અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/બળતાં પાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બળતાં પાણી

બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

૨ હૈયૈ સળગતી: ઓળા આકૃતિપ્રતિબિંબ છે; રંગ તો કેટલા અને કેવી રીતે પ્રતિબિંબે છે એ સવાલ અટપટો છે. એટલે એ ઓળા જાણે નદી પણ હૈયામાં સળગતી હોય તેવા લાગે છે એમ કહેવું, તે ઉત્પ્રેક્ષા અતિ ઉત્કટ ગણાય પરંતુ આ વિષે રસતો ઝીણવટથી ચર્ચા કરે એમ ઇચ્છું છું.

૩ દોડતી નદીની છૉળો કાંઠામાં પછડાતી દૉડે, ત્યાં છાંટા, ફુવારા આદિ ઉડે, તેને ઉકળતાં પાણીના ઉડતાં બિંદુ કહેવાં, અને માનસિક ઉકળાટના અર્થવાળા ‘તપી ઉઠે’ શબ્દ વાપરવા એ પણ અતિ ઉત્કટ ગણાય. પરંતુ વાચ્યાર્થમાં આવા બાધ ઉપરથી સામી યુક્તિ લડાવાય, કે એ વાચ્યાર્થ બાધે જે ‘અન્યાર્થ’માં આ વિગતો પ્રત્યક્ષ થાય છે, તે કાવ્યમાં વધારે સ્પષ્ટ ઉપસી આવે છે.

૭ નવાણોમાં: ઝરણાં, ધોધ, ન્હાની નદીઓ આદિ રૂપે તમામ પાણી ઊંચામાં ઊંચી ધાર (વૉટર શેડ)થી એક બાજુએ વહી એકબીજા સાથે ભળતાં ભળતાં નદી ઉપજાવે છે. એટલે તમામ નદીઓ ગિરિજાઓ-પાર્વતીઓ છે. વડીલ માથે આફત વખતો છોરૂએ મદદ ન કરવી? કરવી જ જોઈએ. પરંતુ નદીથી મદદ થઈ જ ના શકે, કુદરતે જે વહન માર્ગ નદીને નક્કી કરી આપ્યો તેમાંથી ગમે તેવે કારણે ય તે ચસે એમ બને જ નહીં. વળી ગિરિ-નદી તે પિતા-પુત્રી એ ગમે તેવે કારણે ય તે ચરો એમ બને જ નહીં. વળી ગિરિ-નદી તે પિતા-પુત્રી એ કેવળ ઉપમા છે. એ કહેણા પિતા કે કહેણી પુત્રીને અન્યોન્ય ધર્મ કશા જ નથી!

૧૨ નદીએ તો વહી વહીને દરિયે જ પડવાનું, જાણે કે આ વડવાગ્નિ—દરિયાના પ્રજ્વલતા હૈયાને જ ઠારવાનું એનું કર્તવ્ય.

૧૩-૧૫ વર્ષાદનાં વાદળો પણ દરિયાના પાણીની વરાળ ઊંચે ચડે તેનાં જ બંધાય છે, એટલે કે વાદળાંની પાણી નદીનાં જ પાણી છે, નદી જ છે, અને તે વડીલ ગિરિ ઉપર પડીને તેને ઠારે છે. લીલોછમ આર્દ્ર સમૃદ્ધ બનાવે છે. પિતા ગિરિને ખરે વખતે કરવાનું કાર્ય નદી બળતા ઝળતા પિતાની પાસે થઈને વ્હેતી હોય છે તથાપિ તેનાથી બનતું જ નથી. અને નદીનો પુત્ર, ગિરિનો દૌહિત્ર મેઘ, નાનાને ઠારે છે. અહો, પણ તે ક્યારે? દવની મોસન ઉતરી ગયા પછી જ પોતાની હયાતીની મોસમ દરમિયાન. ચૈત્ર વૈશાખના તાપ અને તે ઋતુમાં જ્યાં ત્યાં સળગી ઉડતા દવ બધું જ ભસ્મ કરી દે છે ત્યારે તો એ તમામ ભસ્મ થઈ જ જાય છે.

