અવલોકન-વિશ્વ/અમેરિકન ઉચ્ચશિક્ષણ અને આંતરરાષ્ટ્રીય પરિપેક્ષ – પ્રવીણ જ. પટેલ
University – James Axtell. Princeton, U.S., 2016
સદ્ભાગ્યે છેલ્લાં કેટલાંક વર્ષોથી અનેક અમેરિકન વિદ્વાનો દ્વારા આધુનિક અમેરિકન યુનિવર્સિટીઓની ખાસિયતો ઉજાગર કરતા અભ્યાસપૂર્ણ ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ હાલમાં વિશ્વમાં દસ હજાર કરતાં પણ વધુ યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં છે. પરંતુ છેલ્લાં બારેક વર્ષથી બહાર પડતાં આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકનોમાં અમેરિકાની રિસર્ચ યુનિવર્સિટીઓ વર્ષોવર્ષ સર્વોચ્ચ સ્થાને મુકાય છે. તેથી એમ કહેવાય છે કે અમેરિકા જો પોતાના કોઈ પણ એક ઉત્પાદન ઉપર ગૌરવ લઈ શકે તેમ હોય તો તે ત્યાંની રિસર્ચ યુનિવર્સિટીઓ છે. જોકે અમેરિકન યુનિવર્સિટીઓમાં પણ મુશ્કેલીઓ અને સમસ્યાઓ તો છે જ. પરિણામે, તાજેતરમાં પ્રકાશિત યુનિવર્સિટીઓના ઇતિહાસને આલેખતા ગ્રંથો બે પ્રકારના છે: એક પ્રકારના ઇતિહાસમાં અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવર્તમાન સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઉપર ભાર મૂકવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આવાં પુસ્તકોમાં નકારાત્મક અને નિરાશાજનક અભિગમ જોવા મળે છે. જ્યારે બીજા પ્રકારના ઇતિહાસમાં યુનિવર્સિટીઓની પ્રગતિ અને વિકાસ તથા તેની વધતી જતી ઉપયોગિતાની ચર્ચા કરવામાં આવે છે. તેમનો અભિગમ હકારાત્મક અને આશાવાદી છે. અવલોકનહેઠળનું આ પુસ્તક બીજા પ્રકારનું છે.
અમેરિકાની યુનિવર્સિટીઓ શરૂઆતમાં એકદમ સામાન્ય કક્ષાની હતી. તેમના કરતાં યુરોપની યુનિવર્સિટીઓમાં અપાતા ઉચ્ચશિક્ષણની ગુણવત્તા એટલી ઊંચી હતી કે જેમ આજે દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણીને પોતાની કારકિર્દીને તેજસ્વી બનાવવા માંગે છે તેમ એક સમયે અમેરિકાના નાગરિકો ઉચ્ચ અભ્યાસ અર્થે યુરોપની યુનિવર્સિટીઓમાં જતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી દસ યુનિવર્સિટીઓમાં આઠ અને ટોપની પચાસમાંથી મોટાભાગની તો અમેરિકાની યુનિવર્સિટીઓ ગણાય છે. તો અમેરિકાની યુનિવર્સિટીઓ એકદમ સામાન્યમાંથી અસમાન્ય કેવી રીતે બની, એ પ્રશ્નનો જવાબ આપણને લગભગ 400પાનાંના આ પુસ્તકમાંથી મળી રહે છે. એક રીતે જોતાં અમેરિકાને પ્રબુદ્ધ નાગરિકો પૂરા પાડતી શ્રેષ્ઠ આઈવી લીગ તરીકે ઓળખાતી યુનિવર્સિટીઓના ઉદ્ભવ અને વિકાસને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક અમેરિકન રિસર્ચ યુનિવર્સિટીઓની અપ્રતિમ સફળતાની અનન્ય કહાની છે.
