અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/અન્યની આંખે પોતે કરેલું દર્શન

અન્યની આંખે પોતે કરેલું દર્શન

વિનોદ જોશી

વરસાદ પછી
લાભશંકર ઠાકર

જલભીંજેલી

‘ધૂમકેતુ’ની વાર્તા ‘પોસ્ટ ઓફિસ’માં એક વિધાન આવે છે : ‘માણસ પોતાની દૃષ્ટિ છોડી અન્યની દૃષ્ટિથી જોવા લાગે તો અરધું જગત શાંત થઈ જાય.’ અન્યની દૃષ્ટિથી જોવું એટલે કેવળ આંખોથી જોવું એમ નહીં, વિચારોથી પણ જોવું તેમ સમજાય છે. આંખો તો હોય પણ દૃષ્ટિ ન હોય તેવું ઘણા કિસ્સાઓમાં જોવા મળે છે. જોવું એટલે નજર માંડવી એમ નહીં. તેના અર્થો ઘણા સૂક્ષ્મ છે. અહીં, લાભશંકર ઠાકરની કવિતામાં એ અર્થો કાવ્યાત્મક રીતે સ્ફુટ થાય છે અને કાવ્યસૌંદર્યનો અનુભવ કરાવે છે.

કાવ્યનું શીર્ષક છે, ‘વરસાદ પછી’. વરસાદના આગમનની જે તીવ્રતાથી પ્રતીક્ષા થતી હોય છે તેવી જ તીવ્રતા વરસાદ વરસી રહ્યા પછીની ભીની માટીની સુગંધ અનુભવવામાં હોય છે. આ વરસાદ એક એવો બનાવ છે જે આપણને મુગ્ધતાની સાથે જ પ્રગલ્ભતાનો અનુભવ પણ કરાવે છે. વાદળ અને ધરાને સાંધતા રૂપેરી તારને કોઈ ગણવા બેસે ખરું? જ્યાં જ્યાં ગણિત મંડાય ત્યાં ત્યાં પ્રસન્નતાનું સ્થાન પ્રપંચ લઈ લે છે. આ કાવ્યમાં વરસાદ વરસી રહ્યા પછીની ધરતીની પ્રસન્નતાનું હૃદયંગમ ચિત્ર છે. તૃષાતુર ધરતીને આલિંગીને વરસાદ અદૃશ્ય થઈ જાય પણ પછી ધરતીને રોમેરોમ જે રોમાંચનું લાવણ્ય ફૂટે તેની સરખામણી કશાની સાથે થઈ શકે નહીં.

પ્રશ્ન એ થાય છે કે અહીં વાત ધરતીની છે કે પછી કોઈ મદભરી યુવતીની? અગાઉ કહ્યું તેમ કઈ દૃષ્ટિથી આ ઉકેલવું તે એક કોયડો છે. કવિને અહીં અન્યની દૃષ્ટિ મદદમાં આવે છે અને એ દૃષ્ટિ છે કામણગારા કૃષ્ણની. કૃષ્ણની દૃષ્ટિએ ધરતીને નજરમાં વસાવી લેતો કવિ ધરતીની મર્યાદાઓને ઓગાળી દે છે અને તેને એક જોબનવંતી, જળથી લથબથ ભીંજાયેલી કામિની તરીકે જોવા લાગે છે. એનું કોઈ અંગ એવું નથી જેમાંથી રૂપ ટપકતું ન હોય. વરસાદના આશ્લેષથી અભિષિક્ત ધરતીનું રૂપ મહોરી ન ઊઠે તો જ નવાઈ! એ યૌવનધારિણીનું આકર્ષણ જ એવું છે કે આંખો ત્યાં અટક્યા પછી ખસવાનું નામ ન લે.

રૂપ એ કંઈ ટપકવાનો વિષય નથી. પણ અહીં ‘જલભીંજેલી’ અને ‘લથબથ’ કહ્યા પછી તેની ઉત્કૃષ્ટ કક્ષા દર્શાવવા ટપકવા સુધીની પ્રક્રિયાનો તેમાં નિર્દેશ થયો. ટપકવામાં કોઈ કશું આક્રમણ નથી. એ એક સુચારુ દર્શન છે. એટલે તો તેની સાથે ‘રૂપ મનોહર’ એવો વિભાવ કવિએ જોડી આપ્યો છે. વળી આ વરસાદ કંઈ છાનોછપનો નથી આવ્યો. ધોળે દિવસે બધાની હાજરીમાં આવીને વરસ્યો છે અને વરસીને ચાલ્યો ગયો છે. એણે ભીંજવી દીધેલી ધરતી જાણે સદ્યસ્નાતા છે. એક ભરજોબન યુવતીને ભીંજાયેલી ન રહેવા દેવાય તેવી સમજ સાથે તડકો શ્વેતરંગી ટુવાલ બનીને ધરતીનું ડિલ લૂછવા લાગે છે. એ ક્રિયામાં પણ કશી ઉતાવળ નહીં. ધીમે ધીમે…

કેવું સુંદર કલ્પન છે! ગમે તેવી સ્થૂળ નજર પણ સૌંદર્યમંડિત બની જાય તેવું આ આલેખન છે. સદ્યસ્નાતા એટલે તો તાજી નાહેલી. હજી તો શરીર લૂછ્યું પણ નથી તેવી. કોઈ જોઈ જાય તે પૂર્વે જ ડિલ લૂછી નાખવાની તત્પરતામાં લજ્જાભાવનું કેવું અવ્યક્ત છતાં સહજતાપૂર્વક પમાઈ જતું કાવ્યસૌંદર્ય અનુભવાય છે! વળી આખી વાત કહેવાઈ રહી છે ધરતીનાં બહાને કોઈ યૌવના અંગે. અને છતાં કાવ્યમાં તો રાધિકાને બહાને ધરતી વિશે જ આ બધું કહેવાતું હોય તેવું છળ કવિએ રચ્યું છે.

