અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/લૂંટાયું એટલી લ્હાણ
હરીન્દ્ર દવે
ધન્ય ભાગ્ય
ઉશનસ્
બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન,
સામાન્ય રીતે ગોપિકાગીતોમાં કૃષ્ણ સામે ફરિયાદ હોય છેઃ ‘યશોદા, તારા નટખટ નંદકુંવરને વાર,’ કે આવી ફરિયાદોની આસપાસ થતી સંખ્યાબંધ રચનાઓ આપણે જોઈ છે પણ અહીં કવિ ભાવનો નવો જ વળાંક લઈને આવે છે. આવી ફરિયાદ કરતો ગોપિકાને જ અહીં સંબોધન કરાયું છે. આ સંબોધન એની કોઈક સખીનું હોઈ શકે, અથવા જેને આવી ફરિયાદ કરવાનું નિમિત્ત નથી મળતું એવી કોઈ ગોપિકાનું પણ હોય.
સામાન્ય રીતે કવિતામાં અવળવાણીથી ચોટ સાધવામાં આવે છે, પણ અહીં કવિ સવળવાણીથી ચોટ લાવી શક્યા છે. એ તો ગોપિકાને સ્પષ્ટ શબ્દોમાં કહે છેઃ ‘ભાઈ, તારા ભાગ્યનો તો પાર નથી; જે અમૃતનું પાન હંમેશાં કરે છે એવા કૃષ્ણ આજે તારા ગોરસની માગણી કરી રહ્યા છે.’
કૃષ્ણ જેવો કૃષ્ણ બાળકના વેશે યાતના કરે છેઃ પણ આ યાચના કંઈ ગોરસની નથી. ગોરસ તો માત્ર નિમિત્ત છે. એ તો પ્રેમને તરસ્યો છે. ગોરસના બહાને એ પ્રેમ માગે છે.
રોજ કૃષ્ણની કાંકરીથી ગોળીઓ ફૂટવાની ફરિયાદ કરતી ગોપિકાની સ્થિતિ કૃષ્ણના મથુરા ગયા પછી આવાં તોફાનોના અભાવમાં શું થયું એ તો આપણી વ્રજપરંપરાનાં ગીતોમાં જોઈ શકાય છે. કૃષ્ણ જેવો ગોરસ માગનાર ન મળે તો આપણે તો કેટલું પી શકવાનાં છીએ? અને ન પી શકીએ એટલું ઢોળી જ નાખવાનું છેઃ જીવનનું પણ એવું છે. જીવન જો કૃષ્ણની ભક્તિથી રસી ન શકાય તો જીવન આપણે કેટલું માણી શકીએ? અને જે ન માણી શકીએ એ વેડફાતું હોય છે. કવિ અહીં એક સરસ વાત કહે છેઃ આપણે ગમે તેટલા ગોરસ પીઈએ એનો મહિમા જ નથી; હરિ જો એકાદ બિન્દુ પણ ચાખે તો એથી ભાગ્ય પલટાઈ જાય છે. જો કૃષ્ણ ધારે તો આ સમસ્ત સૃષ્ટિ એની જ છે—એ જોઈએ એટલું જ લઈ શકે છેઃ પણ આ તો માત્ર ‘દાણ’ જ માગે છેઃ પ્રભુ આપણી પાસેથી ઝાઝી અપેક્ષા રાખતા નથી. ભગવાન આશુતોષ છે. જરામાં રીઝી જાય છે.
આવા ભગવાન જ્યારે ગાગર ફોડે છે ત્યારે ભવાટવીના ભ્રમણમાંથી મુક્તિ મળે છે. એ લૂંટે છે એ મહી નથી. માં આપણી પ્રીતિ પણ છે. કૃષ્ણ આપણા પ્રેમને લૂંટવા બેઠો હોય ત્યાં કશું પણ બચાવવાનો વિચાર પણ કેમ થઈ શકે? કૃષ્ણ જો લૂંટવા આવ્યા હોય તો જેટલું બચે એટલું એળે ગયું લેખાય.
ઈશાવાસ્યનો મંત્ર ‘ત્યાગ કરીને ભોગવ’ અહીં ઉપનિષદ—વાણીના ભાર વિના આપણે સાંભળી શકીએ છીએ. કૃષ્ણ અને ગોપીનો સંબંધ પ્રેમનો સંબંધ છે અને પ્રેમના સંબંધમાં પરિગ્રહની વૃત્તિ રહેતી નથી. જે કંઈ લૂંટાવી દઈએ એ જ આપણું રહે છે. પ્રિયજનનાં નેત્રો જેના પર ન ઠરે એવી કઈ વસ્તુ આપણને ક્યારેય ગમશે? અને આપણા પ્રિયજનને જે પરિતોષ આપી શકે એવી વસ્તુથી એને આપણે કદીયે વંચિત રાખી શકીશું?
વસ્તુતઃ આ લ્હાણનો અવસર જીવનમાં સૌ કોઈને મળે છે; સૌ કોઈના જીવનમાં આવી ક્ષણ આવે છે; પણ એ ક્ષણની જાણ જેના ધન્ય ભાગ્ય હોય એને જ થાય છે. એ જ ‘લૂંટવ્યું એટલી લહાણ’ કરી શકે છે. પરિગ્રહની મુઠ્ઠી ખૂલી જાય એવો પ્રબળ પ્રેમ જે અનુભવે એવી ગોપિકાના પ્રેમનું આ ગીત છે.(કવિ અને કવિતા)