આ પુસ્તકના લેખક, જેમ્સ એક્ષ્ટેલ(જ.1941),કોલેજ ઓફ વિલિયમ એન્ડ મેરી-ના કેનન પ્રોફેસર ઓફ હ્યુમેનીટીઝ એમેરીટસ છે. 2008માં સેવાનિવૃત્ત થયેલા જેમ્સ એક્ષ્ટેલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (હવે પછી અમેરિકા)ના ખ્યાતનામ ઇતિહાસકાર છે. તેમણે અમેરિકાના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસ ઉપર The Pleasures of Academe, The Educational Legacy of Woodrow Wilson, અને The Making of Princeton University જેવાં અભ્યાસપૂર્ણ પુસ્તકો લખ્યાં છે.
મધ્યયુગના યુરોપમાં લગભગ 12મા સૈકામાં સ્થપાયેલી યુનિવર્સિટીઓનું માહિતીસભર આલેખન કરીને લેખક પોતાના કથનનો પ્રારંભ કરે છે. આ સંદર્ભે,મધ્યયુગના યુરોપમાં ઉદ્ભવેલી ઈટાલીની બોલોગ્ના, ફ્રાંસની પેરિસ અને ટ્યુડર અને ઇંગ્લેંડની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓના આરંભ અને વિકાસનું તે સમયના ધાર્મિક, સામાજિક અને રાજકીય સંદર્ભે રસપ્રદ નિરૂપણ એમણે કર્યું છે. અને તે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમોનું, તેમના વહીવટી માળખાનું અને તે વખતના વિદ્યાકીય જગતના માહોલનું વિગતવાર આલેખન કર્યું છે. એક્ષ્ટેલના મતે મધ્યયુગના યુરોપમાં કેથલિક ચર્ચને દર્શનશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કાયદાનું જ્ઞાન ધરાવતા ઉચ્ચ તાલીમ પ્રાપ્ત પાદરીઓની વધુ જરૂરિયાત જણાવા લાગી તેથી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ હતી. પરંતુ જેમ જેમ શહેરીકરણનો વિકાસ થયો તેમ તેમ વહીવટ કરી શકે તેવા અને કાયદાનું જ્ઞાન ધરાવતા લોકોની જરૂર પડવા લાગી તેથી વિદ્યાર્થીઓની રુચિ કાયદાના અભ્યાસ તરફ વળવા માંડી અને તેને કારણે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં અને અધ્યાપનમાં પણ પરિવર્તન આવવા માંડ્યું. પછી જેમ વિદ્યાર્થીઓનું વલણ યુરોપના બીજા દેશોના પ્રવાસ કરવા તરફ વધ્યું અને પોતાના દેશની પરદેશમાં કામ કરતી વિદેશ કચેરીઓમાં કામ કરવાનું આકર્ષણ વધ્યું તેમ પરદેશી, ખાસ કરીને યુરોપની બીજી ભાષાઓનો અભ્યાસક્રમ પણ દાખલ કરવામાં આવ્યો. આમ યુરોપની યુનિવર્સિટીઓમાં અપાતા શિક્ષણનો વ્યાપ અને સ્વરૂપ કાળક્રમે બદલાતાં ગયાં. લેખક માને છે કે, વિદ્યાકીય કારકિર્દીનું પ્રોફેશનાલાઇઝેશન – વ્યાવસાયીકરણ – અને નવા નવા (સ્પેશિયલ) વિષયોના ઉદ્ભવની સાથે સાથે યુનિવર્સિટીઓનો વિકાસ થયો.
