અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/સહી નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહી નથી

`જલન' માતરી

મજહબની એટલે તો ઇમારત બળી નથી;
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી;
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે `જલન',
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
(જલન, પૃ ૪૧)