અવલોકન-વિશ્વ/અભિનય પ્રત્યે પૂર્ણ સમપિર્ત કળાકારની આત્મકથા – બકુલ ટેલર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અભિનય પ્રત્યે પૂર્ણ સમપિર્ત કળાકારની આત્મકથા – બકુલ ટેલર


69-the-act-of-life-203x300.jpg


The Act of Life – Amrish Puri
Steller Publisher, New Delhi, 2006
અમરીશ પુરીની બહુ પ્રચલિત ઓળખ હિન્દી લોકપ્રિય સિનેમાના અભિનેતા-ખલનાયકની છે. પૃથ્વીરાજ કપૂરથી માંડી ઉત્પલ દત્ત, ડો. શ્રીરામ લાગુ, નસીરુદ્દીન શાહ વગેરેએ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી પછી પણ રંગભૂમિ સાથેનો નાતો સમાંતરે જાળવી રાખેલો. અમરીશ પુરી વિશે પણ બરાબર એવું જ છે. 1961માં ‘એ વ્યુ ફ્રોમ ધ બ્રીજ’ (આર્થર મિલર) નાટકથી તેઓ રંગભૂમિમાં પ્રવેશ્યા અને 2003માં કરેલું ‘બસ ઇત્તા સા’ તેમનું અંતિમ નાટક. હિન્દી ફિલ્મોમાં તેઓ 1970ની ‘રેશમા ઔર શેરા’, ‘પ્રેમપૂજારી’-થી પ્રવેશ્યા અને 2005ની ‘નેતાજી સુભાષચંદ્ર બોઝ – ધ ફર્ગોટન હીરો’ તેમની અંતિમ ફિલ્મ. તેઓ અભિનયકળાને પૂર્ણપણે સમપિર્ત અભિનેતા હતા, પણ એમાં તેમનું સ્વાભાવિક પસંદગીનું માધ્યમ રંગભૂમિ હતું. નાટકમાં કામ કરતી વેળા જાણે તેઓ વિશેષ ભાવે પોતાને ગોરવાંકિત અનુભવતા. તેમની આ આત્મકથા ‘ધ એક્ટ ઓફ લાઇફ’ તેમણે પત્રકાર જ્યોતિ સભરવાલ પાસે લખાવડાવેલી. વ્યસ્ત અભિનેતા આ રીતે લખાવડાવવું પસંદ કરે તે સહજ છે. આત્મકથા-લેખન પણ એક કૌશલ્ય માંગે છે. જીવનના અનેક પ્રકારના અનુભવો લખતી વેળા પ્રગટતી આત્મરતિ પ્રસંગોના સંકલનમાં વિવેકભ્રષ્ટ કરે એ સંભવ છે. અમરીશ પુરી બહુ સ્પષ્ટ છે કે આ આત્મકથા વધારે તો રંગભૂમિના કાર્ય વિશેની વાતો કહેવા માટે છે. સિનેમાના કાર્યનું મહત્ત્વ અલબત્ત છે પણ રંગભૂમિના અભિનેતા તરીકે ઓળખાવતી વેળા પોતાને તેઓ જે રીતે ખોજે છે તેમાં એમને એક સાધકનો અનુભવ થાય છે. સિનેમામાં તેઓ બહુ ઝડપથી ચરિત્ર અભિનેતા બની ગયા કારણ કે અભિનયનાં અનેક સ્તરોની શોધ તેઓ નાટ્યાભિનય દરમ્યાન કરી ચૂક્યા હતા. તેમના પહેલાં ખલનાયક તરીકે સૌથી વધુ પ્રતિષ્ઠા પ્રાણસાહેબની હતી. તેમણે 1940થી કારકિર્દી આરંભેલી અને 2003 સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા અને 371 ફિલ્મોમાં કામ કર્યું. અમરીશ પુરીએ 1970થી 2005 સુધીમાં 316 ફિલ્મોમાં કામ કર્યું. પ્રાણનાં 64 વર્ષ અને અમરીશ પુરીનાં 36 વર્ષ. એક સાદા આકલન માટે પણ આ વિગત મહત્ત્વની ગણાવી શકાય. પ્રેક્ષકોના મોટા સમૂહની પ્રશંસા અને અઢળક કમાણી ફિલ્મક્ષેત્રના કામથી જ મળી, પણ અમરીશ પુરી તો છે રંગભૂમિની કળાને જ સમપિર્ત. તેઓ ફિલ્મોના અભિનય વિશે લખતાં લખતાં તુલનાભાવથી નિરીક્ષણ કરે છે કે,