યમુનાના પાણીમાં સ્નાન કરીને રાધિકા જળની બહાર નીકળે અને તેના ‘રૂપટપકતા પારસદેહે’ ધીમે ધીમે વસ્ત્ર ફરતું રહે તેમ તડકો વરસાદથી ભીંજાયેલી ધરતીને જાણે લૂછી રહ્યો છે, કોરી કરી રહ્યો છે. અહીં વપરાયેલ ‘પારસ’ શબ્દ બહુ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. પારસના સ્પર્શથી લોઢું સુવર્ણ બની જાય છે એમ કહેવાય છે. અહીં રાધિકાનો પારસદેહ એમ કહેવાયું તેને એ રીતે ઘટાવી શકાય કે રાધિકા જેને સ્પર્શે તે સુવર્ણ બની જાય. અહીં રાધિકા ધરતીનું પ્રતીક છે અથવા તો ધરતી રાધિકાનું પ્રતીક છે. જેમ રાધિકા જેને સ્પર્શે તે સુવર્ણ બની જાય તેમ ધરતીના સ્પર્શથી પણ બધું સુવર્ણ બની જાય. વરસાદના આશ્લેષથી ભીંજાયેલી ધરતીને જ આનંદ આવે છે તેમ નહીં પણ એ આશ્લેષ આપનાર પણ પારસસ્પર્શ પામ્યો છે તેવી વાત અવળે છેડેથી અહીં ઉકેલે છે અને વરસાદ પણ કંઈક પામીને ગયો છે તેવો તાળો મળે છે.

પ્રસન્નતાની અવધિ ન હોય તેવી આનંદક્રીડાને શબ્દોમાં વર્ણવવી શક્ય નથી તે કવિ જાણે છે. કવિ એ પણ જાણે છે કે પરમ રૂપનું સંકીર્તન ગમે તેટલું કર્યું હશે તોપણ તેની એવી અનેક ઘટનાઓ વણસ્પર્શી રહી જવાની. જે કેવળ અનુભવનો જ વિષય હશે, ભાષાનો નહીં.

એટલે હવે કવિને વિમાસણ થાય છે. જે કંઈ દેખાઈ રહ્યું છે એ મનોહરરૂપ દેખાય છે એ પણ સાચું છે અને જે જોઈ શકવાની પોતાની ક્ષમતા નથી એ પણ સાચું છે. કવિ જાણે છે કે પોતાને થઈ રહેલો અનુભવ રૂપની સર્વોત્કૃષ્ટ અવસ્થાનો છે અને ત્યાં સુધી ચર્મચક્ષુ વડે પહોંચવું પોતાનાથી શક્ય નથી. એટલે આ દર્શન નક્કી કોઈ અન્યની આંખે થઈ રહ્યું હોવું જોઈએ એવી કવિને શંકા જાય છે.

જો લથબથ ભીંજાયેલી ધરતી કવિને નમણી રાધિકા જેવી દેખાવા લાગી હોય તો એ દર્શન કવિની ખુદની આંખોએ કરેલું દર્શન નથી. પણ એ આંખોના માધ્યમથી કૃષ્ણકનૈયાએ કરેલું દર્શન છે. એ જ એક એવો દ્રષ્ટા છે જે આ રૂપની સોળે કળાને તેના સાચા અને સાક્ષાત્ અર્થમાં ઉકેલી શકે. પણ કવિ આમ પોતાને મળતો લાભ કૃષ્ણના ખાતે લખી નાખે તેટલા ઉદાર નથી. એ તો અહીં એવો સંભવ વ્યક્ત કરે છે કે કદાચ આ દર્શન પોતે નહીં પણ પોતાની આંખોમાં આવીને છુપાઈ ગયેલ કૃષ્ણ કરી રહ્યો છે. એટલે તો એ પ્રશ્નાર્થ પાસે આવીને કાવ્ય અટકે છે.

પણ કાવ્યનું સૌંદર્ય તો એ વાતમાં રહેલું છે કે આવું મનોહારી રૂપ જોતાં જ દરેક જણ કૃષ્ણ બની જાય છે. સૌંદર્ય પામવા માટે તેની સામે જ એવું જ સૌંદર્યકારી પાત્ર બનવાનો મહિમા અહીં પ્રગટ થયો છે. એક એક, બબ્બે શબ્દોમાં કટકે કટકે કટાવના લયમાં કહેવાની વાત કેવી અખંડતા કે અખિલાઈનો સ્પર્શ કરાવે છે તે આકારમાં પણ ભિન્ન લાગતી આ કવિતાનો લાક્ષણિક ગુણ છે.

કોઈ ગુજરાતી ગઝલકારનો આખો શે’ર તો યાદ નથી આવતો પણ તેનો એક મિસરો આમ છે :

‘તમારું રૂપ જોયું એ પછી ન્હોતી રહી આંખો!’

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)