આપણે જાણીએ છીએ તેમ આપણા દેશની માફક અમેરિકા પણ બ્રિટનનું એક સંસ્થાન હતું. તેથી સ્વાભાવિક રીતે જ જેમ આપણા દેશની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ ઉપર બ્રિટનનો પ્રભાવ પડ્યો હતો તેમ અમેરિકામાં પણ થયું હતું. લેખક જણાવે છે કે અમેરિકામાં સ્થળાંતર કરી સ્થાયી થયેલા અંગ્રેજ વસાહતીઓએ શરૂઆતમાં ઓક્સબ્રીજના નામે સંયુક્ત ઓળખ ધરાવતી બ્રિટનની ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીઓની કોલેજોને આદર્શ નમૂનારૂપ ગણી તેવી જ કોલેજો આરંભમાં ન્યૂ ઇંગ્લેંડ તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્થાપી હતી. આરંભમાં બ્રિટનની આ કોલેજો મુખ્યત્વે કરીને ખ્રિસ્તી ચર્ચ માટે જરૂરી ધર્મગુરુઓ તૈયાર કરતી. ત્યાર બાદ ઉમરાવ કુટુંબો તેમના નબીરાઓને ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે મોકલવા માંડ્યાં. જેથી સરકારી કે રાજદ્વારી નોકરીઓ તેમને મળી રહે. અને આ સંદર્ભે લેખક ઓક્સબ્રીજ કોલેજોની અમેરિકામાં સ્થપાયેલી કોલેજો ઉપર પડેલી અસરની વિગતવાર ચર્ચા કરે છે. શરૂઆતમાં બ્રિટનના જેવી સ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી રેસિડેન્સીયલ અને ઉદારમતવાદી (liberal) આર્ટ્સ કોલેજો અમેરિકામાં સ્થપાયેલી. આ કોલેજો ખૂબ જ નાના પાયા ઉપર શરૂ થયેલી સંસ્થાઓ હતી. 1936માં ચારસો પાઉંડના અનુદાનથી સ્થપાયેલી હાર્વર્ડ શરૂઆતમાં કેમ્બ્રિજની કોલેજોના મોડેલ ઉપર સ્થપાયેલી એક કોલેજ હતી. અને તેની સ્થાપના તે સમયના અમેરિકામાં જરૂરી એવા પાદરીઓ તૈયાર કરવા માટે થઈ હતી પણ ત્યાર પછી તેમાં અપાતા ઉદારમતવાદી શિક્ષણને કારણે તે વકીલો, ડોક્ટરો, શિક્ષકો અને વેપારીઓ પણ તૈયાર કરવા લાગી. આમે તે એક યુનિવર્સિટી નહોતી છતાં નાનકડી યુનિવર્સિટી જેવું જ તેનું કાર્ય હતું. (પૃ. 115). ત્યાર બાદ સ્થપાયેલી યેલ અને બીજી કોલેજો પણ આ જ રીતે ઉદારમતવાદી શિક્ષણ આપતી અને તે સમયના અમેરિકન સમાજ માટે જરૂરી વ્યાવસાયિકોને તાલીમ આપતી. અને આ બધી કોલેજોમાં શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓની શિસ્ત અને તેમના ચારિત્ર્યના ઘડતર ઉપર પણ પૂરતું ધ્યાન અપાતું. સ્વાભાવિક રીતે જ આ કોલેજમાં ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપવા ઉપર વધુ ભાર મૂકાતો હતો. અને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમની યાદ રાખવાની શક્તિને આધારે થતું. અમેરિકાની આઝાદી પહેલાં સંસ્થાનવાદના યુગમાં ત્યાં આવી માત્ર નવ કોલેજો હતી. ત્યારબાદ જેમ જેમ શિક્ષકો અને અન્ય વ્યાવસાયિકોની જરૂર પડતી ગઈ તેમ તેમ અમેરિકામાં સેંકડો કોલેજો સ્થપાઈ અને તેમાંની કેટલીકનું યુનિવર્સિટીઓમાં રૂપાંતર થયું અને કોલેજો તેમના ભવ્ય સ્થાપત્ય માટે જાણીતી બનવા લાગી.
જોકે, 1840સુધી આમાંની ઘણી કોલેજોમાં ભાગ્યે 100જેટલા વિદ્યાર્થીઓ દાખલ થતા. પરંતુ આ જ સમયગાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં સંગઠનો સ્થપાવા લાગ્યાં અને કોલેજો માટે ફંડફાળા ઉઘરાવવાના પણ શરૂ થયા. સંસ્થાનવાદ અને આંતરયુદ્ધના સમયમાં ખાનગી અને સરકારી મદદને કારણે અમેરિકન કોલેજોનો સારો વિકાસ થયો. 19મી સદીના મધ્યમાં અમેરિકન કોલેજોએ સમાજને ઉપયોગી અને પ્રજાસત્તાક લોકશાહી રાજ્યવ્યવસ્થા માટે જરૂરી એવા પ્રબુદ્ધ નાગરિકો તૈયાર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ કોલેજોના પ્રાધ્યાપકો દેશ અને દુનિયામાં આવી રહેલાં પરિવર્તનોથી સજાગ હતા અને તેમની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમનાં અધ્યાપન અને સંશોધનોમાં પ્રતિબિબંતિ થતી હતી. તેમ છતાં તે સમયે ઘણા અમેરિકનોને લાગતું કે અમેરિકાનું ઉચ્ચ શિક્ષણ જોઈએ તેવી ઊંચી કક્ષાનું નહોતું. (221) કોલેજના અધ્યાપકો માત્ર પ્રવર્તમાન જ્ઞાનનો પ્રસાર જ કરતા અને નવા જ્ઞાનના ઉપાર્જન તરફ નરી ઉપેક્ષા જ સેવાતી. પરિણામે અમેરિકાની કોલેજોમાંથી અભ્યાસ કરીને બહાર પડેલા સ્નાતકો વધુ અભ્યાસ અર્થે યુરોપ અને ખાસ કરીને જર્મની તરફ જવા લાગ્યા. 19મી સદીના અંતે જર્મન વિદ્વાનોની દરેક ક્ષેત્રમાં હાક વાગતી હતી જ્યારે 19મી સદીની અમેરિકન યુનિવર્સિટીઓ પ્રમાણમાં ઓછી વિકસિત હતી. તેથી જર્મન ઉચ્ચ શિક્ષણની ઊંચી ગુણવત્તા પ્રત્યે એક અહોભાવની લાગણી અમેરિકામાં ઊભી થઈ હતી. પરિણામે ઘણા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ જર્મનીમાં વધુ અભ્યાસ માટે જવા લાગ્યા. લેખક નોંધે છે કે જર્મનીમાં અપાતા ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને વિદ્વાન પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ સેમિનાર અને પ્રયોગશાળા જેવી તે સમયે અધ્યાપનની નવીન ગણાતી પદ્ધતિ દ્વારા સ્વતંત્ર સંશોધન કરી પોતાનાં સંશોધનોને પ્રકાશિત કરવાની તાલીમ આપવામાં આવતી હતી. તેને કારણે અમેરિકામાં એક એવી માન્યતા પ્રસ્થાપિત થઈ ગઈ હતી કે જો કોઈએ સાચા અર્થમાં વિદ્વત્તા પ્રાપ્ત કરવી હોય તો જર્મન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો જરૂરી છે. અમેરિકાના જર્મનીમાં ભણેલા વિદ્યાર્થીઓની વિદ્યાકીય કારકિર્દીના વિકાસ ઉપર તેમની જર્મન ડિગ્રીઓનો કેટલો બધો પ્રભાવ હતો તેની પણ ચર્ચા લેખક વિગતવાર કરે છે.