આ કૃતિ ઊંચા પ્રકારની રચના હોય તો તે વર્ણનકાવ્ય લેખે નહીં, અન્યોક્તિ કાવ્ય લેખે જ. ગિરિ નદી એને મેઘને બ્હાને કવિની દૃષ્ટિ આગળ હાલનો પુખ્ત અને આથમતો ઝમાનો, તેનું બાલક હાલનો કિશોર અને નવજુવાન ઝમાનો, અને ત્રીજી પેઢી એ જ પ્રત્યક્ષ છે. આ ‘ઉક્તિ’ જે ‘અન્ય વિષય’ માટેની છે, તે આ ત્રણ ‘રુસ્તમ’, ‘સોરાબ’, અને ‘સોરાબ પછીને પેઢી.’ શ્રી ગાંધીજીની હાકલે જે કિશોર અને નવજુવાન ‘ધોળી ટોપીઓ’ ધંધા, ઘરબાર અને વડીલો, ભાંડુઓ આદિ તર્ફ પોતાનાં કર્તવ્યોને પડ્યાં મૂકીને ‘દેશમુક્તિ યજ્ઞ’માં હોમાવાને આગળ ધસી આવી તેમાંના એક કવિ પોતેઃ એ મનોદશાના નિરૂપણ લેખે, એ વર્તન સેંકડો અને હજારોએ કર્યું તેની નીતિમત્તાની સાબીતી લેખે, આ કૃતિ સારી હોય તો જ એ સારી કવિતા. અને ધોળી ટોપીઓમાં કવિઓ છે તેમ વિવેચકો ય છે. કવિ લેખે જેટલા આ કર્તા ઉચ્ચ અને લબ્ધપ્રતિષ્ઠ છે, તેટલા જ વિવેચક લેખે ઊંચા અને લબ્ધપ્રતિષ્ઠ લેખક આ કૃતિ વિષે લખે છે, ‘નીડર અને કર્તવ્યધીર યુવકને આ હાકલ અસર કર્યા વિના ન જ રહે,’ પરંતુ, તેને ‘અત્યારની આપણા દેશની મોટામાં મોટી જરૂરિયાત માની યાહોમ કરવામાં તેના (એ યુવકના) મનની મોટામાં મોટી વેદના તે તેના અનેક વીતકોમાં સીઝાતાં માબાપો છે, જેને તે કશી જ મદદ કરી શકતો નથી… જ્યાં વાચ્યાર્થ ઉપરાંત વ્યંગ્યાર્થ હોય અને તે વ્યંગ્યાર્થ સાથે સંવાદી જોઈએ… કવિની કલ્પના જ પોતામાં સ્ફુરાયમાણ થયેલું માનવમંથન રહસ્ય કુદરતના આ દૃશ્યમાં જોઈ લે છે, અને એ વ્યક્ત થાય એવી રીતે એને કથે છે.’ અર્થાત્ શ્રી પાઠક આ કૃતિ અન્યોક્તિ લેખે ઉચ્ચ હોવાનું પ્રમાણપત્ર પોતાના મતનાં કારણોમાં ઊતરીને આપે છે. અને શ્રી પાઠકના મત અને કારણોને અન્યાય ન થઈ જાય એટલા માટે મેં લાંબું અવતરણ ટાંક્યું છે.

ફિલસૂફીની દૃષ્ટિએ પણ આ છેક મનસ્વીપણું તો નથી. કુદરત શબ્દ અનેકાર્થવાળો છે, એનો મનુષ્યેત્તર કુદરત-જડ સૃષ્ટિ, ચેતન સૃષ્ટિમાંનો સ્વેચ્છાશક્તિવિહીન વિભાગ-એ અર્થ વૈજ્ઞાનિક પ્રગતિની સાથે સાથે જ આગળ આવેલો છે. માનવી સૃષ્ટિ અને માનવ વિચારણા શરૂ થઈ ત્યારથી હજારો વર્ષો લગી કુદરત શબ્દ ‘દેવ, ભૂત, માણસ, નિશાચર, જડ’ આદિ તમામને માટે સમગ્રે વપરાતો હતો, તેના અમુક ક્ષેત્રમાંના આચરણોના પ્રેરક બળોમાંનું એક ઇચ્છાશક્તિ પણ, બાકીનામાં એ બળ મુદ્દલ ન પ્રવર્તે, એ પ્રમાણેનો દૃઢ ભેદ એ હજારો વર્ષો દરમિયાન આપણે શંકારહિત સ્પષ્ટતાએ ગ્રહણ કરેલો જ ન્હૉતો. દૃષ્ટિ જ અસ્પષ્ટ તેટલે દરજ્જે વિચારણામાં વમળો હોય જ. મોતિયાનો રોગ થતો હોય છે તે વર્ષો દરમિયાન માણસ દરેક બત્તીની આસપાસ રંગવર્તુળો જુવે છે તે પ્રમાણે હિંદમાં પણ વૈજ્ઞાનિક વલણોનો અમલ વધશે તેમ તેમ હિંદના સાહિત્યમાંથી ‘વૃત્તિમય ભાવાભારા’ (સ્વ. રમણભાઈ, મણિલાલ નભુભાઈ, ન. બો. દિ. એમનો ઘડેલો પારિભાષિક શબ્દ—રસ્કિનના ‘પેથેટિક ફેલેસી’ માટે). જડ પદાર્થોમાં ચેતના, વ્યક્તિત્વ, ઇચ્છાશક્તિ, નીતિ, અનીતિ આદિનાં આરોપણ અને એ પ્રકારનાં અન્યોક્તિ કાવ્યો વગેરે ઘણું ઘણું ઘટી જશે, અથવા વિજ્ઞાનદૃષ્ટિને પ્રતિકૂલ નહીં એવો વેશપલટો સ્વીકારીને જ ચાલુ રહી શકશે.