An essentional difference between performing live on stage and on camera is that in theatre, it is one-to-one. you feel the breath of the audience, when they breathe you hear them breathing. when you get to see their reaction you want to perform even better.

‘(તખ્તા પર સજીવ અભિનય કરવામાં અને કૅમેરા સામે અભિનય કરવામાં મહત્ત્વનો ફરક એ છે કે તખ્તાનો અભિનય સામ-સામે થાય છે. તમે પ્રેક્ષકોના શ્વાસનો ય અનુભવ કરી શકો છો. જ્યારે તેઓ શ્વાસ લેતા હોય ત્યારે તેમનો શ્વાસ પણ તમને સંભળાય છે. જ્યારે તમે તેમની પ્રતિક્રિયા જુઓ છો ત્યારે તમે હજુ વધુ સારો અભિનય કરવા ચાહો છો.)

તખ્તાનો અભિનય સજીવ અને જીવંત છે. આધુનિક હાઇ-ટેક સાધનો પણ રંગભૂમિ પર ક્યારેય પ્રભાવી ન થઈ શકે. તેની ગૂંજ સદા રહેશે. થિયેટરની દુનિયા બહુ આશ્ચર્યજનક હોય છે, દૃશ્યોમાં એક નિશ્ચિત નિરંતરતા અને ક્રમ જળવાયેલાં રહે છે. આ કૌશલ્યનો ફિલ્મોમાં પૂર્ણપણે અભાવ હોય છે. ફિલ્મનિર્માણ એક વાંકુચૂંકું ઉખાણું છે. તેમાં ક્રમ સ્થાપવા બધા ટુકડાઓને એકબીજા સાથે જોડવા પડે છે. વળી,

‘theater is nasha. It is very similar to the sexual act. one can’t stop inbetween and continue later. just like sex, theatre too is an addiction. you feel like reaching the climax time again. Forty years and over 300 films later, i am fully convinced that theatre is the first art (p. 119) (થિયેટરમાં એક નશો હોય છે. તે સેક્સ સમાન છે. વ્યક્તિ વચ્ચેથી છોડી તેને ફરી ચાલુ ન રાખી શકે. કામવાસના સમાન થિયેટર પણ એક નશો છે. તમને વારંવાર લાગે છે કે તમે ચરમ પર પહોંચી ગયા છો. 40 વર્ષ અને 300 ફિલ્મો કર્યા બાદ હું પૂર્ણરૂપે સહમત છું કે થિયેટર સર્વોચ્ચ કલા છે.)

અમરીશ પુરી પૂરી આત્મપ્રતીતિ સાથે રંગભૂમિની કળાનો મહિમા કરે છે, રંગભૂમિ પરનો અભિનય એટલા માટે જીવંત છે કે પ્રેક્ષકોના પ્રતિભાવ પ્રમાણે તમે ધારો તો વધુ નિખરી શકો. તેઓ ઉમેરે છે કે A film role is never all yours, it’s dependent on so many variables. but in theatre… everything is under your control! (p. 119’)

(ફિલ્મની ભૂમિકા ક્યારેય પૂર્ણપણે તમારી નથી હોતી, તે અનેક પાસાંઓ પર નિર્ભર કરે છે. પરંતુ થિયેટરમાં પૂરું નિયંત્રણ તમારા હાથમાં જ હોય છે.)

