અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘અદમ’ ટંકારવી/ખાલી મ્યાન જેવું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખાલી મ્યાન જેવું

‘અદમ’ ટંકારવી

સ્મરણ લીલું કપૂરી પાન જેવું
હવામાં ચોતરફ લોબાન જેવું

ઉરાડી છેક દરિયાપાર લઈ ગઈ
હસી એક છોકરી વિમાન જેવું

ઉઘાડી આંખ છે ને દૃશ્ય ગાયબ
સહજમાં થઈગયું છે ધ્યાન જેવું

ખબરઅંતર પૂછે ખેરાત જાણે
કરે છે સ્મિત પણ તે દાન જેવું

હતું એ સ્વપ્નમાં રેશમ ને મલમલ
ને જાગી જોઉ તો કંતાન જેવું

અદમ, આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્લાન જેવું