અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/કૃષ્ણ કહેતાં કૃષ્ણ થાશો કાવ્ય વિશે

કૃષ્ણ કહેતાં કૃષ્ણ થાશો કાવ્ય વિશે

મનસુખલાલ ઝવેરી

બહદેવ
કૃષ્ણ કહેતાં કૃષ્ણ થાશો

મવળી કહે ઉદ્ધવ, સુણો બાઈ! વિનતી,

શ્રીકૃષ્ણ ગોકુળ છોડી મથુરા ચાલ્યા ગયા છે. ગોપીઓની વેદનાનો પાર નથી. કૃષ્ણ પાછા તો આવતા નથી જ. પણ એમના કંઈ સરસમાચાર કે વાવડ પણ નથી. મૂંઝાઈ ગયેલી ગોપીઓને શું કરવું તેની સૂઝ પડતી નથી. ને બધી કૃષ્ણ કૃષ્ણ કરતી હિજરાયાં કરે છે. ત્યાં એક દિવસ ઉદ્ધવ આવે છે ને ગોપીઓને સમજાવે છે.

એ સમજાવે છે કે તેમાંથી એક દલીલ એ છે કે કૃષ્ણ તમારાથી જુદા નથી. તમારા અંતરમાં જ વસે છે. મોટા મોટા યતિઓ, યોગીઓ, તેને પોતાના હૃદયકમલમાં વિરાજેલા જોતા હોય છે. જેઓ યોગી નથી તેઓને જ એમ લાગે છે કે કૃષ્ણ પોતાની ભિન્ન ને દૂર એવી વ્યક્તિ છે. જેમ કસ્તૂરીમૃગને ખબર નથી હોતી કે જેની ગંધથી લુબ્ધ બનીને એ ચોતરફ ભટકી રહ્યો છે એ કસ્તૂરી તો એની પોતાની નાભિમાં જ છે, તેમ જેઓ યોગી નથી એવા જીવોને ખબર નથી હોતી કે કૃષણ એમના પોતાના અંતરાત્મામાં રહ્યો છે; અને તેથી એને શોધવા માટે તેઓ દૂર દૂર ભટક્યાં કરે છે, ને નિરાશ થાય છે. વસ્તુતઃ કૃષ્ણ સર્વવ્યાપી અને સર્વાન્તર્યામી છે. આ અખિલ બ્રહ્માંડમાં રજમાત્ર જગ્યા એવી નથી, જ્યાં કૃષ્ણ ન હોય. કૃષ્ણ આપણાથી અળગો નથી એટલું જ નહિ, આપણી પાસે જ છે; પાસે જ નહિ, આપણા અંતરમાં જ વસ્યો છે; અંતરમાં જ વસ્યો છે, એક પણ નહિ; સચરાચર બ્રહ્માંડમાં કૃષ્ણ વિની બીજું કળું જ નથી. આપણે આપણી અને કૃષ્ણની વચ્ચે ભેદ કલ્પીએ છીએ. કૃષ્ણ અને આપણે એકબીજાથી જુદાં છીએ એમ માનીએ છીએ તે આપણું અજ્ઞાન છે. એ અજ્ઞાન દૂર થાય તો આપણને પ્રતીતિ થાય કે આપણે આપણે નથી, કૃષ્ણ જ છીએ. દૂર ને નજીક, બહાર ને અંદર, એક જ તત્ત્વ આપેલું છેઃ શ્રીકૃષ્ણ. એના વિના કશે પણ બીજું કંઈ જ નથી. મૂળ વસ્તુ છે સત્યનું ભાન થાય તે. આપણે અજ્ઞાનમાંથી મુક્ત થઈ જઈએ ને આપણે સાચું સ્વરૂપ જાણી લઈએ તો અત્ર, તત્ર ને સર્વત્ર, અનુભવાશે એક અને અદ્વિતીય કૃષ્ણ જ કેવળ!

(આપણાં ઊર્મિ-કાવ્યો)