આ ભાવિ ગમે તેવું નિર્માવ, કવિઓ તો કુદરત અને કુદરત પ્રવૃત્તિનાં ચિત્રોને નીતિબોધ અને પ્રોત્સાહનને માટે વાપર્યા જ કરે છે. મેવાડી રાણો પ્રતાપ અતિશય ત્રાસી ગયો, અકબર જેવા મહાસમર્થ શત્રુ સામેના સ્વાતંત્ર્ય સંગ્રામને લીધે પડતાં, વધતાં જ જતાં દુઃખ એને પણ અસહ્ય થઈ પડ્યાં, અને એ વીર પુરુષ ઘડીક હતાશ અને હૈયાદુબળો બન્યો; અને ખપી જવાય તો ભલે તથાપિ નમવું તો નથી જ, એ તેનો નિશ્ચય જ્યારે ડગમગવા લાગ્યો, ત્યારે એના કવિમિત્ર પૃથુરાજે એને ફરી તેજસ્વી અને સત્ત્વસ્થ બનાવવાને કુદરત વર્ણનના વાચ્યાર્થવાળી અન્યોક્તિઓનો જ સફળ પ્રયોગ કરેલો. આવા પ્રસંગોમાં કવિઓ અન્યોક્તિઓ વાપર્યા જ કરશે અને ફિલસૂફો ભલે ઉપર પ્રમાણેના અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) સત્યને વળગી રહે. સહૃદય કવિતાભોગીઓ એવી અન્યોક્તિઓને સમભાવે ઝીલ્યા જ કરવાના. તથાપિ આ મુદ્દાને બરાબર વળગવું ઘટે છે, કે ઉચ્ચતર ધર્મ અને કર્તવ્ય કયું એ વિશે-શું કવિને, શું પ્રતાપને કે શું એ કવિતાના ભોગીઓને-લેશ પણ શંકા નથી. રાણો પોતે ઘડીક અદૃઢ થઈ જાય છે, તે કાલે પણ પોતાનો ઉચ્ચતર ધર્મ તો એને એ સ્વાતંત્ર્ય સંગ્રામને ખેડ્યા કરવાનો જ વસે છે. ત્યારે ઉચ્ચતર ધર્મ કયો વારુ એ પ્રશ્ન આમ નિર્વિવાદ ન હોય, એ પ્રશ્ન જ મતભેદનો વિષય હોય તો? તો દેખીતું છે કે એ કૃતિઓને કવિના મંતવ્યને અનુકૂલ સહૃદયો જ ઊંચાં કાવ્યો ગણશે; તમામ કવિતાભોગીઓ સર્વાનુમતે એ કાવ્યોની ઉચ્ચતા નહીં સ્વીકારી શકે.

‘કવિતા શિક્ષણ’માં મેં ઈશારો કરેલો છે કે સાહિત્ય કૃતિઓ ધર્મ, રાજ્ય, સમાજ (લગ્ન, મિલ્કત વ્હેંચણી આદિ પ્રશ્નો), વ્યવહાર (આર્થિક પ્રવૃત્તિઓ) આદિને સ્પર્શે, ત્યાં ત્યાં એ ક્ષેત્રમાંના ‘સળગતા’ (બર્નિંગ) પ્રશ્નોને લગતા મતભેદ અને વાદાવાદી, એ સાહિત્ય કૃતિઓના સાહિત્ય લેખે મૂલ્યાંકનમાં ય ઘૂસ્યા વગર રહે નહીં. કારણ કે વિચારપ્રવૃત્તિ જલ કરતાં પણ વધારે પ્રવાહી. ‘નવીન કવિતા વિષે વ્યાખ્યાનો’માં ભાઈશ્રી રા. વિ. પ્રા. કૃત ‘રાણકદેવી’ વિષે લખતાં તેમ બીજે એક બે સ્થલે પણ આવા મતભેદો વિષેની ચર્ચા જોઈ લેવી. આગળ આવે છે તે કૃતિઓ ૨૯, ૬૮, ૬૮ અને તેનાં વિવરણો પણ જુવો.

(આપણી કવિતાસમૃદ્ધિ)