અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/કલ દુનિયા સે ઉઠ જાયેંગે

કલ દુનિયા સે ઉઠ જાયેંગે

જગદીશ જોષી

દિલની વાતો
હસિત બૂચ

દિલની વાતો ખૂટશે ત્યારે

કાળને ચોતરે વાતોનો ડાયરો તો હંમેશાં જામતો હોય; પણ આ ડાયરાનું પરમ સત્ય એ છે કે ડાયરામાંથી ઊઠીને પ્રત્યેક વ્યક્તિએ જવું જ પડવાનું. ડાયરો સમેટાતો નથી, પરંતુ આપણું તેડું આવે ત્યારે પોતાની પછેડી ખંખેરી, સૌને રામ રામ કરી આપણે ચાલી નીકળવાનું. માત્ર એટલું જ કે, જતી વખતે જેટલી સ્વસ્થતા રાખી શકો એટલી વધારે શોભા.

કાવ્યના પ્રારંભમાં કવિ કહે છે કે જ્યારે વાતો – દિલની વાતો – ખૂટશે ત્યારે ‘હાથ જોડી’ને હીંડતા થઈશું. વ્યક્તિ પાસે છૂટા પડવાનો કસબ પણ હોવો જોઈએ. તમે સાથે કેવી રીતે રહો છો એ નહીં, પણ છૂટા પડો છો કેવી રીતે તેમાં જ સમગ્ર સંબંધનું સત્ય પ્રગટ થાય છે. ઘણી વાર ઘનિષ્ઠ મૈત્રીનાં પણ મૃત્યુ થતાં હોય છે; પણ એ મિત્રો કઈ રીતે પોતપોતાના માર્ગે પળે છે એમાં જ એમની મૈત્રીની મુલવણી હોય છે.

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી.
મશાલો સાવ બૂઝી,
તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી.

નાથાલાલ દવેની આ પંક્તિઓ સ્હેજે યાદ આવી જાય.

મોજાંના ઉછાળે ઉછાળે, ફાળ ભરી ભરી ઊડતો કોઈ બેડો પણ કાળે કરીને ઝૂકવાનો જ છે. છતાં જળને રસ્તે પણ એનો કેડો અંકાઈ જાય, પગલાંઓ રહી જાય – શું જળમાં, શું રણમાં.

માણસોને સુખની ક્ષણ લંબાવવામાં રસ હોય છે. આપણને ખબર નથી કે ક્ષણ પણ બહુ તાણતાં તૂટી જાય. નાચ્યા કરો પણ પગની રોનક ઓસરી ગઈ હોય. ઢોલ વગાડ્યા કરીએ અને હાથનું કૌવત ઘટતું જતું હોય: કેવું વરવું લાગે? ગાદી, કે ખુરસી કે પદવી કે જિંદગી કોઈને પણ વળગી રહેવાથી વરવાઈ વરતાઈ આવે. પ્રહ્લાદ પારેખ કહે છે: ‘અંગ-મરોડ હું કેમ કરું જો નાચી ઊઠે નવ ઉર રે…’ શ્વાસ લેવો અને ‘જીવવું’ – આ બંનેમાં તફાવત છે. માણસને સ્વમાનભેર ખસી જતાં આવડવું જોઈએ. વિજય મર્ચન્ટે એક વાર કહેલું તે કંઈક આવું યાદ છે: ‘લોકો તમારાથી ત્રાસે એ પહેલાં તમને સરી જતાં આવડવું જોઈએ.’ ક્ષણને વિસ્તારવા કરતાં ક્ષણને ઉજાળતાં આવડવી જોઈએ.

એમ કેમ માની બેસીએ કે આપણા જવાથી બધી લીલા સમેટાઈ જશે? આપણે કર્યું એના કરતાં કંઈ સવિશેષ, કંઈ અદકેરું બીજાઓ કરી શકશે એવી શ્રદ્ધા ભાવિ પેઢીમાં હોવી જરૂરી છે.

સંવેદનક્ષમ કલાકારનો આત્મા વિદાય વેળાની વેદનાને કેવી આહ્લાદક રીતે રજૂ કરે છે – ‘આંખના છેડા છલકે હજી…’ જીવનમાં અધૂરપ નથી એમ નહીં, પરંતુ આ વેદના, આ અધૂરપની પાછળ પાછળ જ્યાં સુધી ગીતની કડીઓ ઊગતી રહે છે ત્યાં સુધી આ ‘અધૂરપ’ પણ ‘મધુરપ’ જ બનતી હોય છે. ‘ઉપાધિયોગ’ને ‘સમાધિયોગ’માં ફેરવી નાખવા માટે જીવતું સંવેદનતંત્ર જરૂરી હોય છે. સમય હતો ને અમે આવ્યા: સમય થઈ ગયો તો લ્યો, આ વહેતા પડ્યા!

થોડા વખતના આ ‘મિલન મેળા’માં એકબીજાં દિલ એવા કોઈ રસાયણે રસાઈ જતાં હોય છે કે નિરંજન ભગત કહે છે તેમ ‘આતમને તોયે જનમોજનમ લાગી જશે એનો રંગ.’ તો પછી, આ સુવાસનું આ શાસ્ત્ર, દિલની રોનકનું આ રહસ્ય શા માટે બીજાંઓને ચીંધતા ન જવું? પ્રિયકાન્તે જે વાત ‘પ્રવેશ પણ શક્ય છે નીસરવા તણે બારણે’માં કરી એ વાત અહીં કવિ સચ્ચાઈ અને મૌલિકતાના મેળ સાથે ગીત રૂપે આપે છે.

અહીં ઝિંદાદિલીનો મહિમા ગાતા હસિત બૂચ પોતાની કાવ્યપ્રવૃત્તિમાં પણ ચીલાચાલુ ફૅશનમાં કે ઘોંઘાટમાં તણાયા વગર, આપમેળે ગીત ગુંજી શકે છે.

૧૮-૧-’૭૬
(એકાંતની સભા)