તેમનું બીજું પણ એક નિરીક્ષણ છે, ‘તખ્તા પર અવાજ વિશુદ્ધ અને વાસ્તવિક હોય છે જ્યારે સિનેમામાં તે પૂર્ણપણે કૃત્રિમ અને અવાસ્તવિક હોય છે.’

આત્મકથા હોય તો અંગત જીવનની અનેક સ્મૃતિઓ, પ્રસંગોથી ભરેલી હોય એ ખરું પણ આખરે તો એ આત્મકથાકારના મૂળભૂત જીવનવલણ પર અને તે કઈ વાતને કહેવી વધુ પસંદ કરે તેની પર નિર્ભર હોય છે. સુપ્રસિદ્ધ ગાયક-અભિનેતા કુંદનલાલ સાયગલ અમરીશ પુરીના કાકાભાઈ થાય. અમરીશજીના નાના પણ શાસ્ત્રીય સંગીતના સુપ્રસિદ્ધ ગાયક હતા. આ બધાના પ્રભાવે હોય કે નૈસગિર્ક વૃત્તિના કારણે હોય, અમરીશ પુરી કોલેજના દિવસોમાં વાંસળી વગાડતા. અર્ધશાસ્ત્રીય સંગીત પણ શીખેલા. પિતા સિવિલ સપ્લાયમાં હેડ કેશિયર તરીકે નોકરી કરતા. પિતાની ઇચ્છા કે તેમના દીકરા સરકારી નોકરી જ કરતા હોય. પણ અમરીશ પુરીના મોટાભાઈ ચમન પુરી અને પછી મદન પુરી પહેલાં નાટક અને પછી ફિલ્મના અભિનય તરફ જ વળ્યા. એવું અમરીશ પુરીમાં ય બન્યું – પણ થોડું મોડું. અમરીશજીને પહેલેથી જ મોડી રાતે સૂવાની ટેવ. તેમના પિતા માનતા કે જે વ્યક્તિ રાતે બહુ જલ્દી સૂઈ જાય તે તંદુરસ્ત ન હોઈ શકે. અમરીશજીએ પિતાની માન્યતા પ્રમાણે જાગતા રહેવાની જ ટેવ કેળવી. એ તેમને થિયેટરમાં ખૂબ કામ લાગી. ફિલ્મના શૂટંગિ દરમ્યાન યા એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયો તરફ જતી વેળા તેઓ કારમાં આરામથી સૂઈ જતા. કારમાં હંમેશ એક મુલાયમ તકિયો અને ચાદર રાખતા.

અમરીશ પુરીએ કુટુંબકથા જરૂર કહી છે પરંતુ તે વડે પોતાના વ્યક્તિચિત્રને કશીક મહાનતાનો સ્પર્શ આપવા નહીં, ક્યાંક આદર પ્રગટ કરવા, ક્યાંક પોતાના જીવનસંદર્ભને સમજવા, ક્યાંક પોતાના વ્યક્તિત્વના જીવનસ્રોતની ખોજ પૂરતux. તેઓ એક જુદા સંદર્ભે એક જગ્યાએ નોંધે છે કે, ‘અમે કળાકારો સ્વયં પોતાનું જીવન તો આંશિક રૂપે જ જીવી શકીએ છીએ! આ વાત બીજા અર્થમાં પણ સાચી છે કે કળાકારોની આત્મકથા હોય તો તેમના ચાહકો અંગત જીવનથી વધુ કળાકાર તરીકેના જીવનની વિગતોની જ અપેક્ષા રાખે. અમરીશ પુરીને જોકે એવી વિગતો આપવામાં ય ઓછો રસ છે. પોતાની ‘અભિનય કળા’ના જુદા જુદા પડાવો અને નાટક યા ફિલ્મનાં પાત્રસંદર્ભે જે પ્રક્રિયામાંથી પસાર થવાનું આવ્યું હોય તે નોંધવું તેમને વધુ ગમ્યું છે. એ પ્રક્રિયા નોંધતી વેળા તેઓ અભિનયકળા વિશે સ્વાનુભવે જે નિરીક્ષણો રજૂ કરે છે તે બહુ રસપ્રદ છે. જેમ કે તેઓ લખે છે કે,

It is not a one-day job to become an actor. you have to keep working at it, keep on doing better and better and may be one day the spark would ignite and you shall understand what is what! jab tak woh spark ek fire na ban jaye tab tak kahan actor banega’ so our effort is to convent that spark into fire. I am still in search of that big flame. (103)

(અભિનેતા બનવું તે એક દિવસમાં થનારું કામ નથી. તમારે નિરન્તર કામ કરતા રહેવું પડે છે અને દરેક વખતે અગાઉથી વધુ સારું કરવું પડે છે. અને ત્યારે કદાચ એક દિવસ તણખો થશે ત્યારે તમે સમજશો કે જેને અભિનય કહો છો તેમાં ખરેખર શું શું છે. જ્યાં સુધી આ તણખો આગમાં ફેરવાય નહિ ત્યાં સુધી ક્યાં અભિનેતા બનાય જ છે?’)

અમરીશ પુરીએ આ આત્મકથામાં પોતાના ગુરુ સત્યદેવ દુબેને વારંવાર ખૂબ ઉષ્મા અને આદરથી સ્મર્યા છે. સત્યદેવ દુબેએ અમરીશજી વિશે એકવાર કહેલું કે, ‘કોઈ બીજો કળાકાર કદાચ નહીં કહી શકે કે મેં એને આ હદે ગુસ્સાથી ખખડાવ્યો હોય – પણ અમરીશને મારી તરફથી એ જરૂર મળ્યું છે. પરંતુ તેનાથી તે ક્યારેક હતાશ ન થયો કે ન તેના આત્મસન્માનને ઠેસ લાગી. મારા સહિત સહુ તેની સમર્પણભાવનાથી પ્રભાવિત છે.

એમણે કરેલાં આ નાટકો તેમના જીવનનિર્વાહ માટે નહોતાં. 1954થી 1975 સુધી તેઓ ‘આકાશવાણી’માં કામ કરતા રહેલા. ત્યાં જ ઊમિર્લા દિવાકર સાથે પરિચય થયો અને ચાર વર્ષના પ્રેમસંબંધ પછી તેઓ પરણ્યાં. જોકે પોતે તેને પ્રેમ કરે છે એવું કહેવાની વાત તો પછી, પ્રથમ પરિચય પછી વાત કરતા થવામાં પણ છ મહિના લગાડી દીધેલા. ફિલ્મોના ખલનાયક તરીકે અમરીશ પુરીને ઓળખનારાને આ જાણી જરૂર આશ્ચર્ય થઈ શકે. પત્નીને કારણે જ તેઓ સતત નાટકો કરતા રહ્યા અને ફિલ્મોમાં આવ્યા પછી પણ પત્નીએ જ કહેલું કે, હું નોકરી કરું છું તમે ફિલ્મોમાં પ્રયત્ન કરતા રહો. દુબેજીને અને પત્નીને તેમણે જાણે આધાર સમાં માન્યાં છે. દુબે જો કે બહુ આકરા મિજાજના. જે રીતનો અભિનય જોઈએ તે જોઈએ જ. ‘અંધાયુગ’માં અમરીશ પુરીને તેમણે ધૃતરાષ્ટ્રની ભૂમિકા આપેલી અને પુરીએ 17 મિનિટ સુધી આંખ પલકાવ્યા વિના અભિનય કરવાનો હતો. આ કેમ કરવું? તેમણે દુબેજીને પૂછ્યું તો તેઓ કહે, ‘તું જાણે, એમાં મને શું પૂછે છે?’ ખુલ્લા તખ્તા પર, મચ્છરો ઊડતા રહેતા હોય તેની વચ્ચે તેમણે આ કરવાનું હતું પણ તેમણે એ કર્યું. અમરીશ પુરી દિગ્દર્શકને અનેક રીતે મહત્ત્વ આપવાનું સમજતા હતા. તેઓ કહે છે, ‘દિગ્દર્શક એક મનોવિજ્ઞાનીની જેમ તમને સંમોહિત કરી તમારી ભીતરથી પાત્રને પ્રગટ કરે છે. મને આ પ્રકારનો અનુભવ અનેકવાર થયો છે. હું સમજી જ નહોતો શકતો કે એક વિશેષ પ્રકારનું દૃશ્ય હું કેવી રીતે ભજવી ગયો! તેઓ એક જગ્યાએ નોંધે છે કે, ‘કોઈ કળાકાર શ્રેષ્ઠ નથી હોતો, ઉત્તમ નિર્વહણ પામતી ભૂમિકાઓ શ્રેષ્ઠ હોય છે. એ વ્યક્તિ પર નિર્ભર કરે છે કે કઈ ભૂમિકામાં પોતાનું કેટલું પ્રદાન કરે.’

અમરીશ પુરીએ તેમની આ આત્મકથામાં અનેક નાટકોની ભજવણીને સ્મરી એ નાટક, એ નાટકે પ્રગટાવેલો અભિનયવિશેષ અને એ નાટક નિમિત્તના કેટલાક અન્ય પ્રસંગો આલેખ્યા છે. જેમ કે ‘અચ્છા એક બાર ઓર’ નાટક જોવા માત્ર છ પ્રેક્ષક જ આવેલા પણ નાટક તો જેમ ભજવવાનું હતું એમ જ ભજવેલું. ‘એક ઓર ગાર્બો’ નાટક વેળા મુંબઈમાં ભારે વરસાદ વરસેલો એટલે માત્ર 25 જ પ્રેક્ષક હાજર. તેજપાલમાં નાટક ભજવાતું હતું અને છત પરથી ટપકતું પાણી તખ્તા પર ખાસ્સું ભેગું થયેલું. સતત સ્ટેજ સાફ કરતા જાય અને નાટક ભજવાતું રહે. નાટક તો અટકાવી ન શકાય. એ તો સારું કે તે દિવસે પ્રેક્ષકોમાં પ્રેમનાથ જેવા અભિનેતા આવીને બેઠા હતા. નાટક પૂરું થયા પછી તેઓ બૅકસ્ટેજમાં આવ્યા ત્યારે આ જાણ્યું. પ્રેમનાથ બધા કળાકારોને તે દિવસે પોતાના ઘરે લઈ ગયા. મોડે સુધી સહુએ દારૂ પીધો, ભોજન કર્યું અને બધા ઘરે જવા નીકળતા હતા ત્યારે દૂબેસાહેબને પંદરસો રૂપિયાનો ચેક આપ્યો.

ફિલ્મોમાં અત્યંત વ્યસ્ત સ્ટાર બન્યા પછી પણ દૂબેસાહેબ આદેશ કરે કે નાટક કરવું છે તો અમરીશ પુરીએ ક્યારેય ના નથી પાડી. ફિલ્મના નિર્માતાઓને તેઓ શૂટંગિની તારીખ આપે ત્યારે નાટકની ભજવણીની તારીખ પહેલાં જોઈ લેતા અને તે તારીખ ફિલ્મ માટે કદી ફાળવતા નહીં. નાટકના અભિનય અને ફિલ્મના અભિનયનો સૂક્ષ્મ ભેદ સમજવા પણ તેમણે મથામણો કરી છે. ‘થિયેટરમાં તમારે તમને સ્વયં રજૂ કરવાના હોય છે જ્યારે ફિલ્મોમાં કૅમેરા તમને રજૂ કરે છે!’ તેઓ ફિલ્મોના આઉટડોર-ઇનડોર શૂટંગિ દરમ્યાન પાત્રમાં પ્રવેશવાની પ્રક્રિયાને પણ સરસ રીતે ઉદ્ઘાટિત કરી આપે છે, ‘જ્યાં સુધી તમે એ નથી જાણતા કે એક ખાસ પ્રકારના વાતાવરણમાં કયા પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યાં સુધી તમે અસરકારક રીતે ભૂમિકા ભજવી શકતા નથી.’

અમરીશ પુરી ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતા અને એવા જ સજ્જન. હંમેશ તેઓ માતા-પિતા પાસે કેળવાયેલા સંસ્કારમાં બંધાયેલા રહ્યા. પૂર્વજીવનમાં તેઓ પરિવારમાં શિમલા રહેલા અને અભિનેતા તરીકે ખૂબ વિખ્યાત થયાનાં વર્ષો પછી ફરી શિમલા ગયા ત્યારે ફરી એ ઘરે ગયેલા જ્યાં મા-પિતા સાથે જીવન વિતાવેલું. એ ઘરમાં પ્રવેશતાં જ તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડેલા. તેઓ સફળતા વચ્ચે પણ સાદા જ રહેલા. રોજ હનુમાનચાલીસાનો પાઠ કરે. પિતાજીને હોમિયોપથીમાં શ્રદ્ધા હતી. તે શ્રદ્ધા તેમનામાં ય હંમેશ રહી. સફળતા વિશે તેમણે લખ્યું છે, ‘અસફળતાઓથી શીખવા મળ્યું પણ સફળતા ભયભીત કરનારી હોય છે.’ ‘જીવન એક નિરંતર વધતો ભ્રમ છે. ચારે તરફ અનેક ભ્રાન્તિ, ઘણી મૂંઝવણ છે કારણ કે તમે મને સફળ વ્યક્તિ માનો છો પરંતુ હું સ્વયં તેને નથી જાણતો. મને અત્યારે પણ એ અહેસાસ છે કે ફિલ્મોદ્યોગમાં મારાથી પણ વધુ પ્રતિભાશાળી લોકો છે અને હું મને અનેક પ્રકારે અક્ષમ માનું છું.’ તેમને રંગભૂમિ માટે આદર તો સ્વભાવિક જ છે પણ તેને એક જુદી દૃષ્ટિએ પણ નોંધે છે, ‘થિયેટર એટલું કઠોર, એટલું ભિન્ન અને એટલું ગહન છે અને વાસ્તવિક અંતર એ છે કે તે બુદ્ધિજીવી અને સાહિત્યિક ચંતિન ધરાવનારા લોકોથી વધુ નિકટ હોય છે. તે સમાજમાં કોઈ વર્ગમાં અભિવ્યક્તિનું બહુ જ વિવેકશીલ માધ્યમ છે. તે વ્યક્તિના મસ્તિષ્કનાં પરિદૃશ્યો ઉઘાડે છે અને એ રીતે ઓર વધુ સુસંસ્કૃત અને અનુભવપૂર્ણ જીવન પ્રદાન કરે છે. સમાપનનાં પૃષ્ઠોમાં લખે છે કે, ‘થિયેટર તમારી ઉર્જાનું નવીનીકરણ કરવા, નવી ઉર્જાનો સંચાર કરવા માટેની અને પ્રતિપૂતિર્ કરવાની શાશ્વત કાર્યશાળા છે.’ 407 પૃષ્ઠની આ આત્મકથા શીખવે છે કે અભિનય માટેનું સમર્પણ કેવું હોઈ શકે! કેટલા પ્રકારની જાગૃતિ વડે તમે અભિનય સિદ્ધ કરી શકો!

*

બકુલ ટેલર
નાટ્યસમીક્ષક.
પત્રકાર, ‘ગુજરાતમિત્ર’, સુરત.
સુરત.
bakultailor19@gmail.com
99795 05985

*