અવલોકન-વિશ્વ/અંગ્રેજી આત્મકથા – વીનેશ અંતાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંગ્રેજી આત્મકથા – વીનેશ અંતાણી


Joseph-Anton-201x300.jpg


Joseph Anton – Salman Rushdie
Jonathan Cape, Random House, London; 2012
‘સેતાનિક વર્સિસ’ના વિરોધમાં સલમાન રશ્દીને મૃત્યુદંડ ફરમાવતા ફતવા પછી એમને લગભગ એક દાયકા જેટલાં વરસો કડક સુરક્ષા વચ્ચે જુદાં જુદાં સ્થળે ગુપ્તવાસમાં રહેવું પડ્યું હતું. ‘જોસેફ એન્ટોન’ આ સમયગાળાને આવરી લેતું આત્મવૃત્તાંત છે. આત્મવૃતાંત્ત હોવા છતાં, રશ્દીએ એનું આલેખન ત્રીજા પુરુષની શૈલીમાં કર્યું છે. સુરક્ષાવ્યવસ્થાના ભાગરૂપે એમને છદ્મનામ રાખવાનું કહેવામાં આવ્યું હતું. એમણે એમના બે પ્રિય લેખકો જોસેફ કોનરાડ અને એન્ટોન ચેખોવનાં પહેલાં નામ પરથી જોસેફ એન્ટોન નામ ધારણ કર્યું હતું. અજ્ઞાતવાસના સમય દરમિયાન રશ્દીની આઇડેન્ટીટી જોસેફ એન્ટોન નામ સાથે અભિન્નપણે જોડાઈ ગઈ હતી.

રશ્દીએ એમના આત્મવૃત્તાંતમાં એમના ઉછેર, વિકાસ, ‘સેતાનિક વર્સિસ’ના સર્જન પાછળની ભૂમિકા, ક્ષણેક્ષણે માથા પર તોળાતા મૃત્યુનો ભય, એમના પ્રકાશકો-એડિટર-અનુવાદકો પર થયેલા ઘાતક હુમલા, રાજકારણીઓનો પોકળ અભિગમ, જીવલેણ એકલતા, હતાશા, અન્યાયની લાગણી, ગુસ્સાની લાચાર પ્રતિક્રિયાઓ, સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિઓ સાથે બનેલા પ્રસંગો, બે પત્ની સાથે લગ્નવિચ્છેદની ઘટનાઓ, પ્રેમની ભૂખ, સર્જન કરતા રહેવાની ઝંખના, સંબંધોમાંથી નિર્ભ્રાંત થતા જવાની પ્રક્રિયા વગેરેનું નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિક આલેખન કર્યું છે. ‘જોસેફ એન્ટોન’ કટ્ટરવાદી ધર્મઝનૂનની નગ્ન વાસ્તવિકતાનો આલેખ આપે છે.

નવલકથાવાચન જેવો રસ જગવતું આ આત્મવૃત્તાંત આપણા સમયના એક મહત્ત્વના સર્જકના જીવનમાં ઊભી થયેલી અત્યંત વિકટ કટોકટીનો આલેખ છે. ઈરાનના વડા આયાતોલ્લા ખૌમેનીએ જાહેર કરેલા ફતવાના સમાચાર 1989માં વેલેન્ટાઈન ડે, 14મી ફેબ્રુઆરીએ જાણવા મળ્યા હતા. રશ્દીની પહેલી પ્રતિક્રિયા હતી: I’m a dead man.’ 13 વરસ પછી 22મી સપ્ટેમ્બર 1998ના રોજ સમાચાર આવ્યા કે રશ્દીના મૃત્યુની ધમકી પાછી ખેંચી લેવાઈ છે. રશ્દીએ પત્રકારોને કહ્યું: ‘It means everything. It means freedom.’ આ ઉદ્ગાર વાણીસ્વાતંત્ર્ય, વ્યક્તિસ્વાતંત્ર્યની રુંધામણ અને અસહિષ્ણુતાના પ્રખર વિરોધના પ્રતીક બની ગયેલા સર્જકના છે. ‘જોસેફ એન્ટોન’ કટોકટીભર્યા સાંપ્રત સમયમાં માનવસ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે.