેસાઈ/જીવવું
Jump to navigation
Jump to search
જીવવું
હેમન્ત દેસાઈ
આંહીં શું પ્રાપ્ત કરવા અથડાઈ જીવવું? —
આશા? — કદી ન ફળતી રૂપવંત વંધ્યા.
ખંડેર-શાં કબરનાં ઢગબંધ સ્વપ્નાં!
ના સિદ્ધિ જેવું કંઈ જ્યાં સુખનો દ્વિરેફ
કોરી વિચ્છિન્ન કરતો ઉર પદ્મ જેવું!
સત્તા? — ન જાત પર તો કરવી શું એને?
કીર્તિ : લકીર બદનામીની વાદળીની.
બાકી શું, સ્નેહ? — શયતાન સમર્થ ક્રૂર
જેણે પરાધીન કરી કરીને વગોવ્યો.
આંહીં કશુંય નહિ પ્રાપ્ત… છતાંય જીવવું?
છે બેવફા પ્રિયતમા સમી છદ્મવેશી
આ જિન્દગી, તદપિ એની પરે હું મોહ્યો!
જીવ્યું કઢંગું વસમું ઘણું, તોય જીવવું!
— અસ્તિત્વનો પ્રબળ મેં લલકાર સુણ્યો!
(ઇંગિત, ૧૯૬૧, પૃ. ૧૦૭)