અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/પ્રશાન્ત ક્ષણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રશાન્ત ક્ષણ

`ઉશનસ્' નટવરલાલ પંડ્યા

રથ સમયનો વિસામો લે નિશીથતરુ તળે,
પવન ફરતો તારાપર્ણો મહીં કદી મર્મરે,
ઊંઘથી ઝઘડી મોડાં મોડાં ગયાં મળી છે દૃગો,
વિષયવિષના થાક્યાપાક્યા લપ્યા દર પન્નગો,
કઠણ કરની મૂઠી હાવાં પડી રહી છે ખૂલી,
પકડ મનની વસ્તુમાત્રે જરા પડી છે ઢીલી.

ઘડીક જ બધું; શેરી કેરી છબી — સ્થિર જીવન —
વિચલિત થશે; ધોરી સ્કંધે ધુરા ફરી મૂકશે
હળવી ફિકરો છોડી નાખી ઊંઘે ચઢી ગાલ્લી તે.
સ્થિર ગરગડી પાછી કૂવે ઊંડાણ ઉલેચશે,
જળની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે
નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં
સ્થિર પડી રહ્યાં ખૂણામાં આ ઉપાન ચપોચપ!
અવર-દિન-ચીલે મુકાશે ફરી રથ — ને ગતિ…