અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ખલિશ’ બડોદવી/— (કમી તુજમાં કંઈ નથી...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


— (કમી તુજમાં કંઈ નથી...)

‘ખલિશ’ બડોદવી

કમી તુજમાં કંઈ નથી તો કહે મુજમાં શું કમી છે?
જો મળ્યું છે રૂપ તુજને, તો મને નજર મળી છે.

નથી મોતનો હવે ગમ, મને તારી યાદના સમ,
તારા પ્રેમમાં મરીને મને જિંદગી મળી છે.

તું કરે છે શાને ચિંતા, જો દુઃખી છે મારું જીવન,
છે ખુશી મને એ જોઈ તારી જિંદગી સુખી છે.

એ ચમન, એ ચાંદ, તારા, એ બહાર એ મદીરા,
હવે આપ આવી જાઓ હવે એ જ એક કમી છે.

મેં સહ્યાં છે એટલાં દુઃખ કે દુઃખો બની ગયાં સુખ,
હું હસી પડ્યો છું જ્યારે મારી જિંદગી રડી છે.

એ સમયની છે ઇનાયત થઈ એવી મારી હાલત,
તારી યાદથી ય નફરત ઘણી વાર મેં કરી છે.

એ સભા અને એ સાકી નથી આજ કોઈ બાકી,
જે હતી જીવનમાં પહેલાં, એ બહાર ક્યાં રહી છે?

ઓ ખલિશ અમે કવિઓ લખીએ છીએ કવિતા,
એ નથી ફક્ત કવિતા, એ અમારી જિંદગી છે.