અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/ગીરનાં જંગલ કાવ્ય વિશે

ગીરનાં જંગલ કાવ્ય વિશે

મનસુખલાલ ઝવેરી

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
ગીરનાં જંગલ

ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,

ગીરનાં આ ભવ્ય ભીષણ જંગલો! ગાજી રહ્યાં છે એ બારે માસ ઝરણાંના કલરવથી, વેગભર વહેતી ઊંડી, જળેભરી નદીઓની ઘુઘવાટીથી, ધોધના પડછંદાથી, વાયુના ભીષણ સુસવાટાથી, પક્ષીઓના કલશોરથી, કેસરી સિંહોની ત્રાડોથી.

એની ઘોર ને ઊંચીનીચી ધરતી ને ચોમેર પથરાયેલી એની વાંકીચૂંકી ગિરિમાળા, નીચે જોઈએ તો ચક્કર આવે તેવી એની વિકરાળ કરાડો, ને વચ્ચેની ખીણો એટલી ઊંડી ને એટલી ગીચ વનસ્પતિવાળી કે એને તળિયે સૂર્યનું તેજ કદી પહોંચવા જ ન પામે.

ને એનો ગિરનાર, વિવિધવરણાં વનરૂપી વ્યાઘ્રચર્મ ધારણ કરીને, યુગોના યુગથી દૃઢ આસન વાળીને બેઠેલા કોઈ યોગી જેવો; સાધુ, સંત, ફકીરને ઉદાર ભાવે આશ્રય આપતો.

એના ડુંગરે ડુંગરે દેવનાં દેવ ને શરીરની દરકાર રાખ્યા વિના ભમતા અલમસ્ત વૈરાગીઓ.

એનાં કલરવતાં ઝરણાં, વૈગભર ધમધોકાર ધસતી ઊંડી, બેય કાંઠે છલકાતી નદીઓ, પ્રચંડ ધોધના પછડાટ ને એના ભયંકર પડછંદા.

એની નદીઓને બેય કાંઠે ઝૂકતી તરુવરોની સઘન ઘટા, વસંતનો સ્પર્શ થતાં રતુંબડાં નવાં પલ્લવોથી અને રંગબેરંગી પુષ્પોથી ઘેઘૂર બની જતાં એનાં વૃક્ષો ને એની લતાઓ, ને લાલચટક કેસુડાંથી ખીલી ઊઠતાં સૂકાં ને ખરી પડેલાં પાંદડાંવાળાં ખાખરાનાં ઝાડ.

એનાં પશુપંખીઓ, શિયાળ, સસલાં, સાબર, હરણાં, વાઘ, વરૂ ને ચિત્તા, મોટી મોટી ગોળી જેવાં માથાં ને માથા પર સુંદર વાંકડિયાં શિંગડાંવાળી, હાથીનાં બચ્ચાં જેવી ભેંશોનાં ટોળાં, ને વર્ષામાં વાદળ ઘટાટોપ જામ્યાં હોય, વીજળી સળાકા લેતી હોય, ને આકાશમાં મેઘનાં દુંદુભિ ગગડી રહ્યાં હોય ત્યારે ગર્જનાઓ કરી કરીને વનને થથરાવી મૂકતા કેસરી સિંહો, ગડૂડતા મેઘની સામે ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મગેકારા કરતા મોરલા, ને વસંતમાં પોતાના ગુંજારવથી આખા વનને ગુંજાવી ઊઠતા મધુકરો, અને કલશોર કરી મૂકતાં કોયલ ને પોપટ.

ને એનાં માનવી, સિંહ જેવાં શૂરવીર ને પહાડ જેવાં અડીખમ. પ્રેમ અને ધર્મ, ભૂમિ અને વચનને ખાતર એમણે ખેલેલાં ધીંગાણાંની સ્મૃતિ આજે પણ નથી વિસરાઈ કે નથી વાસી થઈ.

ગીરનાં આ જંગલ છે, સ્વતંત્રતા, સ્વભાવિકતા અને સુંદરતાની ભૂમિ. અહીં પશુ, પંખી ને મનુષ્ય, બધાં મુક્ત છે, અહીં નગરજીવનની નથી કૃત્રિમતા કે નથી દંભ, અને અહીં નથી કશું અસુંદર કે અભદ્ર.

આ કાવ્યમાં કેટલીક પંક્તિઓનો વર્ણવિન્યાસ અત્યંત મનોહર છે, કેટલાંક ચિત્રો સુંદર છે, તો કેટલીક પંક્તિઓ ગદ્યાળવી છે.

(આપણો કવિતા-વૈભવ)