અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'સુધાંશુ' (દામોદર કેશવજી ભટ્ટ) /સૌરભ બંધાઈ કોણે સાંભળી ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌરભ બંધાઈ કોણે સાંભળી ?

'સુધાંશુ' (દામોદર કેશવજી ભટ્ટ)

કુસુમકલેજે સૌરભ બાંધિયું,
         બાંધી એને રંગસરવર સાથે રે:
માલિકે માન્યું કે સૌરભ સાંચવી,
         ત્યાં તો જોઈ પવનશિખરુંની માથે રે:
         સૌરભ બંધાઈ કોણે સાંભળી?

પવન થકી રે પંડ જેનાં પાતળાં,
         આતમા ર્‌યો આગમતો આસમાન રે:
એને રે સુમનો ને રંગો શું કરે,
         રહ્યું જેને બ્રહ્માંડભ્રમણે ભાન રે:
                           સૌરભo

ત્રિભુવનનીરની રે મછલી લોલતી,
         નીર ઘૂમી ‘નિરભે’ જ્યોત નત જોતી રે;
આરા ને કિનારા પરા પર કરી,
         મોતિયુંમાં પ્રાણનાં પાણી રહે પ્રીતી રે:
                           સૌરભo

મનખ્યો સારો રે જેનું મંદિરિયું,
         નહીં એને પંજરપિંડનાં પોસાણ રે;
જેમ રે પૂરો ને એમ એ પરજળે,
         અકળ એ આતમ અમૂલખ ઘ્રાણ રે:
                           સૌરભo

અમે રે અનંતી સૌરભ ગગનની,
         દુર્વાસે દ્રવ્યાં ને ત્રોફાણાં રે;
સાહ્યબી મેલી ને આરાધ ધારીએ,
         સાચવ્યાં-ખોયાંનાં ન ઠેકાણાં રે:
         સૌરભ બંધાઈ કોણે સાંભળી?