વધુમાં લેખક નોંધે છે કે જર્મનીની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ઘણા અમેરિકન વિદ્યાર્થીઓમાં ત્યાંના અનુભવને આધારે જર્મન યુનિવર્સિટીઓમાં અપાતું સંશોધનલક્ષી શિક્ષણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં પણ અપાય તેવી એક ભાવના પણ વિકસી. અને જ્યારે તેઓ જર્મનીમાં ભણીને ત્યાંની ડોક્ટરેટની ડિગ્રી લઈને પાછા ફરતા ત્યારે સાથે સાથે જર્મન યુનિવર્સિટીઓની ખાસિયતોના પ્રશંસક બનીને આવતા. એ ખાસિયતો હતી – તેમાં મળતી સંશોધનની તાલીમ, ત્યાંના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને મળતી સ્વતંત્રતા, ત્યાંના અધ્યાપકોની આંજી દે તેવી વિદ્વત્તા અને પોતાના અધ્યાપનના વ્યવસાય પ્રત્યેની તેમની અજોડ પ્રતિબદ્ધતા, વિદ્યાકીય તજ્જ્ઞતાને મળતું મહત્ત્વ, અભ્યાસના વિષયોની વિશાળ પસંદગી, એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં પોતાની રુચિ પ્રમાણે સરળતાથી સ્થળાંતર કરવાની છૂટ વગેરેના ત્યાર બાદ અમેરિકામાં અધ્યાપક બનવા માટે પીએચ.ડી.ની ડિગ્રીને મહત્ત્વ મળવા લાગ્યું. આમ ધીમે ધીમે અમેરિકામાં અપાતા ઉચ્ચ શિક્ષણમાં પણ ધરખમ ફેરફારો આવ્યા. ખાસ કરીને અનુસ્નાતક કક્ષાએ જર્મન યુનિવર્સિટીઓ જેવું સંશોધનલક્ષી શિક્ષણ આપવાની પ્રથા શરૂ થઈ. અને જેને જર્મન યુનિવર્સિટીઓની વિશેષતા ગણાય તેવી વિષયપસંદગીમાં વિદ્યાર્થીઓને મળતી સ્વતંત્રતા (ઇલેક્ટીવ સિસ્ટમ) સેમિનાર પદ્ધતિ અને તેની સાથે સંકળાયેલાં પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં દાખલ કરવામાં આવ્યાં. શરૂઆતમાં 1870માં નવી સ્થપાયેલી જ્હોન હોપકીન્સ યુનિવર્સિટીએ આ જર્મન મોડેલ દાખલ કરવાની પહેલ કરી જેમાં શિક્ષણ અને સંશોધનને પરસ્પર સાંકળવામાં આવ્યાં હતાં. અને તેની સફળતાથી પ્રભાવિત થઈને હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ તે પદ્ધતિ અપનાવી. પછી સમય જતાં અમેરિકામાં એસોસિએશન ઓફ અમેરિકન યુનિવર્સિટીઝના નેજા હેઠળ ત્યાંની અગ્રગણ્ય યુનિવર્સિટીઓએ તેમનાં વિદ્યાકીય ધોરણોમાં સમાનતા લાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા અને તેને કારણે દરેક યુનિવર્સિટીઓમાં વિદ્યાકીય વિભાગોની સંખ્યા પ્રાધ્યાપકોની વિદ્યાકીય લાયકાતો, વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો ન્યૂનતમ સમય, સંશોધનની સગવડો અને સાધનોની ગુણવત્તા અંગેનાં ધોરણો નિશ્ચિત થયાં અને આવાં ધોરણોનો સ્વીકાર શિકાગો અને સ્ટાન્ફર્ડન જેવી નવી સ્થપાયેલી યુનિવર્સિટીઓએ પણ કર્યો. જેને કારણે આજે વિશ્વમાં જેનો ડંકો વાગે છે તેવી રિસર્ચ યુનિવર્સિટીનો અમેરિકામાં વિકાસ થયો. અમેરિકાની રિસર્ચ યુનિવર્સિટીઓના ઉદ્ભવમાં જર્મન યુનિવર્સિટીઓની ભૂમિકાની રસપ્રદ ચર્ચા કરતું પ્રકરણ આ પુસ્તકનું સૌથી અગત્યનાં પ્રકરણોમાંનું એક છે.
આમ, અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ પર યુરોપના દેશોની બે રીતે અસર થઈ. ત્યાંથી સ્નાતક કક્ષાનું શિક્ષણ આપતી કોલેજો ઓક્સબ્રીજ મોડેલ ઉપર સ્થપાઈ અને અનુસ્નાતક કક્ષાનું (જેને અમેરિકામાં ગ્રેડ્યુએટ કક્ષા કહેવામાં આવે છે.) શિક્ષણ જર્મન મોડેલ પ્રમાણે આપવા માંડ્યું. જેમાં પ્રયોગશાળા પુસ્તકાલય, સેમિનાર, શોધનિબંધો અને વિષયપસંદગીમાં તથા સ્વતંત્ર વિચારશક્તિને મહત્ત્વ આપતી વિદ્યાકીય સ્વતંત્રતા ઉપર વધુ ભાર મુકાતો.
ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુનિવર્સિટીઓમાં થયેલાં રડાર અને એટમ બોમ્બ જેવાં, યુદ્ધમાં અત્યંત ઉપયોગી સંશોધનોને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી છેક ચાલીસ-પિસ્તાલીસ વર્ષ સુધી ચાલેલા શીતયુદ્ધ (કોલ્ડ વોર)ના ગાળામાં તેમનું મહત્ત્વ ખૂબ વધી ગયું અને તે સરકારને અને ખાસ કરીને અમેરિકન સૈન્યને ઉપયોગી એવાં સંશોધનો કરવા ઉપરાંત ભવિષ્યના વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, કાનૂનવિદો અને ધારાશાસ્ત્રીઓ તૈયાર કરવાની ભૂમિકા અદા કરવા લાગી. અને યુનિવર્સિટીઓમાં થતાં સંશોધનોને કારણે જેમ જેમ અમેરિકાની આર્થિક તેમ જ રાજકીય તાકાત વધતી ગઈ તેમ તેમ રિસર્ચ યુનિવર્સિટીઓનું મહત્ત્વ પણ વધવા માંડ્યું.
જોકે લેખકના મતે 1636માં હાર્વર્ડની સ્થાપના થઈ ત્યારથી જ યુનિવર્સિટીઓને મળતા અનુદાનમાં અને તેમના સંચાલનમાં ખાનગી અને સરકારી કે જાહેર હિતો સહભાગી રહ્યાં છે. પરંતુ અમેરિકાની સંઘ સરકાર વખતોવખત ઉદાર આર્થિક સહાય કરીને અને યુનિવર્સિટીઓને મદદરૂપ નીતિઓ ઘડીને ત્યાંની અગ્રગણ્ય યુનિવર્સિટીઓના વિકાસમાં ઘણો મોટો ફાળો આપતી રહી છે. આમ, અમેરિકાની યુનિવર્સિટીઓના વિકાસમાં ત્યાંની સરકારની દૂરંદેશી નીતિઓનો ફાળો મોટો રહ્યો છે. દાખલા તરીકે અમેરિકાના સિવિલ વોર તરીકે ઓળખાતા આંતરયુદ્ધ પછી 1860માં મોરિલ એક્ટ નામનો કાયદો પસાર કરીને ત્યાંની સંઘ સરકારે દરેક ઘટક રાજ્યમાં હજારો એકર જમીન ફાળવીને કૃષિ અને યંત્રવિજ્ઞાનમાં શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય આપતી નવી લેંડ ગ્રાંટ તરીકે ઓળખાતી જાહેર/સરકારી યુનિવર્સિટીઓની સ્થાપના કરી (1890),ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ વખતે ત્યાંની અગ્રગણ્ય યુનિવર્સિટીઓને યુદ્ધોપયોગી સંશોધનો માટે અમેરિકાની સંઘ સરકારની અઢળક આર્થિક સહાય મળી. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ લશ્કરી સેવામાંથી મુક્ત થયેલા હજારો સૈનિકોએ યુદ્ધ પછીની પોતાની જિંદગીમાં સારી રીતે ગોઠવાઈ જાય તથા તેમની મનગમતી કારકિર્દી બનાવી શકે તે માટે અમેરિકન સંઘ સરકારે 1944માંServicemen’s Re-adjustment Act નામનો એક કાયદો પસાર કર્યો હતો જે અમેરિકામાં GI Bill તરીકે પ્રચલિત છે. આ કાયદાને કારણે આવા હજ્જારો પૂર્વસૈનિકોને અમેરિકાની ઉત્તમ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની તક મળી અને આવા પોતાની ભવિષ્યની કારકિર્દી ઘડવા માટે ઉત્સુક અને ગંભીર એવા પુખ્ત ઉંમરના અને યુદ્ધના અનુભવથી પરિપક્વ થયેલા વિદ્યાર્થીઓ ઘણા મોટા પ્રમાણમાં અમેરિકાની ઉત્તમ યુનિવર્સિટીઓમાં દાખલ થવાથી આ વિશ્વવિખ્યાત અમેરિકન રિસર્ચ યુનિવર્સિટીના વિકાસમાં ઘણો ફાયદો થયો. આમ, સમગ્ર વીસમી સદીમાં અમેરિકાનો અને અમેરિકન યુનિવર્સિટીઓનો વિકાસ એક સાથે થયો, એટલું જ નહીં,પરસ્પરના વિકાસમાં પણ બન્નેનો ફાળો નોંધપાત્ર રહ્યો. અમેરિકા એક મહાન દેશ તરીકે ઊભર્યો તેમાં અમેરિકાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરીને બહાર પડેલા વિદ્યાર્થીઓનો ફાળો પણ મહત્ત્વનો હતો. લેખક આમ, અમેરિકાની અગ્રગણ્ય રિસર્ચ યુનિવર્સિટીઓની કેટલીક વિશેષતાઓની વિગતે ચર્ચા કરતાં કહે છે કે, દુનિયાની અન્ય યુનિવર્સિટીઓ કરતાં આ યુનિવર્સિટીઓ વધુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને ભવિષ્યમાં પણ તેમનું મહત્ત્વ ટકી રહેશે.
વર્તમાન સમયમાં અમેરિકામાં ઉદ્યોગગૃહોની ભાગીદારીમાં તથા સરકાર તરફથી અને અન્ય વિદ્યાકીય ફાઉન્ડેશનો મારફતે મળતી અઢળક સહાય દ્વારા આ અગ્રગણ્ય મલ્ટી યુનિવર્સિટીઓ વિશાળ પ્રમાણમાં જ્ઞાનનું અને નવીનતમ અતિઆધુનિક ટૅક્નોલોજીનું સર્જન કરીને જ્ઞાન આધારિત ઉદ્યોગોના ઉદય અને વિકાસમાં સિંહફાળો આપીને વૈશ્વિક સમાજની ધરખમ કાયાપલટ કરી રહી છે. (314)આમ છતાં અમેરિકન યુનિવર્સિટીઓમાં ઘણી માળખાકીય વિવિધતા પણ જોવા મળે છે.
કમનસીબે એક્ષ્ટન અમેરિકન યુનિવર્સિટીઓની આ સફળતાની કહાણી ઉપર જેટલું ધ્યાન આપે છે તેટલું તેમની ખામીઓ કે ઉણપો તથા તેમની સામે આવી પડેલા બજારીકરણના પડકારો બતાવવા ઉપર નથી આપતા તેથી વાચકોને માત્ર અમેરિકન યુનિવર્સિટીઓનું ગુલાબી અને એકતરફી ચિત્ર જ જોવા મળે છે. તેમ છતાં ઐતિહાસિક અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં લખાયેલું આ પુસ્તક માહિતીસભર અને રસપ્રદ વાચન પૂરું પાડે છે.
પ્રવીણ જ. પટેલ
સમાજવિદ્યા-વિષયક લેખન-સંશોધન.
સમાજવિદ્યાના પૂર્વ-અધ્યાપક,
મ. સ. યુનિવર્સિટી, વડોદરા.
વડોદરા.
pravin1943@gmail.com